81 વર્ષે દિલધડક જાદુ કરતા જાદુગર મંગલ

0
1791

‘તપન સુરજ સે હોતી હૈ,
તપના ધરતી કો હોના પડતા હૈં,
પ્રેમ આંખો સે હોતા હૈ,
ઔર ધડકના દિલ કો પડતા હૈ’.

અત્યાધુનિકયુગમાં એન્ટરટેનમેન્ટના માધ્યમો કમ્પલીટ ચેન્જ થઈ ગયા છે! તે સમયે જાદુઈકલા બરકરાર રાખવા 81 વર્ષના વયોવૃદ્ધ દુનિયાના મશહુર જાદુગર ઈશ્વરસિંહ ચૂડાસમા (જાદુગર મંગલ) નિત્ય નિરંતર જાદુગરના કોસ્ચ્યુમ અફલાતૂન પહેરી માથે હેટ – કે – પાઘડી, ચામડાના બૂટ લાલ ચટક કોટમાં સજ્જ થઈને પોઝિટિવ એનર્જીવાળા કર્ણપ્રિય-કંઠમાધુર્યથથ દર્શકગણનું મનોરંજન છેલ્લાં 60 વર્ષથી કરતા આવે છે. સમગ્ર ભારત અને 12 દેશોમાં જાદુગરના ભવ્યતાતિભવ્ય શો કરી આવ્યા છે. અત્યાધુનિક માઇક સિસ્ટમ સંગાથે બહુમુલ્ય ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી દર્શકને મંત્રમુગ્ધ કરી દે છે. ગુજરાતી લોકાભિમુખ જાદુઈકલાના કાઠિયાવાડના અમરેલી જિલ્લાના દામનગરના વતની જાદુકલા વિશે વિસ્તૃત માહિતી આપે છે.
81 વર્ષના બુજર્ગ જાદુગર ઈશ્વરસિંહ ચૂડાસમા માહિતી આપતા જણાવે છે કે ચૂડાસમા પરિવાર વિશ્વ વિખ્યાત જાદુગર મહમદ છેલ પાસેથી એચ. આર. ચૂડાસમા અને જી. આર. ચૂડાસમા જાદુના ખેલ શીખ્યા બાદ 100 વર્ષથી આ લાઇનમાં અમારી પેઢીઓ કામ કરે છે. હું પણ છેલ્લાં 60 વર્ષથી જાદુગર તરીકે પ્રસ્થાપિત થયો છું. જેમાં દેશી જમાનામાં જાદુગરની કલા ઊભા ઊભા કરતા એક જ શૂટ હોય, કાળા રંગનો અને રાજા-રજવાડાએ અમારી કદર કરતા મળેલા મેડલો કોર્ટ પર ચીપકાવેલ હોય. શો પૂરો થાય ત્યાં સુધી એક જ ડ્રેસ હોય ત્યારે સ્લો મોસમના જાદુના ખેલ કરવામાં આવતા નાનો એવો મંડપ અને ભારતીય બેઠકમાં પ્રેક્ષકોને બેસાડવામાં આવતા અને ટિકિટ ચાર આના, આઠ આના, બે આના રાખવામાં આવતી. પરચૂરણનો ડબ્બો ભરાઈ જતો. માઇક તો હતાં જ નહિ. અમો ઊંચા અવાજે બોલીને સમગ્ર પ્રેક્ષકોને સમજાવતા લાઇટનો યુગ પણ નહોતો આથી ગેસ બનાવેલો હોય તેના દીવડા રાખવામાં આવતા. બાદમાં પેટ્રોમેક્સ રાખતા અને તેના પ્રકાશે જાદુગરના શો કરતા અને હાર્મોનિયમ, તબલાં, વાંસળી, ખંજરી, મંજીરાથી સંગીત આપવામાં આવતું. ત્યાર પછી એચએમવી (હિઝ માસ્ટર વોઇઝ)નું ભૂંગળુ – પેટીવાજુ રાખતા અને તેમાં તાવડી જેવી રેકોર્ડ વગાડતા. આમ અમે જૂનાં ગીતો જાદુ સાથે વાત મેળવતા અને આમ કરતાં કરતાં મોટાં શહેરોમાં અમે કાર્યક્રમ આપવા લાગ્યા. અમારી લોકપ્રિયતા દેશની સાથોસાથ વિદેશમાં પણ વધવા લાગી. અમે 1979માં ફિજીની ટુર કરી અને સાથે આયરલેન્ડ પણ ગયા. આ જાદુની દુનિયામાં અમને નવું નવું આપવામાં સફળતા મળવા લાગી.

અત્યારે જાદુગર મંગલ વિશ્વવિખ્યાત બની ગયા છે. બેઠક વ્યવસ્થામાં ખુરશીઓ સાથે અમે સાત પડદાવાળું સ્ટેજ રાખીએ છીએ અને દરેક આઇટમમાં વેશભૂષા બદલીએ છીએ. અમને અમારી આ વિશેષતાને લીધે જાપાન સરકાર તરફથી ફાસ્ટ મેજિશિયન તરીકેનો ખિતાબ જાપાન સરકાર તરફથી મળ્યો છે છે. હાલમાં અમે ફાસ્ટ જાદુના કાર્યક્રમો આપીએ છીએ. પલકવારમાં જાદુ થઈ જાય છે. અમ ન્યુ ઝીલેન્ડ, જાપાનમાં ટોકિયો, દક્ષિણ આફ્રિકા, નૈરોબી, કેન્યા, દારેસલામ, યુગાન્ડા, અમેરિકા જેવા 12 દેશોમાં અને સમગ્ર ભારતમાં હજારો શો કર્યા છે. અમારા મુખ્ય જાદુના ખેલમાં ચાલુ પંખે આરપાર માણસ નીકળે છે, એક માણસના સાત કટકા કરીને બતાવીએ છીએ. એક માણસના બે કટકા કરી અલગ અલગ રાખીએ છીએ. માણસનું માથું કાપીને બોક્સમાં બતાવીએ છીએ અને મિરર (અરીસા) સોંસરવો નીકળે છે. પેટી (બોક્સ)માં વ્યક્તિને કોથળામાં પૂરી તાળું મારી દઈએ છીએ, અને પછી પેટી ફરી ખોલવામાં આવે તો આખેઆખી વ્યક્તિ બદલાઈ જાય છે અને તેની જગ્યાએ બીજી જ વ્યક્તિ નીકળે છે.

આવા તો અસંખ્ય પ્રયોગો અમે કર્યા છે. અમે દરેક શોમાં અલગ અલગ જાદુઈ પ્રયોગોના કાર્યક્રમો આપીએ છીએ. અમારા જાદુનો શો પારિવારિક હોય છ,ે જેથી અમારા કાર્યક્રમોમાં અસભ્યતા (વલ્ગારિટી) હોતી નથી. અમારા શોમાં ખાસ હાસ્ય કલાકારોને સ્થાન આપીએ છીએ, જેથી પ્રેક્ષકોની રમૂજ પણ કરી શકીએ.
અમે આ પ્રયોગો દરમિયાન દેશી ભક્તિ, વ્યસનમુક્તિ, શિક્ષણ, અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા અનુરોધ કરીએ છીએ. હું દેશી દવાથી લોકોની સેવા કરું છું. અત્યારે દેશમાં ગણ્યાગાંઠ્યા જાદુગરો છે અને જાદુકલા લુપ્ત થવા લાગી છે. જો સરકાર અમને આર્થિક સહાય આપીને પ્રોત્સાહન આપે તો આ જાદુની આ કલા જીવિત રહેશે, નહિતર નજીકના ભાવિમાં જાદુકલા વીસરાઈ જશે. અત્યારે મારો પુત્ર આદિત્ય ચૂડાસમા (જાદુગર મંગલ) તરીકે સ્ટેજ સંભાળે છે અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે.
વાહ… મંગલ… વાહ…

લેખક ફ્રિલાન્સ ફોટો-જર્નલિસ્ટ છે.