80ના દાયકામાં દેશની અર્થ- વ્યવસ્થા, બેન્ક – વ્યવહાર અને શેરબજારને ખળભળાવી દેનારા શેરદલાલ હર્ષદ મહેતાના કારનામાને પેશ કરતી, તેમના જીવનની અંતરગક્ષમોને પેશ કરતી એર ઓર ફિલ્મ : બિગ બુલ …અભિષેક બચ્ચને હર્ષદ મહેતાની ભૂમિકાને અસરકારક રીતે પેશ કરી છે.. 

 

      ઓટીટી પ્લેટફોર્મ પર તાજેતરમાં એક ફિલ્મ રજૂ કરવામાં આવી છે. બિગ  હુલ.. ફિલ્મનો હીરો છે. હર્ષદ મહેતા…જેની ભૂમિકા ભજવી છે અભિષેક બચ્ચને.. થોડા સમય અગાઉ એક વેબ સિરિઝ પણ ઓટીટી પર રિલિઝ થઈ ગઈ છે,જેમાં ગુજરાતી ફિલ્મ અને તખ્તાના પ્રતિભાસંપન્ન કલાકાર પ્રતીક ગાંધીએ હર્ષદ મહેતાની ભૂમિકા ખૂબ જ સરસ રીતે ભજવી છે. સહજ અને ઉત્તમ અભિવ્યક્તિ … હવે એ જ ચર્ચાસ્પદ પ્રકરણની કથા કોકી ગુલાટીના નિર્દેશનમાં અભિષેક બચ્ચને પેશ કરી છે.  અભિષેક બચ્ચનની ફિલ્મોએ ટિકિટબારી પર બહુ સફળતા મેળવી નથી, તેની મોટાભાગની ફિલ્મો સદંતર નિષ્ફળ નીવડી હતી. તેમ છતાં એ એક પ્રતિભાવંત કલાકાર છે, એ વાત મણિ રત્નમની ફિલ્મ ગુરુમાં એણે ઉત્કૃષ્ટ અભિનય કરીને પુરવાર કરી હતી. ફિલ્મ ગુરુ ભારતના મહાન અને અગ્રણી  ઉદ્યોગપતિ આદરણીય ધીરુભાઈ અંબાણીના જીવન પર આધારિત હતી. એમાં અભિષેકનો અભિનય લાજવાબ હતો. હવે હર્ષદ મહેતાની ભૂમિકામાં ફિલ્મ ધ બિગ બુલમાં પેશ થયેલા આ કલાકારની મહેનત અને નિષ્ઠાને જોવા – માણવા માટે પણ આ ફિલ્મ એક સરસ અવસર પૂરો પાડે છે. ગોટાળા, અહમ, સરકારીતંત્રની કાર્ય- પધ્ધતિ, વ્યકતિના અહમ- ઈગો , સંબંધોની સંવેદના- વેદના અને છેવટ સુધી હાર નહિ માનનારા એક મહત્વાકાક્ષી યુવાનની કુછંદે ચઢી ગયેલી બુધ્ધિની વાત છે એમાં. ભરખી જતા અભરખાની કથા- સપનાંઓના કાટમાળ હેઠળ ધરબાઈને નામશેષ થયેલી એક યુવાન જિંદગીના કરુણ અંજામની દાસ્તાન છે આ ફિલ્મ ધ  બિગ બુલ…બોમ્બે સ્ટોક માર્કેટનું  પ્રતીક છે આ બિગ બુલ . આ બુલ- આખલો જયારે બેફામ બની જાય ત્યાર શેષ રહી જાય છે માત્ર ને માત્ર તબાહી!! સુજ્ઞ દર્શકના મનમાં પ્રશ્ન જાગે છે- આ બુલ કોણ? બેસૂમાર કે બેલગામ સપના? કે માનવીના અસ્તિત્વને – એની સંવેદનાને ઉધઈની જેમ કોરી ખાતી લાલસા? એની વિવેક બુધ્ધિને નેસ્તનાબૂદ કરી દેતો એનો ઈગો ? એની હયાતીને નામશેષ કરતી પાશવી સિસ્ટમ? ગોટાળા. કરોડો રૂપિયાના સ્કેન્ડલ, ભ્રષ્ટાચાર- સ્કેમના અસહ્ય ઘોંઘાટ- શોરની વચ્ચે કયાંક ,  કોઈ સ્પંદન, કોઈ ધ્વનિ ….સંભળાય છે?…!