66મા ફિલ્મ ફેયર એવોર્ડમાં ફિલ્મ થપ્પડે જીતી લીધા 7 એવોર્ડ..

 

    બોલીવુડમા એવોર્ડ ને ઈુનામોની દુનિયામાં ફિલ્મફેયર દ્વારા આપવામાં આવતા એવોર્ડની એક વિશેષ છાપ છે, પ્રતિષ્ઠા છે. હિન્દી ફિલ્મોમાં કામ કરનારા અભિનેતા- અભિનેત્રીથી માંડીને નાના- મોટા કલાકાર કસબીની, વાર્તાકાર, સંવાદ- લેખક, સંગીતકાર, ગીતકાર, ગાયક કે ગાયક, તસવીરકાર, સંકલનકાર – દરેકના મનમાં બસ એક જ આશા હોય છે, એમનું સપનું હોય છે કે એમના કામને ફિલ્મફેરની સરાહના મળે. જીવનમાં એકવાર પણ એમને એમના કામ માટે એવોર્ડ મળે. કારણ કે ફિલ્મફેયર એવોર્ડ ભૂતકાળમાં કલાકાર માટે પ્રતિષ્ઠા કે મૂલ્યોનો માપદંડ ગણાતો હતો, પરંત ક્રમશ એનું પણ વ્યાપારીકરણ થઈ રહ્યું છે. . જોકે આમ છતાં કેટલીકવાર મૂલ્યનિષ્ઠ જ્યુરીને કારણે  નિષ્પક્ષ પરિણામો પણ મળ્યાં છે. કદાચ આ વરસે જાહેર કરવામાં આવેલ એવોર્ડ એ વાતને પુરવાર કરી રહયા છે કે, હજી પરિસ્થિતિ વણસી નથી. હજી સાચા કલાકાર- કસબીઓના કામની યોગ્ય રીતે કદર કરાય છે. પ્રતિભાસંપન્ન  કલાકારોને એમના કામ માટે પુરસ્કૃત કરવામાં આવે છે. વિવિધ કેટેગરીમાં કુલ સાત એવોર્ડ જીતનારી ફિલ્મ થપ્પડ એક હેતુલક્ષી ફિલ્મ છે. વ્યક્તિ- સ્વાતંત્ર્ય કે સ્ત્રી- પુરુષના અધિકારો કે સમાજમાં એમના સમાન હક અને સન્માન ની વાત કરતી આ ફિલ્મ સ્ત્રીના સન્માન. પ્રતિષ્ઠા અને જીવનમૂલ્યોની સાથે સાથે એક નારીની માનવ તરીકેની ગરિમા અને ઓળખ ની દિશા પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. અનુભવ સિન્હા નિર્દેશિત આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ વાર્તા, શ્રેષ્ઠ ગાયક, શ્રેષ્ઠ એડિટિંગ. શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઈન  વગેરે એવોર્ડ આપીને નવાજવામાં આવી હતી. તાપસી પન્નુને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2019માં અનુભવ સિન્હાની ફિલ્મ મુલ્કને શ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફેયર એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2020માં તેમની ફિલ્મ આર્ટિકલ- 15ને પણ ઉત્તમ ફિલ્મ તરીકે પુરસ્કૃત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ સદગત અભિનેતા ઈરફાન ખાનને ફિલ્મ અંગ્રેજી મિડિયમમાં તેમના ઉત્તમ અભિનય માટે તેમજ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મહાનાયક અમિતાભ બચ્ચનને ફિલ્મ ગુલાબો સિતાબો માં તેમના અભિનય માટે ક્રિટિક્સ તરફથી શ્રેષ્ઠ કલાકારનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય પણ ગુલાબો સિતાબો ફિલ્મ કુલ છ એવોર્ડ જીતી ગઈ હતી.ફિલ્મ તાન્હાજીમાં અભિનય કરનારા અભિનેતા સૈફ અલી ખાનને પણ શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.