65મો નેશનલ ફિલ્મ એવોર્ડઃ શ્રીદેવીને મરણોત્તર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ


પાંસઠમા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં આસામી ભાષાની ફિલ્મ ‘વિલેજ રોકસ્ટાર’ને ઓવરઓલ બેસ્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે મૃત્યુ પામેલા અભિનેત્રી શ્રીદેવીને ફિલ્મ ‘મોમ’ માટે મરણોત્તર શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જયારે દિવંગત વિનોદ ખન્નાને ‘દાદા સાહેબ ફાળકે સન્માન’ આપવામાં આવશે. હિન્દી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ‘ન્યુટન’ની પસંદગી કરાઇ છે.
એવોર્ડ પસંદગી સમિતિના ચેરમેન શેખર કપૂરે નવી દિલ્હીમાં એવોર્ડની યાદી જાહેર કરી હતી. બંગાળી કળાકાર રિદ્ધિ સેનને ‘નગર કિર્તન’ નામની બંગાળી ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જાહેર થયો છે. ‘નગર કિર્તન’ને બેસ્ટ કોસ્ચ્યુમ, મેકઅપ અને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ માટે પણ પસંદગી કરવામાં આવી છે. ‘વિલેજ રોકસ્ટાર’ એક યુવતીની વાત છે જે નાનકડા ગામમાં વસે છે, પરંતુ તેના સપનાં મોટા છે. આ ફિલ્મને બેસ્ટ મુવિ ઉપરાંત બેસ્ટ લોકેશન, સાઉન્ડ રેકોર્ડ, એડિટિંગ, ચાઇલ્ડ આર્ટિસ્ટ માટે પણ પસંદગી કરવામાં આવી છે.
મલયાલમ ફિલ્મના ડિરેકટર જયરાજને ‘ભયાનકમ’ નામની ફિલ્મ માટે શ્રેષ્ઠ ડિરેકટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
વિવિધ ભાષાની ફિલ્મોમાં ગુજરાતમાં બહુ ઓછી જાણીતી થયેલી ગુજરાતી ભાષાની ફિલ્મ ‘ઢ’ની પસંદગી થઇ છે.
વર્તમાન ભારતની વિવિધ સમસ્યાઓને રજૂ કરતી ફિલ્મોની મોટાભાગે એવોર્ડ માટે પસંદગી કરાઇ છે.
હિન્દી સહિત વિવિધ ભાષાઓમાં ફિલ્મોમાં અભિનય આપનારા શ્રીદેવીને એવોર્ડ મળતાં તેમના પરિવારે આનંદની લાગણી વ્યક્ત કરી છે. શ્રીદેવીના પતિ બોની કપૂરે કહ્યું કે, ‘આ એવોર્ડ માટે આભાર. કાશ… તે આ દિવસ જોવા માટે જીવતી હોત’. ફિલ્મ ‘મોમ’માં પોતાની પુત્રી પર થયેલા બળાત્કારનો બદલો લેતી માતાની ભૂમિકા માટે શ્રીદેવીને આ એવોર્ડ પ્રદાન થયો છે. શ્રીદેવીના નામની જાહેરાત કરતા શેખર કપૂરે કહ્યું કે અભિનેત્રી આ એવોર્ડ માટે સૌથી લાયક ઉમેદવાર હતા.
વિનોદ ખન્ના 1970 અને 1980ના દાયકામાં હિન્દી ફિલ્મોના મોટા સ્ટાર હતા તે 49મા દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા બન્યા છે જે ભારતીય સિનેમાનું ટોચનું સન્માન છે.
શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ, બેસ્ટ એકશન અને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ કેટેગરીમાં ‘બાહુબલી-2’ની પસંદગી કરાઇ છે. ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોને સન્માનીત કરવા માટે સન 1954થી દર વર્ષે ભારત સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. દરેક વિજેતાઓને નિયમ મુજબ રૂ. 50 હજારથી રૂ. અઢી લાખની રકમ મળશે.