5G બાદ હવે 6G તૈયારીઃ ૨૧મી સદીમાં સંપર્ક એટલે કનેક્ટિવિટીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

 

 

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ દાયકાના અંત સુધીમાં દેશમાં ૬જી સર્વિસ સરૂ થઈ શકે છે. આ માટે સરકારે પ્રયાસો શરૂ કરી દીધા છે. મહત્વનું છે કે દેશમાં વર્તમાનમાં ૩જી અને ૪જી સેવાઓ ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં ૫જી સેવાની શરૂઆત થવાની છે. ટ્રાઈના સિલ્વર જ્યુબેલી સમારોહમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આગામી દોઢ દાયકામાં ૫જીથી દેશની અર્થવ્યવસ્થામાં ૪૫૦ અબજ ડોલરનું યોગદાન થવાનું છે અને તેનાથી દેશની પ્રગતિ અને રોજગાર નિર્માણને ગતિ મળશે. સમારોહમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ૨૧મી સદીમાં સંપર્ક એટલે કે કનેક્ટિવિટી દેશના વિકાસની ગતિ નક્કી કરશે. વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ૨૧મી સદીના ભારતમાં કનેક્ટિવિટી દેશની પ્રગતિની ગતિને નક્કી કરશે. તેથી આપણે દરેક સ્તરે કનેક્ટિવિટીને આધુનિક બનાવવી પડશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ૫જી ટેક્નોલોજી દેશના શાસનમાં, જીવનની સુગમતામાં અને વ્યાપારની સુગમતામાં સકારાત્મક ફેરફાર લાવવાની છે. આ સાથે ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને દરેક ક્ષેત્રમાં પ્રગતિને બળ મળશે. એક અનુમાનનો હવાલો આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આવનારા દોઢ દાયકામાં ૫જીથી ભારતની અર્થવ્યવસ્થામાં ૪૫૦ બિલિયન ડોલરનું યોગદાન આપવાનું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જલદીથી ૫જી બજારમાં આવે તે માટે સામૂહિક પ્રયાસની જરૂરીયાત છે. આ દાયકાના અંત સુધી ૬જી સેવા શરૂ થઈ જાય તે માટે એક ટાસ્ક ફોર્સે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. ૨જીને હતાશા અને નિરાશાનો પર્યાય ગણાવતા જૂની સરકારો પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, તે કાલખંડ ભ્રષ્ટાચાર માટે જાણીતો હતો. ત્યારબાદ ૩જી, ૪જી, ૫જી અને ૬જી તરફ ઝડપથી અમે આગળ વધ્યા છીએ. મોદીએ આ પ્રસંગે પોસ્ટ ટિકિટ પણ જારી કરી અને આઈઆઈટી મદ્રાસના નેતૃત્વમાં કુલ આઠ સંસ્થાઓ દ્વારા બહુ-સંસ્થાન સહયોગી  પરિયોજનાના રૂપમાં વિકસિત ૫જી ટેસ્ટ બેન્ડની પણ શરૂઆત કરી છે.