સફાઈ, સ્વચ્છતા અને આપણું જીવન

સ્વચ્છતા આપણી ફરજ છે. બીજી ઓક્ટોમ્બર, 2012ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છતા અભિયાન’ (સેનિટેશન ફોર ઓલ) શરૂ કર્યું હતું. આ અભિયાનનું વિઝન આ પ્રમાણે છેઃ ભારતનાં બધાં જ ગામડાંઓ તથા શહેરો માનવજીવનને અનુરૂપ સરળતાથી રહેવા માટે સ્વચ્છ રહે, જેથી દરેક નાગરિકનું જીવન તથા પર્યાવરણ આરોગ્યપ્રદ રહે. અહીં આરોગ્યપ્રદ શબ્દ મહત્ત્વનો છે. સૌપ્રથમ આપણે લોકોએ પહેલાં દિલ, તન, મન, સાફ રાખવું પડશે. સ્વચ્છતા રાખવી આપણી ફરજ છે. સ્વચ્છતા રાખીશું તો રોગ ભાગશે. એટલે સ્વચ્છતા આપણી પ્રથમ સીડી છે. રસ્તાઓ, શેરીઓ, દુકાનો, ઘર અને આપણું રસોડું સહિત શરીરનાં તમામ અંગોને આપણે સ્વચ્છ રાખવાં પડશે. આ બધું કામ આપણે કરીશું તો સ્વચ્છતા આપોઆપ આપણે રાખતા થઈ જઈશુ.
સ્વચ્છતાના નારા પોકારવાથી સ્વચ્છતા આવતી નથી. સ્વચ્છતા આપણી ફરજ છે, આપણો ધર્મે છે. દરેક નાગરિકની જિમ્મેદારી છે સ્વચ્છતાનું સ્વાગત કરવાનું છે, ગંદકીને બાય બાય કરવાનું છે. દિલથી સ્વચ્છતાની પહેલ કરો, આપોઆપ સ્વચ્છતાની આદત પડી જશે. મારી નગરી… મારું આંગણું… મારું રસોઈઘર… મારું ઘર… મારી દુકાન… મારી ઓફિસ… મારું દિલ… મારા શરીરનાં અંગોને સ્વચ્છ રાખવાં આપણી ફરજ છે. સ્વચ્છતા મારી જવાબદારી છે. દરેક લોકોએ પોતાના દિલને સ્વચ્છ રાખશે તો સ્વચ્છતા હૃદયમાંથી પ્રગટ થશે.
સામાન્ય રીતે મોટા ભાગે સ્વચ્છતાનો અર્થ જીવાતોને કારણે રોગોનો ફેલાવો અટકાવવા માટેની પદ્ધતિ એવો થાય છે. સફાઈ પ્રક્રિયામાં – ઉદાહરણ તરીકે હાથ ધોવા – સંક્રમક ગંદકી અને માટી સ્વરૂપે રહેલા જીવાણુઓને સારી રીતે દૂર કરવામાં આવે છે, એટલે, એમ કહી શકાય કે, સફાઈ થયા પછી સ્વચ્છતા પ્રાપ્ત કરી કહેવાય છે. સ્વચ્છતા શબ્દનો ઉપયોગ વિવિધ શબ્દસમૂહો તરીકે થાય છે – શરીર સ્વચ્છતા, વ્યક્તિગત સ્વચ્છતા, ઊંઘ સ્વચ્છતા, માનસિક સ્વચ્છતા, દંત સ્વચ્છતા અને વ્યાવસાયિક સ્વચ્છતા એ જાહેર આરોગ્ય સંદર્ભે વપરાય છે. સ્વચ્છતાને આરોગ્ય અને આરોગ્યપ્રદ જીવનપ્રણાલી સાથે સંકળાયેલી આદતો તરીકે જોવામાં આવે છે.
સ્વચ્છતાનો ખ્યાલ એ જૂના તબીબી ખ્યાલ સાથે સંકળાયેલો છે, તેવી જ રીતે વ્યક્તિગત અને વ્યાવસાયિક દેખરેખની આદતો પણ મોટા ભાગે જીવનપ્રણાલી સાથે જોડાયેલી છે. સ્વચ્છતાની આદતો એ તબીબી વિજ્ઞાનમાં તેમ જ ઘર (પ્રાદેશિક) અને જીવનની રોજિંદી પ્રક્રિયાઓમાં રોગોનો ફેલાવો અને તેની અસર ઘટાડવાના પ્રતિબંધક માપદંડો તરીકે થાય છે. ખાદ્યાન્ન, દવાઓ, સૌંદર્યપ્રસાધનો અને અન્ય વસ્તુઓની ઉત્પાદન પ્રક્રિયામાં સ્વચ્છતા ગુણવત્તાની ખાતરી માટેનો મહત્ત્વનો ભાગ છે. ઉદાહરણ તરીકે ઉત્પાદન પર આપવામાં આવેલી માઇક્રોબિયલ-ઇનગ્રેડિયેન્ટનું વિગતવાર વર્ણન એ તેના ઉપયોગ માટે યોગ્ય હોવાની ખાતરી આપે છે. સુઘટતા અથવા સફાઈ અને સ્વચ્છતા શબ્દો ક્યારેક પરસ્પર એકબીજા માટે પણ વપરાય છે, જે મૂંઝવણ ઊભી કરી શકે છે.
સ્વચ્છતા એ વિજ્ઞાનની એક શાખા પણ છે, જે આરોગ્યની જાળવણી અને પ્રોત્સાહન સાથેનો વ્યવહાર દર્શાવે છે, તેને આરોગ્યશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સફાઈ અને સ્વચ્છતા પ્રક્રિયા વ્યાપક રીતે ભિન્ન છે.
આરોગ્યપ્રદ જીવન માટે ઘન કચરો અને ગંદા પાણીના નિકાલની સુનિયાજિત વ્યવસ્થા અનિવાર્ય છે. અપૂરતી સ્વચ્છતા સુવિધા રોગોના ઉપદ્રવ માટેનું એક મુખ્ય કારણ છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2012માં સેનિટેશન ફોર ઓલ – સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલું છે.
આરોગ્યપ્રદ-હાઇજીન એટલે એવી પ્રક્રિયા કે જેમાં સફાઈ અને સ્વચ્છતા બન્નેનો સમાવેશ થાય છે. જીવનશૈલી આરોગ્યપ્રદ રહે એ માટે આસપાસની જગ્યામાં સફાઇ રહે જેથી સ્વચ્છતાનું પ્રમાણ જાળવી શકાય. હાઇજેનિક પ્રક્રિયા માટે નાગરિકોની સમજ-સિવીક સેન્સ પણ અગત્યની છે.
ગ્રામ્ય સ્વચ્છતાને ધ્યાનમાં લઇને ભારતનો પ્રથમ સ્વચ્છતા અભિયાન પ્રકલ્પ વર્ષ 1986માં શરૂ થયો હતો. આ પ્રકલ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય જીવનને વધુ સારું બનાવવા પરત્વે હતો, ખાસ કરીને મહિલાઓને વધુ સગવડો મળે, જે તેમની જીવનશૈલીને ગરિમા બક્ષે. વર્ષ 1999માં આ પ્રકલ્પનું મૂલ્યાંકન કરીને પરિણામલક્ષી બનાવવા માટે તેનો સમાવેશ ભારતની નવમી પંચવર્ષિય યોજનામાં કરવામાં આવ્યો હતો.
ભારતનાં ગામડાંઓમાં સ્વચ્છતા અભિયાન યોગ્ય રીતે થાય તે અંગેની જવાબદારી વોટર સપ્લાય એન્ડ સેનિટેશન વિભાગને સોંપવામાં આવી હતી. આ પ્રકલ્પમાં ગામડાં સ્વચ્છ બને એ અંગે ખાસ ભાર મૂકવામાં આવેલો હતો.
વર્ષ 2012 સુધીમાં દરેક ગામડાં ખુલ્લી જગ્યામાં મળોત્સર્જનની ક્રિયાથી સંપૂર્ણપણે નાબૂદ થાય એવું લક્ષ્ય આ પ્રકલ્પનું હતું. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકલ્પના હેતુઓ નક્કી કરવામાં આવેલા હતા, જે આ પ્રમાણે હતાઃ
1. સામાન્ય જનજીવન ગુણવત્તાસભર બનાવવું. 2. વર્ષ 2012 સુધીમાં દરેક વ્યક્તિને ટાઇલેટ-સંડાસની સુવિધા મળે. 3. સ્થાનિક સરકાર એટલે કે પંચાતય દ્વારા જનજાગૃતિ અને આરોગ્ય શિક્ષણના માધ્યમથી સેનિટેશનની સગવડોને ટકાવી રાખવા માટે લોકોને પ્રેરણા આપવી. 4. શાળાઓ અને આંગણવાડીઓને સ્વચ્છતા સુવિધાથી સજ્જ કરવી અને બાળકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવું. 5. ખર્ચ અસરકારક સ્વચ્છતા સુવિધાઓને પ્રોત્સાહન પૂરૂં પાડવું.
ઉપરોકત હેતુઓના અનુસંધાનમાં વોટર સપ્લાય એન્ડ સેનિટેશન વિભાગના એક સર્વેક્ષણ પ્રમાણે તારણ એવું જાણવા મળે છે કે, ગામડાંઓમાં વર્ષ 2001માં આશરે 22% ઘરોમાં સંડાસની સુવિધા પ્રાપ્ત થઈ હતી અને વર્ષ 2010માં આ આંકડો 68%નો હતો. ખેર, આ તો સરકારી આંકડાઓ છે અને પ્રત્યક્ષ રીતે જોવા જઈએ તો ગામડાંઓમાં પરિસ્થિતિ કંઈક અલગ હોઇ શકે.
ઉપરોકત પ્રકલ્પની સાથે નિર્મલ ગામ પુરસ્કારની એક યોજના બનાવવામાં આવી હતી, જે ગ્રામપંચાયત, તાલુકો કે જિલ્લો 100% સ્વચ્છતા સુવિધાથી સજ્જ છે તેને આ પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 100% સ્વચ્છતા સુવિધામાં ખુલ્લી જગ્યામાં મળોત્સર્જનની નાબૂદી, વ્યક્તિગત ઘરો અને શિક્ષણ સંકુલમાં સંપૂર્ણ સ્વચ્છતા સુવિધા અને ગામના ભૌગોલિક વિસ્તારમાં કાયમી સફાઈને માપદંડ તરીકે જોવામાં આવેલાં હતાં.
વર્ષ 2005માં 38 ગ્રામપંચાયતને નિર્મલ ગામ પુરસ્કારથી નવાજવામાં આવેલી હતી. છેલ્લા આંકડા પ્રમાણે વાત કરીએ તો પૂરા ભારતમાં વર્ષ 2010માં આવી ગ્રામપંચાયતની સંખ્યા ફક્ત 2808ની છે. ભારતનું સિક્કિમ રાજ્ય પ્રથમ એવું રાજ્ય છે જેને નિર્મલ રાજ્ય તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલું છે.
છેલ્લા દશકામાં દેશની આશરે 1.05 મિલિયન શાળાઓમાં અને 0.36 મિલિયન આંગણવાડીઓમાં સુરક્ષિત સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે એવું વોટર સપ્લાય એન્ડ સેનિટેશન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, આપણા દેશમાં, ખાસ કરીને ગામડાંઓમાં સ્વચ્છતાને લઈને હજી ઘણું કાર્ય કરવાનું બાકી છે. ગામડાંઓમાં સ્વચ્છતા સુવિધા ઉપલબ્ધ થાય એ માટે રૂરલ સેનિટરી માર્ટની રચના સરકાર દ્વારા કરવામાં આવેલી છે. આ માર્ટની જવાબદારી ગામડાંઓમાં જરૂરિયાત પ્રમાણેની અને ખર્ચના દષ્ટિકોણથી પરવડે તેવા સેનિટેશનના વિકલ્પ આપવાની છે.