ઉત્તરાખંડમાં હોસ્પિટલના નિર્માણ માટે દેવાંગભાઈ ઇપ્કોવાળાનું એક કરોડનું દાન

0
3117

ડાબે) ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં નૈનિતાલના પહાડી વિસ્તારમાં કનરા-ડોલ ગામે આવેલા ધ્યાનપીઠ આશ્રમમાં ‘ઇન્દુકાકા ઇપ્કોવાળા ચિકિત્સાલય’ની સ્થાપના કરવામાં આવશે. તસવીરમાં નડિયાદના ઉદ્યોગપતિ દાનવીર દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા), સંત કલ્યાણદાસજી મહારાજ, સંતરામ મંદિરના સંત સત્યદાસજી મહારાજ સહિત અગ્રણીઓ નજરે પડે છે. (જમણે) તપોભૂમિ-દેવભૂમિમાં નિર્માણ પામી રહેલા ‘ઇન્દુકાકા ઇપ્કોવાળા ચિકિત્સાલય’ તસવીરમાં નજરે પડે છે. (ફોટોઃ અકબર મોમિન)

નડિયાદઃ જનસેવા એ જ પ્રભુસેવાના સૂત્રને ચરિતાર્થ કરતા નડિયાદસ્થિત દાતા અને ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલ દ્વારા સંચાલિત પટેલ શારદાબહેન ઇન્દુભાઈ ઇપ્કોવાળા ચેરિટેબલ ટ્રસ્ટ સખાવતની ગંગા વહેવડાવી રહ્યું છે. દેવાંગભાઈ પટેલની દીર્ઘદષ્ટિ અને વ્યવહાર-કુશળતાએ સેવાકાર્યોને નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે. કંઈકેટલીયે સંસ્થાઓ, જેને ઇન્દુકાકા ઇપ્કોવાળા તરફથી સખાવત પ્રાપ્ત થઈ હતી તે બધાની સાથે સાથે નવી અસંખ્ય સંસ્થાઓ, વ્યક્તિઓને તેમણે તેમની ઉદારતા અને સહાયતાના સાક્ષી બનાવ્યા છે. આવા તો કંઈકેટલાય સેવાપ્રકલ્પો ઇપ્કોવાળા ટ્રસ્ટના સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે, એટલું જ નહિ, આ બધી સંસ્થાઓ પગભર બને તેની પણ સંપૂર્ણ કાળજી લીધી, જેને કારણે બધી જ સંસ્થાઓ આજે તેમના ક્ષેત્રમાં અગ્રિમ બની છે. આવી જ એક સંસ્થા ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં નૈનિતાલના કનરા-ડોલ નામના ગામમાં સ્થપાયેલો ધ્યાન આશ્રમ છે. આશ્રમમાં આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા) દ્વારા રૂ. એક કરોડના માતબર દાનની જાહેરાત કરાઈ છે. આ દાનની મદદથી ‘ઇન્દુકાકા ઇપ્કોવાળા ચિકિત્સાલય’નું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
નૈનિતાલથી ઉપરના ભાગે આવેલા કનરા-ડોલ નામના ગામમાં ભારતના જાણીતા સંત કલ્યાણદાસજી મહારાજે ધ્યાનપીઠ આશ્રમની શરૂઆત કરી છે. જ્યાં યંત્રની સ્થાપના સમયે પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુની કથાનું આયોજન થયું હતું, જેમાં કલ્યાણદાસજી મહારાજ સાથે અમરકંટક આશ્રમથી વર્ષો પહેલા જોડાયેલા ઇન્દુકાકા ઇપ્કોવાળાનો પરિવાર વૈશાખી પૂર્ણિમા પ્રસંગે દર્શન માટે ત્યાં પહોંચ્યો હતો. આ આશ્રમમાં જ તેમણે એક આધુનિક હોસ્પિટલના નિર્માણની ઘોષણા કરી હતી.
કનરા-ડોલ આસપાસની બે કિલોમીટરની રેડિયસ પર્વતમાળામાં એક પણ દવાખાનું ઉપલબ્ધ નથી, જેથી પ્રેરાઈને પહાડી વિસ્તારમાં છૂટક વસ્તી ધરાવતા લોકોને માટે રૂ. એક કરોડના ખર્ચે ‘ઇન્દુકાકા ઈપ્કોવાળા ચિકિત્સાલય’ની જાહેરાત કથામાં જ્યારે મોરારીબાપુએ કરી ત્યારે હજારોની જનમેદનીએ શ્રી સંતરામ મહારાજના જયજયકારથી તેને વધાવી લીધી હતી. આ હોસ્પિટલની સેવા પાછળનો ઉદ્દેશ્ય જણાવતાં દેવાંગભાઈ પટેલે (ઇપ્કોવાળા) કહ્યું કે, જ્યાં આપણું કોઈ નથી અને જ્યાં આપણો કોઈ સ્વાર્થ નથી એવા વિસ્તારમાં દરિદ્ર અને દરદીઓમાં જ નારાયણનાં દર્શન કરવાની પ્રેરણા અમારા પરિવારને નારાયણ-દાસજી મહારાજે આપેલી છે. કનરા-ડોલ એવો ઉપેક્ષિત પહાડી વિસ્તાર છે, જ્યાં માણસને પોતાના અંગત સાધન વડે પહોંચતાં દસ કલાક થઈ જાય, તો દરદીની દશા કફોડી થાય. આથી અમે અહીં કલ્યાણદાસજી મહારાજની પ્રેરણાથી હોસ્પિટલ નિર્માણની શરૂઆત  કરી છે