37મો મિસ ઇન્ડિયા ન્યુ જર્સી 2018નો ખિતાબ મેળવતી કીમ કુમારી


ન્યુ જર્સીના ફોર્ડ્સના આલ્બર્ટ પેલેસમાં તાજેતરમાં યોજાયેલી 2018 મિસ ઇન્ડિયા ન્યુ જર્સી સૌંદર્ય સ્પર્ધામાં વિજેતા તરીકે (જમણે) કીમ કુમારીએ તાજ ધારણ કર્યો હતો. આ સ્પર્ધામાં મિસ ટીન ઇન્ડિયા ન્યુ જર્સી તરીકે એશા કોડે (ડાબે) અને મિસિસ ઇન્ડિયા ન્યુ જર્સી તરીકે મિસિસ રુચિતા મોદી શાહે (વચ્ચે) ખિતાબ જીત્યો હતો.

દિયા મિરઝાના હસ્તે ડો. સુધીર પરીખને તેમની સામુદાયિક સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તસવીરમાં રોયલ આલ્બર્ટ પેલેસના આલ્બર્ટ જસાણી નજરે પડે છે.

મિસ ઇન્ડિયા ન્યુ જર્સી સૌંદર્ય સ્પર્ધામાં વિજેતા તરીકે કીમ કુમારી (વચ્ચે), મિસ ઇન્ડિયા ન્યુ જર્સી રનર અપ તરીકે (ડાબે) જાનકી શાહ અને સેકન્ડ રનર અપ તરીકે (જમણે) આશના ઘીવાલા નજરે પડે છે.

 

 

(ડાબે) મિસ ટીન ઇન્ડિયા ન્યુ જર્સી 2018 એશા કોડે (જમણે) સાથે રનર અપ આરોહી ઉનડકટ (વચ્ચે) અને સેકન્ડ રનર અપ જાહ્નવી પટેલ (ડાબે) નજરે પડે છે. 

રુચિ વૈષ્ણવ
ન્યુ જર્સીઃ ન્યુ જર્સીના ફોર્ડ્સના આલ્બર્ટ પેલેસમાં તાજેતરમાં યોજાયેલી 2018 મિસ ઇન્ડિયા ન્યુ જર્સી સૌંદર્ય સ્પર્ધામાં વિજેતા તરીકે કીમ કુમારીએ તાજ ધારણ કર્યો હતો. આ સ્પર્ધામાં મિસ ટીન ઇન્ડિયા ન્યુ જર્સી તરીકે એશા કોડે અને મિસિસ ઇન્ડિયા ન્યુ જર્સી તરીકે મિસિસ રુચિતા મોદી શાહે ખિતાબ જીત્યો હતો. 37મી મિસ ઇન્ડિયા ન્યુ જર્સી 2018 સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ન્યુ જર્સીમાં રોયલ આલ્બર્ટ પેલેસના આલ્બર્ટ જસાણી અને સ્ટેટ ડિરેક્ટર શોભના પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ન્યુ જર્સીમાં મહિલા સશક્તીકરણ અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના અને પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધા ભારતીય અમેરિકન મહિલાઓ અને તેમના વિચારોને ટેલેન્ટ રાઉન્ડ, પ્રશ્નોત્તરી, રેમ્પ વોક વગેરે દ્વારા રજૂ કરવાની તક આપે છે.
મિસ ઇન્ડિયા ન્યુ જર્સી રનર-અપ તરીકે જાનકી શાહ અને સેકન્ડ રનર અપ તરીકે આશના ઘીવાલા વિજેતા થઈ હતી.
મિસ ટીન ઇન્ડિયા ન્યુ જર્સી તરીકે આરોહી ઉનડકટ રનર અપ તરીકે, જ્યારે જાહ્નવી પટેલ સેકન્ડ રનર અપ બની હતી.
મિસિસ ઇન્ડિયા ન્યુ જર્સી રનર અપ તરીકે રોહી સિંહ અને સેકન્ડ રનર અપ તરીકે પ્રિયંકા શિંદે વિજેતા થયાં હતાં.
સ્પર્ધાના આયોજકો સાથે પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર અને ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખે અને વુડબ્રિજના મેયર જ્હોન મેક્કોરમેકે પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું
સૌંદર્ય સ્પર્ધાનું સંચાલન મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2017 મધુ વાલ્લી દ્વારા કરવામાં આવ્યું હતું, જે પોતે વર્જિનિયામાં ક્રિમિનલ લો સ્ટુડન્ટ છે અને ભાવિ હિપહોપ કલાકાર છે. આ સ્પર્ધાની નિષ્ણાતોની પેનલમાં ઉદ્યોગસાહસિક અને સ્ટેટ ડિરેકટર ઓફ મિસ ઇન્ડિયા કનેક્ટિકટ સુમતિ નારાયણન, બ્યુટિશિયન અને વેલનેસ સલાહકાર કવિતા પયાર, સાઉથ એશિયન સ્પેલિંગ બીના સ્થાપક અને ટચડાઉન મિડિયાના સીઈઓ રાહુલ વાલિયા, અભિનેતા જાવેદ પઠાણ, બોલીવુડની ફેશન ડિઝાઇનર દીપાલી શાહ, ઉદ્યોગસાહસિક અને મિસિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2017 સરિતા પટનાયક, ક્લાસિકલ ડાન્સર બીના મેનન અને અમેરિકામાં બોલીવુડના વિવિધ શોના પ્રમોટર કનુ ચૌહાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્રીજા રાઉન્ડની શરૂઆતમાં બોલીવુડની અભિનેત્રી દિયા મિરઝા મિસ ઇન્ડિયા ન્યુ જર્સી સાથે પ્રથમ વાર રેમ્પ પર કેટવોક કર્યું હતું અને નિષ્ણાતોની પેનલમાં જોડાઈ હતી. મિસ ઇન્ડિયા ન્યુ જર્સી 2018ના વિજેતાઓને દિયા મિરઝાએ તાજ પહેરાવ્યો હતો તેમજ ડો. સુધીર પરીખને તેમની સામુદાયિક સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સૌંદર્ય સ્પર્ધાનું પ્રસારણ આઇટીવી ગોલ્ડ પર કરવામાં આવશે.