3.4 બિલિયન ડોલરમાં સિન્ટેલ કંપની વેચતા ભરત દેસાઈ, નીરજા શેઠી


ન્યુ યોર્કઃ ભારતીય-અમેરિકન દંપતી ભરત દેસાઈ અને તેમનાં પત્ની નીરજા શેઠીએ તેઓની કંપની સિન્ટેલ 3.4 બિલિયન ડોલરમાં ફ્રેન્ચ ટેક્નોલોજી સર્વિસ એટોસ એસઈને વેચી હતી. આ દંપતી 2014માં દુનિયાના અબજોપતિઓની યાદીમાં સૌથી ધનિક ભારતીય-અમેરિકન હતાં. દરમિયાન નીરજા શેઠી એક સામયિકની અમેરિકાના 60 સ્વનિર્ભર ધનિક મહિલાઓની યાદીમાં 21મા સ્થાને આવ્યાં હતાં. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના અહેવાલ મુજબ તેઓનો સંયુક્તપણે કંપનીમાં 57 ટકા હિસ્સો જાળવ્યો છે, તેનો અર્થ એ છે કે તેઓ ઓલ-કેશ ડીલમાંથી લગભગ બે બિલિયન ડોલર પોતાની સાથે લઈ જશે.
દેસાઈનો જન્મ કેન્યામાં અને ઉછેર ભારતમાં થયો હતો, તેઓ આઇઆઇટી બોમ્બેમાંથી સ્નાતક થયા હતા અને 1976માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના પ્રોગ્રામર તરીકે અમેરિકા ગયા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી એમબીએ કર્યું હતું.
સિન્ટેલની સ્થાપના બે હજાર ડોલરના આરંભિક રોકાણ સાથે 1980માં થઈ હતી. સિન્ટેલ આઇટી સ્ટાફ કંપની હતી અને પછી ફર્મ બની હતી.