26 જાન્યુઆરીના લાલ કિલ્લામાં થયેલી હિંસાના સંદર્ભમાં 15 દિવસ બાદ પંજાબી અભિનેતા દીપ સિધ્ધુની ધરપકડ કરવામાં આવી….

 

    ખેડૂતોના આંદોલન, ટ્રેકટર રેલી, બંધ , પ્રદર્શન વગેરેને કારણે તેમજ કોરોનાને લીધે સમગ્ર ભારતમાં ચિંતા અને વ્યગ્રતાનું વાતાવરણ છવાયેલું છે. પ્રજાસત્તાકદિનની ઉજવણીના માહોલમાં, લાલ કિલ્લા ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન આચરવામાં આવેલી હિંસાના બનાવમાં સંડોવાયેલા પંજાબી અભિનેતા દીપ સિધ્ધુની સોમવાર 9 ફેબ્રુઆરીની રાતે ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે દીપ સિધ્ધુને 7 દિવસની પોલિસ રિમાન્ડનો આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ દ્વારા દીપ સિધ્ધુ માટે 10 દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી.  મંગળવારે 9 ફેબ્રુઆરીના દિવસે દીપ સિધ્ધુને દિલ્હીની તીસ હજારી કોર્ટ સમક્ષ પેશ કરવામાં આવ્યો હતો. લાલ કિલ્લા ખાતે સમુદાયમાં હિંસાની ઉશ્કેરણીનું કૃત્ય કરવામાં સિધ્ધુ સંડોવાયો હોવાનો પોલીસ આરોપ મૂકી રહી છે. પોલીસે અદાલતને જણાવ્યું હતું કે, સિધ્ધુના મામલાની તપાસ કરવા માટે પોલીસે મુંબઈ, હરિયાણા તેમજ પંજાબની મુલાકાત લેવી પડશે. સિધ્ધુના મોબાઈલની પણ તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. દીપ સિદ્ધુને પોલીસે સોમવારે રાતે પોણા અગિયાર વાગે ગિરફતાર કર્યો હતો. 

લાલ- કિલ્લા પર ઉપદ્રવીઓને ઉશ્કેરીને પ્રાચીર પર ધાર્મિક ઝંડો લગાવવામાં આવ્યો હતો. ત્યારે હિંસા પણ થઈ હતી. આ લાલિકલ્લાની ઘટના બન્યા બાદ દીપ સિધ્ધુ ગુમ થઈ  ગયો હતો. પરંત એના ફેસ બુક એકાઉન્ટ પર લગાતાર વિડિયો અપલોડ કરવામાં આવી રહ્યા હતા. વળી પોલીસને છેતરવા માટે એ વારંવાર પોતાનું રહેઠાણ બદલતો રહ્યો હતો. આથી દીપ સિધ્ધુ વિષે માહિતી આપનાર વ્યકતિને પોલીસે એક લાખ રૂપિયાનું ઈનામ આપવાનું પણ જાહેર કર્યું હતું.