2030 સુધીમાં ભારતમાં વર્ષે એક કરોડ ઈલેક્ટ્રિક વાહનો વેચાશે: નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ઘણા વાહન નિર્માતાઓ દ્વારા પોતાના ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જેમાં ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર સામેલ છે. આ ટ્રેન્ડને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આગામી વર્ષોમાં ઝડપથી વધી રહેલા EV સેક્ટરને ધ્યાનમાં રાખીને 2030 સુધીમાં દેશભરમાં 1 કરોડથી વધુ ઈલેક્ટ્રિક વાહનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે. અને તેનાથી લગભગ 5 કરોડ નોકરી મળશે. નીતિન ગડકરીએ કહ્યું કે, અમે ટ્રાન્સપોર્ટ સેક્ટરને ડીકાર્બોનાઈઝ કરવા માટે એક મિશન મોડમાં કામ કરી રહ્યા છીએ. આ પ્રયાસમાં લો-ઈમિશન ટ્રાન્સપોર્ટ જેવા કે, ઈલેક્ટ્રિક વાહનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનો ટ્રાન્સપોર્ટેશન માટે સૌથી યોગ્ય, સુરક્ષિત અને ક્લીન છે. જો આપણે રેગ્યુલર વાહનોને બદલે સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વાહનોમાં સ્વીચ કરીએ છીએ તો 2030 સુધીમાં કાર્બન ડાયોક્સાઈડ ના ઉત્સર્જનને 1 ગીગા ટન સુધી ઘટાડી શકીએ છીએ. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે અને વાહન ડેટા પ્રમાણે અત્યાર સુધી ભારતમાં 34.54 લાખ ઈલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થઈ ચુક્યુ છે. જે ઝડપે ઈલેક્ટ્રિક મોબિલિટી દેશમાં વધી રહી છે તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2030 સુધીમાં દેશમાં દર વર્ષે 1 કરોડ EVનું વેચાણ થશે અને તેનાથી 5 કરોડ રોજગાર શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here