2024ની જીત બાદ INDIAના વડાપ્રધાનનો નિર્ણય લેવાશે

પટનાઃ વિપક્ષ એકતાના ગઠબંધન INDIAની પ્રથમ બેઠક પટનામાં યોજાઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ કહ્યું કે વિપક્ષ ગઠબંધન INDIA (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ)ના વડાપ્રધાન આગામી લોકસભા ચૂંટણી જીત્યા પછી નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું-2024માં જીતનારા તમામ સાંસદો વડાપ્રધાનની પસંદગી કરશે.
કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના નેતા સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક હારી જશે. પુનિયાએ કહ્યું-2024માં અમેઠીના લોકો સ્મૃતિ ઈરાનીને હરાવી દેશે. કોંગ્રેસ અથવા INDIA ગઠબંધનના ઉમેદવાર ચોક્કસપણે જીતશે. અમેઠીને કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે. 2004 થી 2019 સુધી, રાહુલ ગાંધી અમેઠીના સૌથી લાંબા સમય સુધી સાંસદ રહ્યા હતા. જો કે, 2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ તેમને 55120 મતોથી હરાવ્યા હતા. 2019માં સ્મૃતિ ઈરાની પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધીને પહેલાથી જ પોતાની હારની આશંકા હતી. જેના કારણે તેઓ કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડ્યા હતા. રાહુલ વાયનાડથી જીતીને સાંસદ બન્યા. તેઓ 2024માં અમેઠી બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચા છે.
INDIAની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવા જઈ રહી છે. જેમાં 26 પક્ષોના લગભગ 80 નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે. મુંબઈની બેઠકમાં INDIA ગઠબંધનનો લોગો જાહેર થઈ શકે છે. વિપક્ષના દળોની પ્રથમ બેઠક 23 જૂને પટનામાં થઈ હતી. બીજી બેઠક બેંગલુરુમાં 17-18 જુલાઈના રોજ યોજાઈ હતી. જો કે હજુ સુધી INDIA ગઠબંધન દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની જાહેરાત કરી હતી. 39 સભ્યોની આ સમિતિમાં સોનિયા, રાહુલ, પ્રિયંકાનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના દિગ્વિજય સિંહ અને કમલેશ્વર પટેલ, ત્તીસગઢના તામ્રધ્વજ સાહુ અને રાજસ્થાનના સચિન પાયલટને પણ CWCમાં સ્થાન મળ્યું છે. આ વર્ષના અંત સુધીમાં ત્રણેય રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે.
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે જો પ્રિયંકા ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડશે તો તેઓ ચોક્કસપણે જીતશે.