
2019ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી વિવિધ રાજકીય પક્ષો પોતાની ગણતરી અને લાભને દ્યાનમાં રાખીને કરી રહ્યા છે. કયાંક જાતિવાદનું ગણિત છે, તો કયાંક લધુમતી કોમની વોટ બેન્ક નજરમાં રખાય છે, કયાંક બેઠકની સલામતી જોઈને ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે, તો કયાંક ઉમેદવારે પાછળ 4 વરસ દરમિયાન પોતાના મત- વિસ્તારમાં કરેલા મહત્વના કામોની નોંધ લેવાય છે. કર્ણાટક- બેંગલુરુ- પશ્ચિમ લોકસભા મત- વિસ્તારમાંથી આ વખતે ભાજપે અતિ યુવાન અને શિક્ષિત યુવાનને ઉંમેદવાર બનાવ્યા છે. વાસ્તવમાં આ બેઠક કેન્દ્રીય મંત્રી સદગત અનંત કુમારની હતી. પરંત તેમનુ નિધન થવાથી આ બેઠક માટે તેમનાં પત્નીએ ઉમેદવારી માટે દાવો કર્યો હતો. પરંતુ પહેલેથી જ વંશવાદનો ભાજપ દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે. આથી ભાજપની યુવા પાંખના અતિ તેજસ્વી કાર્યકરની પસંદગી કરવામાં આવી. તેજસ્વી સૂર્યા વ્યવસાયે એડવોકેટ છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. ધારદાર પ્રવચનો કરે છે. કુશળ વક્તા છે. ભાષાઓ પરનું પ્રભુત્વ અને વાકપટુતા તેમના વકતવ્યોમાં અનુભવાય છે. હાલમાં તેજસ્વી સૂર્યા ભાજપના કર્ણાટક રાજયની યુવા પાંખના જનરલ સેક્રેટરી તરીકે કામગીરી બજાવે છે.
2018માં યોજાયેલા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ડિજિટલ કોમ્યુનિકેશન્સના નેતા તરીકે તેમણે અને તેમની ટીમે ખૂબ જ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ તેજસ્વી સૂર્યાએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર- અભિયાનનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેમણે ખુદ 100થી વધુ પ્રચાર-સભાઓ સંબોધી હતી. કહેવાય છે કે તેજસ્વીને ટિકિટ અપાવવા માટે આરએસએસનું પીઠબળ કામ આવ્યું હતું.યુવા શિક્ષિતોને રાજકારણ ગમતું નથી. દેશના વહીવટીતંત્રમાં સનદી અધિકારી તરીકે કામગીરી બજાવતા આઈએએસ અને આઈસીએસ અધિકારીઓ સુવિધાભર્યું અને સુખ- શાંતિપૂર્ણ જીવન ઈચ્છતા હોય છે. રાજકારણની મલિનતા અને ભ્રષ્ટાચારથી તેઓ દૂર રહેવા માગે છે. આવી પરિસ્થિતિમાં દેશના યુવાનને દેશની સેવા માટે સક્રિય બનાવવો અતિ આવશ્યક છે. જે કાર્ય ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.