

સન 2008માં મુંબઈની એક હોટેલ પર થયેલા આતંકવાદી હુમલાથી પ્રેરિત ફિલ્મ હોટેલ મુંબઈને તાજેતરમાં ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ભવ્ય પ્રતિસાદ અને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. કલાકારો અને ફિલ્મનિર્માતાઓ માને છે કે ફિલ્મમાં ફક્ત હુમલાનો ભોગ બનેલા નાગરિકોનું જ નહિ, પણ એ ઘટના સાથે સંકળાયેલા લોકો વિશે પણ આલેખન કરવું જોઈએ.
ફિલ્મમાં દેવ પટેલ, આર્મી હેમર અને જેસન ઇસાફ છે. મુંબઈની લક્ઝ્યુરિયસ તાજ હોટેલ પર 2008માં પાકિસ્તાનસ્થિત આતંકવાદીઓ દ્વારા ત્રાસવાદી હુમલો થવાને પગલે ત્રણ દિવસ દરમિયાન એક ડઝન મહેમાનો અને હોટેલના કર્મચારીઓ માર્યા ગયા હતા. આ હુમલાની ઘટનાને ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. મોટા ભાગની ફિલ્મમાં હોટેલમાં હુમલાની ઘટનામાં ફસાયેલા લોકોના દષ્ટિકોણથી વાત રજૂ કરાઈ છે, અને ગનમેનની વાત પણ સમાવિષ્ટ કરાઈ છે.
ઓસ્ટ્રેલિયન ડિરેક્ટર એન્થની મારવે શનિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ આતંકવાદી હુમલા વખતે હોટેલમાં વિવિધ પશ્ચાદભૂ, વંશ, જાતિ, વિવિધ સામાજિક-આર્થિક જૂથોના લોકો આવ્યા હતા, પણ આ હુમલાનો સામનો કરવા ભેગા મળ્યા હતા. દેવ પટેલે કહ્યું હતું કે આ અસ્તિત્વ બચાવવા માટેની પ્રતિજ્ઞા હતી.
આ ફિલ્મના કલાકારોએ કહ્યું હતું કે જ્યારે અમે પ્રથમ વાર સંપૂર્ણ ફિલ્મ નિહાળી ત્યારે અમારી આંખમાં આંસુ આવી ગયાં હતાં. ફિલ્મમાં આતંકવાદી હુમલાનાં ટેલિવિઝન દશ્યો પણ આવરી લેવામાં આવ્યાં છે.
ફિલ્મમાં અમેરિકન હોસ્ટ તરીકે ભૂમિકા ભજવનાર હેમર કહે છે કે સ્ક્રિપ્ટમાં માનવતાને આવરી લેવામાં આવી છે. આ હુમલો હોટેલ, હોટેલના મહેમાનો અને સ્ટાફ પર થયો હતો, પરંતુ સૌપ્રથમ વાર એમ લાગ્યું હતું કે આસપાસના લોકોને પણ વણી લેવામાં આવ્યા છે. ધ હોલીવુડ રિપોર્ટરના અહેવાલ મુજબ ફિલ્મ ખૂબ જ રોમાંચક અને જકડી રાખે તેવી ગુણવતાયુક્ત બની છે. ધ રેપના જણાવ્યા મુજબ ખૂબ જ ઉત્સાહજનક અને સાહસપૂર્ણ ગાથા છે.
મુંબઈમાં 2008ના આતંકવાદી હુમલાની શ્રેણીબદ્ધ ઘટનાઓ અતંર્ગત હોટેલ પર હુમલો કરાયો હતો. આ સમગ્ર હુમલામાં 160 નાગરિકો માર્યા ગયા હતા અને હજારો લોકોને ઇજા થઈ હતી. હોટેલ મુંબઈ ફિલ્મ બોલીવુડની ફિલ્મ ધ એટેક્સ ઓફ 26/11 પછી બનેલી ફિલ્મ છે જે મુંબઈ પોલીસના દષ્ટિકોણથી બનાવવામાં આવી હતી.