20 વર્ષ પછીઃ પરમાણુ પરીક્ષણથી અમેરિકા-ભારત સંબંધોના નવા યુગની શરૂઆત

0
909

1998માં ભારતીય પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું તે સ્થળ બુદ્ધ સ્થળ પર લશ્કરી જવાનો સાથે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે સંરક્ષણમંત્રી જ્યોર્જ ફરનાન્ડીસ. 11મી મેએ બે પરમાણુ પરીક્ષણ કરવામાં આર્વ્યાં હર્તાં. (જમણે) યુએસ-ઇન્ડિયા ન્યુક્લિયર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરતા અમેરિકી પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ બુશ. તસવીરમાં વિદેશમંત્રી કોન્ડોલીસા રાઇસ (ડાબેથી ત્રીજાં), વાઇસ પ્રેસિડન્ટ ડીક ચેની (જમણે), અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત રોનેન સેન (જમણેથી બીજા) નજરે પડે છે.

વોશિંગ્ટનઃ ભારતે 11મી મે, 1998ના રોજ કરેલાં બે પરમાણુ પરીક્ષણને 20 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. 11મી મે, 1998ના રોજ પરમાણુ પરીક્ષણ થયા પછી અમેરિકા-ભારત વચ્ચેના સંબંધોમાં નવા યુગની શરૂઆત થઈ હતી. આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્લ ઇન્દરફર્થે પરમાણુ પરીક્ષણોને ‘એકથી વધુ ભૌતિક ઘટના’ તરીકે વર્ણવ્યાં હતાં. (એસોસિયેશન ફોર ડિપ્લોમેટિક સ્ટડીઝ એન્ડ ટ્રેનિંગ, જુલાઈ, 2014, ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ઓન ધ બ્રિન્કઃ ધ 1998 ન્યુકિલયર ટેસ્ટ્સ)
વીસ વર્ષ પછી, ભારત અને અમેરિકામાં વિવિધ સરકારો બદલાઈ ગયા પછી, હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
સરકારી સત્તાવાળાઓ અને નીતિવિષયક ઘડવૈયાઓ ઉપરાંત, આ અવર્ણનીય બાબતમાં મહત્ત્વની ભૂમિકા ભારતીય-અમેરિકન સમુદાયે ભજવી છે, જે વાત બહુ ઉજાગર થઈ નથી. 1998માં ભારતે પરમાણુ પરીક્ષણ કર્યા પછી યુએસ કોંગ્રેસમાં ભારતવિરોધી તત્ત્વો રોષે ભરાયેલાં હતાં અને તેઓએ યુએસ-ઇન્ડિયા સિવિલ ન્યુક્લિયર કો-ઓપરેશન એગ્રીમેન્ટ વિરુદ્ધ 2006માં કેપિટોલ હિલમાં ‘ઘાતક’ સુધારાને હરાવવા માટે લોબિઇંગ કર્યું હતું.
પરમાણુ પરીક્ષણો થયા પછી અમેરિકી નીતિમાં ભારત પ્રત્યે કેવો બદલાવ આવ્યો છે તે અંગે નિષ્ણાતોમાં મતમતાંતર પ્રવર્તે છે. જોકે તેઓ આને ઐતિહાસિક બાબત ગણાવે છે.
તત્કાલીન સિનિયર સ્ટેટ ડિપાર્ટમેન્ટના સત્તાધીશ વોલ્ટર એન્ડરસન હાલમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ડિરેક્ટર છે. તેઓ કહે છે કે પરમાણુ પરીક્ષણો થયા પછી તત્કાલીન ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ સ્ટ્રોબ તાલબોટ દ્વારા ‘ભારત અંગે શું કરવું જોઈએ’ તે બાબતે એક ગ્રુપ ભેગું થયું હતું તે મને યાદ છે, જેનો હું એક હિસ્સો હતો.

(ડાબે) અમેરિકી પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ સાથે ‘ન્યુઝ ઇન્ડિયા ટાઇમ્સ’ના પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખ નજરે પડે છે. (જમણે) વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ‘ન્યુઝ ઇન્ડિયા ટાઇમ્સ’ના પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખ નજરે પડે છે.

પરમાણુ પરીક્ષણોને અનુલક્ષીને તાલબોટ અને ભારતના તત્કાલીન વિદેશમંત્રી જસવંત સિંહ વચ્ચે જૂન, 1998થી 2000 દરમિયાન 12 મંત્રણા થઈ હતી. એન્ડરસને જણાવ્યું હતું કે, ‘આ મંત્રણાઓ અમેરિકા-ભારત વચ્ચેના સંબંધોને વિકસાવવાની દિશામાં એક વધુ પગલું હતી.’
વોશિંગ્ટન ડીસીમાં થિન્ક ટેન્ક સ્ટીમસન સેન્ટરના સહસ્થાપક માઇકલ ક્રેપોને જણાવ્યું હતું કે મને નથી લાગતું કે પરમાણુ પરીક્ષણોના કારણે અમેરિકા-ભારત વચ્ચેના સંબંધો પર મહત્ત્વપૂર્ણ અસર થઈ હોય.
પરમાણુ પરીક્ષણો પછી જસવંત સિંહ-તાલબોટ વચ્ચે વ્યૂહાત્મક મંત્રણા યોજાઈ હતી. આ પછી ભારતને એલાઇટ ન્યુક્લિયર વેપન્સ ક્લબમાં સ્થાન મળ્યું હતું. (સ્ટ્રોબ તાલબોટઃ એન્ગેજિંગ ઇન્ડિયાઃ ડિપ્લોમસી, ડેમોક્રેસી, એન્ડ ધ બોમ્બ)
આ મંત્રણાના કારણે તત્કાલીન અમેરિકી પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ અને તત્કાલીન વિદેશમંત્રી કોન્ડોલીસા રાઇસની દીર્ઘદષ્ટિ સાથે ભારત સાથે સંધિ થઈ હતી, જેને યુએસ-ઇન્ડિયા ન્યુક્લિયર એગ્રીમેન્ટ તરીકે ઓળખવામાં આવી હતી.
આ સંધિ પછી 18મી જુલાઈ, 2005ના રોજ તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહ અને અમેરિકી પ્રમુખ જ્યોર્જ બુશ વચ્ચે સિવિલિયન ન્યુક્લિયર એગ્રીમેન્ટની જાહેરાત વાસ્તવિક બની હતી. 18મી ડિસેમ્બર, 2006ના રોજ કોંગ્રેસમાં ઘણા અવરોધો આવ્યા પછી પ્રમુખ બુશે હાઇડ એક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.
તમામ વિવાદો પછી, અને યુએસ પીઠબળ સાથે, ભારતને (ચીન સિવાય) એલાઇટ ન્યુક્લિયર ક્લબના અન્ય સભ્યોનું સમર્થન મળ્યું હતું.
ભારતીય-અમેરિકન અસરો
1998માં ભારતનાં પરમાણુ પરીક્ષણો પછી કોંગ્રેસમાં રોષ ફેલાયો હતો ત્યારે ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા કેપિટોલ હિલમાં ભારતતરફી વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો કરાયા હતા. સમુદાય દ્વારા કેપિટોલ હિલમાં કોકસ ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન-અમેરિકન્સના લોબિઇંગ માટે પ્રયાસો કરાયા હતા. યુએસ-ઇન્ડિયા સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ ઓફ 2006ના સમર્થન માટે સમુદાયે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.
કોંગ્રેસમેન જો ક્રાઉલીએ ‘ન્યુઝ ઇન્ડિયા ટાઇમ્સ’ને કરેલઈ ઈ-મેઇલમાં જણાવ્યું હતું કે યુએસ-ઇન્ડિયા સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ ઓફ 2006ના સમર્થન માટે ભારતીય-અમેરિકન સમુદાયે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. સમુદાય અમેરિકાને સતત સહાયરૂપ થઈ રહ્યો છે, જે ખૂબ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મહત્ત્વનું પગલું હતું.
એલોન યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર જેસોન કર્કે દલીલ કરી હતી કે ન્યુક્લિયર એગ્રીમેન્ટને સમર્થન આપવા કોંગ્રેસના સભ્યો પર દબાણ લાવવું પ્રોફેશનલ- ‘વેલ ફન્ડેડ’ ભારતીય લોબીના ભારતીય-અમેરિકનો માટે મહત્ત્વનું હતું.
પરમાણુ પરીક્ષણ પહેલાં અને પછી ભારતની આર્થિક વૃદ્ધિના કારણે અમેરિકા-ભારત સંબંધોમાં વધારો થયો હતો.
ઓબામા વહીવટી તંત્ર અને ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા અમેરિકા-ભારત વચ્ચેના દ્વિપક્ષી સંબંધોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જે વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત દેશવ્યાપી એજન્ડાને આભારી છે.
1998માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારના નેતૃત્વમાં પરમાણુ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં હતાં, જેના થકી અમેરિકા-ભારત વચ્ચેના સંબંધોને વેગ મળવાની શરૂઆત થઈ હતી.

(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)


યુએસ-ઇન્ડિયા ન્યુક્લિયર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર દરમિયાન વ્હાઇટ હાઉસમાં ભારતીય-અમેરિકી સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તસવીરમાં (ડાબેથી બીજા) ‘ન્યુઝ ઇન્ડિયા ટાઇમ્સ’ના પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખ નજરે પડે છે. (જમણે) 11મી મે, 1998ના રોજ પોખરણ પરમાણુ પરીક્ષણને અનુલક્ષીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટ.