1990ના દાયકાની સસ્પેન્સ થ્રિલર ફિલ્મની યાદ અપાવતી ‘નિર્દોષ’

સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘નિર્દોષ’ના ડિરેક્ટર પ્રદીપ રંગવાની અને સુબ્રતો પોલ છે. તેમણે અરબાઝ ખાન, મંજરી ફડણીસ, અશ્મિત પટેલ, મહેક ચહલ, મુકુલ દેવને લઈને આ ફિલ્મ બનાવી છે. વાર્તાની શરૂઆત એક હત્યાથી થાય છે. હત્યા માટે શંકાના દાયરામાં શિનાયા (મંજરી ફડણીસ)ની ધરપકડ કરવામાં આવે છે. ઇન્સ્પેક્ટર લોખંડે (અરબાઝ ખાન) આ કેસની તપાસ કરે છે. લોખંડે જેલમાં પોતાના અંદાજથી શિનાયાની પૂછપરછ કરે છે. ધીમે ધીમે કેસનો ઉકેલ આવતો જોવા મળે છે, પરંતુ દરેક સમયે નવો જ વળાંક આવે છે. ક્યારેક શિનાયાનો પતિ ગૌતમ (અશ્મિત પટેલ) પોતાને કાતિલ જણાવે છે, તો ક્યારેક મોડેલ અદા (મહેક ચહલ) અને રાણા (મુકુલ દેવ) પર શંકા જાય છે. છેલ્લે કાતિલ કોણ છે તે જાણવા માટે આ ફિલ્મ જોવી જોઈએ.
ફિલ્મનો પ્લોટ ઘણો નબળો છે, ઇન્ટરવલ અગાઉ ફિલ્મની વાર્તા સારી ચાલે છે, પણ સેકન્ડ હાફમાં વાર્તા આમતેમ ભટકી જાય છે. લોકેશન અને ડિરેક્શન વધારે સારાં છે. 1990ના દાયકાના સસ્પેન્સ થ્રિલર જેવી આ ફિલ્મ છે. ફિલ્મમાં એક્સ ફેક્ટર નથી.
મંજરી ફડણીસે નોંધપાત્ર અભિનય આપ્યો છે. અશ્મિત પટેલ અને અરબાઝ ખાનનો પણ અભિનય સારો છે. 1990ના દાયકાની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ગમતી હોય તો આ ફિલ્મ જોવાય.