19મી ઓગસ્ટે 38મી ઇન્ડિયા ડે પરેડનું આયોજન કરાશે

0
1022

ન્યુ યોર્કઃ ભારતના 72મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ (એફઆઇએ-ન્યુ યોર્ક-ન્યુ જર્સી-કનેક્ટિકટ) દ્વારા પ્રાયોજિત 38મી ઇન્ડિયા ડે પરેડ 19મી ઓગસ્ટ, રવિવારે ન્યુ યોર્ક સિટીમાં યોજાશે, જેની શરૂઆત 38મી સ્ટ્રીટ અને મેડિસન એવન્યુથી થશે.
હજી સુધી પરેડના ગ્રાન્ડ માર્શલના નામની જાહેરાત થઇઈ નથી, પરંતુ આ વર્ષની પરેડની થીમ વસુધૈવ કુટુંબકમ્ છે, જેનો અર્થ આખું વિશ્વ એક પરિવાર થાય છે.
28મી જૂને ન્યુ યોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલમાં આયોજિત કર્ટેઇન રેઇઝર પ્રસંગે એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખે જણાવ્યું હતું કે અમારી થીમને નજર સમક્ષ રાખીને અમે યુનિસેફ યુએસએનો આભાર માનીએ છીએ, જેઓ ભારતીય અમેરિકન ડાયસ્પોરાના સમર્થનમાં આ વર્ષની પરેડમાં અમારી સાથે જોડાશે અને આ પરેડને સફળ બનાવવા માટે અમારી ટીમ સખત મહેનત કરી રહી છે.
કર્ટેઇન રેઇઝર પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ચેરમેન-ફાઉન્ડર પદ્મશ્રી ડો. સુધીર પરીખ, ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી, ટીવી એશિયાના ચેરમેન પદ્મશ્રી એચ. આર. શાહ, એમનીલ ફાર્મસ્યુટિકલ્સના ચેરમેન ચિન્ટુ પટેલ, અભિનેત્રી પૂજા કુમાર અને રિપ્લેસ બિલીવ ઇટ ઓર નોટનાં સ્ટેસી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ડે પરેડ 38 વર્ષથી યોજાય છે. આથી યુનાઇટેડ સ્ટેટ્સ સાથે આપણા સંબંધો 38 વર્ષ જૂના છે.
ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે આ વાર્ષિક કાર્યક્રમનો હિસ્સો બનતાં મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે. ન્યુ યોર્કમાં યોજાતી ઇન્ડિયા ડે પરેડ ભારતની બહાર યોજાતી સૌથી વિશાળ પરેડ છે, જે ભારતીય-અમેરિકનોને ભેગા કરે છે, એટલું જ નહિ, પરંતુ અન્ય અમેરિકનોની નજર પણ તેના પર હોય છે.
ડો. પરીખે કહ્યું હતું કે પરેડના કવરેજનો વ્યાપ સતત વધતો જાય છે તે જ રીતે ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષી સંબંધો વ્યાપક થતા જાય છે અને તે માટે ઇન્ડિયા ડે પરેડ મદદરૂપ થાય છે. આ પરેડમાં એક લાખથી વધુ નિહાળે છે. કર્ટેઇન રેઇઝરમાં એફઆઇએના ચેરમેન રમેશ પટેલ, એમનીલ ફાર્માના ચેરમેન ચિન્ટુ પટેલે પ્રવચનો આપ્યાં હતાં. કાર્યક્રમનું ભારતનાં લોકપ્રિય નૃત્યોના પ્રદર્શન સાથે ડાન્સ પરફોર્મન્સ સાથે સમાપન થયું હતું.