કોંગ્રેસમાં પરિવર્તન થશે પણ સોનિયા ગાંધી જ પક્ષનું નેતૃત્વ કરશે 

નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પાંચ રાજયોમાં કોંગ્રેસની કારમી હાર પર વિચાર-વિમર્શ બાદ સમાપ્ત થઇ ગઇ છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બેઠકમાં હાજર તમામ નેતાઓએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યકત કર્યો છે. 

વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સૌને સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ છે. તે પાર્ટીનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. બેઠકમાં પાર્ટીને મજબૂત કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. 

બેઠક પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયાને કહ્યું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીની કમાન સંભાળવી જોઇએ. તેમણે કહ્યું કે હારથી ગભરાવવાની જરૂર નથી. ભાજપ ચૂંટણી સમયે હિન્દુ મુસ્લિમ કરે છે અને બેરોજગારી, મોંઘવારી જેવા મુદાઓને પાછળ રાખે છે. 

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન કોંગ્રેસ મુખ્યાલયની બહાર કાર્યકરો એકઠા થયા હતા અને રાહુલ ગાંધીની અધ્યક્ષ તરીકે નિમણૂક માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે તેમણે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા. આ પહેલા પાર્ટીના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પાર્ટીના નેતૃત્વમાં ફેરફારના અહેવાલોને રદિયો આપ્યો હતો. બધાની નજર પાર્ટી ચીફ સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા પર છે. 

આ બેઠકમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના તે તમામ સભ્યો પણ હાજર રહ્યાં હતા. જેમણે પાંચ રાજયોની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવાથી માંડી વ્યવસ્થાપન સુધીની મુખ્ય ભૂમિકા ભજવી હતી. જી ૨૩ કોંગ્રેસ નેતૃત્વથી અસંતુષ્ટ નેતાઓનું જૂથ, ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા પણ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, અગ્રણીઓ, મહાનુભાવો સહિત કાર્યકરો મોટી સંખઅયામાં હાજર રહ્યાં હતા