18મા ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના લોન્ચિંગને ઊજવતો ભારતીય-અમેરિકન સમુદાય

0
884
(ડાબેથી જમણે) કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી, મીરા નાયર, સલમાન રશદી, અરુણ શિવદાસાની, આસિફ મંડાવી, મધુર જાફરી અને શ્રીનુ શ્રીનિવાસન.

ન્યુ યોર્કઃ સાતમી મે, સોમવારે રવિ જાદવની મરાઠી ફિલ્મ ‘ન્યુડ’ સાથે વિલેજ ઈસ્ટ સિનેમામાં 18મા ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (એનવાયઆઇએફએફ)ની શરૂઆત થઈ હતી. 250 ફિલ્મો નિહાળ્યા પછી ફેસ્ટિવલ ડિરેક્ટર અસીમ છાબરા, એક્ઝિક્યુટિવ-આર્ટિસ્ટિક ડિરેક્ટર અરુણ શિવદાસાની, સતીશ કોલુરી અને ગિરિ મોહન કોનેટીએ આ વર્ષના ફેસ્ટિવલમાં દર્શાવવા માટે 78 ફિલ્મોની પસંદગી કરી હતી. ફેસ્ટિવલમાં ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, મલયાલમ, તમિળ, તેલુગુ, કન્નડ, તુલુ, કોંકણી, બંગાળી, આસામીઝ ભાષામાં ફિલ્મો પ્રદર્શિત કરાશે, જેનો ન્યુ યોર્ક, યુએસ અને નોર્થ અમેરિકન પ્રીમિયર યોજાશે.
આ ફેસ્ટિવલમાં ફીચર ફિલ્મો ઉપરાંત શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટરીનો સમાવેશ થાય છે, જે ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, શ્રીલંકા, નેપાળ, અફઘાનિસ્તાન, ભૂતાન, યુકે, યુએસએ, કેનેડામાં નિર્મિત છે.

‘રેડ કાર્પેટ નાઇટ’માં અસીમ છાબરા.

શિવદાસાનીએ ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમે દર વર્ષે ફેસ્ટિવલમાં વધુ સારી ફિલ્મો દર્શાવીએ છીએ અને ન્યુ યોર્ક સિટીમાં ભારતીય ડાયસ્પોરાની અવેરનેસના નિર્માણમાં મદદરૂપ થઈએ છીએ. નાગરિકો હવે દેશની વાસ્તવિકતા, તેનો મધ્યમ વર્ગ, ગરીબ, પૈસાદારની વાસ્તવિકતા વિશે વધુ જાગૃત છે. અમે આ સ્વતંત્ર ફિલ્મોને દર્શાવીએ છીએ અને તે દર્શકોને નવાઈ પમાડે છે.
આ ફેસ્ટિવલ શહેરમાં ચાલતો સૌથી જૂનો અને સૌથી પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ છે, જે ઇન્ડો-અમેરિકન ફિલ્મ ફેસ્ટિવલ સંચાલિત છે. ઇન્ડો અમેરિકન ફિલ્મ ફેસ્ટિવલ બિનનફાકારક સંસ્થા છે જેની સ્થાપના શિવદાસાનીએ કરી હતી.
તેમણે પત્રકાર પરિષદમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મારું બાળક આ વર્ષે 20 વર્ષનું થયું છે અને હવે હું વિદાય લઈ રહ્યો છું. આ ફેસ્ટિવલનો હેતુ લોકોમાં ભારતીય સંસ્કૃતિ અને કલાકારો વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
ઇન્ડો અમેરિકન ફિલ્મ ફેસ્ટિવલ માત્ર ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ જ ચલાવતું નથી, પરંતુ અન્ય ડાયસ્પોરા સંબંધિત ઉત્સવો વર્ષ દરમિયાન ચલાવે છે, જેમાં ડાન્સ, મ્યુઝિક, આર્ટ, લિટરેચરનો પણ સમાવેશ થાય છે.
ફેસ્ટિવલનો આરંભ સાતમી મેએ ‘રેડ કાર્પેટ નાઇટ’ સાથે થયો હતો. આ પછી ‘ન્યુડ’ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું હતું. ચોથી મેએ ન્યુ યોર્કમાં ભારતીય દૂતાવાસમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જ્યારે ગાલાનું આયોજન કોર્નુકોપિયા મેજેસ્ટી યાટમાં થયું હતું, જેમાં ઇન્ડિયન અમેરિકન આર્ટ્સ કાઉન્સિલની 20મી વર્ષગાંઠ અને ન્યુ યોર્ક ઇન્ડિયન ફિ્લ્મ ફેસ્ટિવલની 18મી વર્ષગાંઠ ઊજવવામાં આવી હતી.
કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે જ્યારે હું ભારતમાં હતો ત્યારે આ ફેસ્ટિવલ વિશે ઘણું સાંભળ્યું હતું, પરંતુ હવે ન્યુ યોર્કમાં છું ત્યારે મને ખબર નથી કે કેટલી ફિલ્મો હું જોઈ શકીશ.
ફેસ્ટિવલમાં શશી કપૂર અને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ અર્પવા ‘શેક્સપિયર વાલ્લાહ’ અને ‘હીટ એન્ડ ડસ્ટ’ તેમ જ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ દર્શાવાશે.     (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા


(ડાબેથી જમણે) પદ્મશ્રી ડો. સુધીર પરીખ, ડો. સુધા પરીખ, કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તીનાં પત્ની, સંદીપ ચક્રવર્તી. (જમણે) સલમાન રશદી અને શ્રીનિવાસન સાથે ડો. સુધીર પરીખ.