કોરોનાની SOP પાલનની શરતે બેન્ડવાજા, DJના શ્રી ગણેશ, નવરાત્રિમાં ગરબા યોજાશે

 

ગાંધીનગર : બે વર્ષની કોરોના મહામારીએ લોકોનો તહેવાર, ઉજવણી, મનોરંજનનો આનંદ છીનવી લીધો છે, પરંતુ સંક્રમણ પૂરેપૂરું નિયંત્રણમાં દેખાઈ રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે છૂટછાટો આપવાનું શરૂ કર્યું છે. આગામી ગણેશ ચતુર્થી અને એ પછી નવરાત્રિમાં કોરોનાના નિયમોનું ધ્યાન રાખીને લોકો ભક્તિ-આનંદમાં તરબોળ થઈ શકે એવા શુભ સંકેતો જણાય છે. 

છેલ્લાં બે વર્ષથી બંધ ડીજે, મ્યુઝિક બેન્ડ, ગાયકો માટે કાર્યક્રમને શરૂ કરવા અંગે બુધવારે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં તહેવારો તેમજ પ્રસંગોમાં ડી.જે. સહિતના અન્ય કાર્યક્રમ યોજવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના આધારે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જે અનુસાર તમામ પ્રકારના રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. આધીન ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ)ની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. 

ગણેશ મહોત્સવ બાબતે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ ૧૫ વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફતે સ્થાપના અને વિસર્જન કરી શકાશે. ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગોમાં બેન્ડ વાજા (ડી.જે) વગાડવા પર કોઇ પ્રતિબંધ મૂકતો હુકમ કરવામા આવ્યો નથી. ધાર્મિક તથા સામાજિક પ્રસંગોમાં બેન્ડ વાજા વગાડવા માટે જો મંજૂરી માગવામાં આવશે તો કોરના ગાઇડલાઇનનાં પાલન તથા આવા પ્રસંગો માટે રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી વ્યક્તિઓની મર્યાદા જળવાઇ રહે તે રીતે બેન્ડ વાજા અને ડીજેને મંજૂરી આપવાની રહેશે. 

સૂત્રો અનુસાર ગૃહ વિભાગના આ નિર્ણય બાદ આ વર્ષે ગણેશોત્સવની ધૂમધામથી ઉજવણી થશે તેમજ નવરાત્રિમાં પણ ડીજેની રમઝટ જોવા મળી શકે છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની માટિંગમાં અલગ-અલગ મુદ્દા પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં ઘણા સમયથી કોરોના સ્થિતિમાં સુધારો થતાં તેમજ કેસની સંખ્યામાં પણ ઘટાડો થતાં સરકાર દ્વારા અનેક તહેવારો તેમજ પ્રસંગો માટે છૂટછાટ વધારી દીધી છે. ત્યારે કેબિનેટ માટિંગમાં ડીજે, મ્યુઝિક બેન્ડ, ગાયકો એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાને લીધે છેલ્લાં બે વર્ષથી દરેક ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, પરંતુ હવે કેસની સંખ્યામાં ઓછી થતાં સરકાર દ્વારા ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી રહી છે. બીજી તરફ કોરોનાકાળમાં ઈવેન્ટ ઓર્ગેનાઇઝર તેમજ ડીજેને ખૂબ જ નુકસાન થયું છે. દિવાળી-નવરાત્રિ-હોળી સહિતના તહેવારોમાં એક પાર્ટી ઈવેન્ટના ૭થી ૮ લાખ કમાતા ડીજે ઘણા સમયથી બેકાર બન્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here