વેક્સિનેશનઃ ભારતને અમેરિકાએ  ૨૫ મિલિયન ડોલરની  સહાય આપી

 

અમેરિકાઃ ભારતભરમાં કોવિડ-૧૯ વેક્સિનેશનની કામગીરીમાં મદદરૂપ બનવા માટે અમેરિકાએ ૨૫ મિલિયન ડોલરની સહાયતા કરવાની જાહેરાત કરી છે. ભારતના બે દિવસના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે વેક્સિનના પુરવઠાને લગતા પરિવહનની સ્થિતિને મજબૂત કરવા, ગેરમાર્ગે દોરતી માહિતીનો સામનો કરવો, તેમ જ વધુ સંખ્યામાં સ્વાસ્થ્ય કર્મચારીઓને તાલીમ આપવા માટે આ ભંડોળ મદદરૂપ બનશે.

અમેરિકા અગાઉ ૨૦૦ મિલિયન ડોલર કરતાં વધારે કોવિડ-૧૯ સહાયતા કરી ચુક્યું છે. આ સાથે મને જાહેરાત કરતાં ખુશી થાય છે કે અમેરિકા સરકાર સમગ્ર ભારતમાં વેક્સિનેશનને લગતા પ્રયત્નોમાં મદદરૂપ બનવા ૨૫ મિલિયન ડોલરનો વધારાનો ખર્ચ કરશે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં બ્લિન્કને આ અંગે જાહેરાત કરી હતી. અમે, ભારત અને અમેરિકામાં આ મહામારીનો અંત લાવવાનો નિર્ધાર કરી ચુક્યા છીએ. અમે સાથે મળી કામ કરશું. કોવિડ-૧૯ મહામારીની અમેરિકા અને ભારત બન્ને દેશમાં વ્યાપક અસર થઈ છે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને વિદેશ મંત્રી જયશંકર ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમયે અનેક મહત્વના મુદ્દા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ બ્લિંકને ભરાતમાં પરત આવતા ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હું ૪૦ વર્ષ અગાઉ મારા પરિવાર સાથે આવ્યો હતો. કોરોનાએ બન્ને દેશને વ્યાપક પ્રમાણમાં અસર કરી છે.

અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે અફઘાનિસ્તાન સહિત પ્રાદેશિક સુરક્ષાના મુદ્દે ચર્ચા કરી છે. અમેરિકા અને ભારત શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સ્થિર અફઘાનિસ્તાન ઈચ્છે છે. આ પ્રદેશમાં એક મજબૂત ભાગીદાર તરીકે ભારત અફઘાનિસ્તાનમાં વિકાસ તથા સ્થિરતાને સુનિશ્ચિત કરવામાં મહત્વનું યોગદાન આપતું રહ્યું છે તેમ ભવિષ્યમાં પણ યોગદાન આપતું રહેશે. અમે અફઘાનિસ્તાનમાં લોકશાહીની સ્થિરતા માટે અને ત્યાંના લોકોના હિત માટે કામ કરવાનું ચાલુ રાખશું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here