પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે મા અંબાની પૂજા અર્ચના રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલિબહેન રૂપાણીએ કરી હતી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો બાદ રવિવારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે મા અંબાની પૂજા અર્ચના રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલિબહેન રૂપાણીએ કરી હતી. માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ પૂજા અર્ચના આરતી કરાવી હતી અને ચૂંદડી ઓઢાડી રક્ષા પોટલી બાંધી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વિવિધ યાત્રાધામો શ્રદ્ધા આસ્થા કેન્દ્રો અંબાજી, સોમનાથ, પાલીતાણા, દ્વારિકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ ઝડપથી પહોંચી શકે અને દર્શન કરી શકે તેવી સુવિધા ઊભી કરવા માટે આ યાત્રાધામોને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યક્ત કરી છે.