વિશ્વમાં ૭.૬૦ કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત, અમેરિકામાં સ્થિતિ વધુ ખરાબ

 

વોશિંગ્ટનઃ વિશ્વભરમાં ૭.૬૨ કરોડથી વધુ લોકો કોરોના વાઇરસ મહામારીની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે ૧૬.૮૪ લાખથી વધુ લોકોના આ મહામારીમાં મૃત્યુ થયા છે. અમેરિકામાં મહામારીનું સૌથી રૌદ્ર સ્વરૂપ સામે આવી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ચાર લાખથી વધુ કેસ સામે આવ્યા છે. તો એક દિવસમાં ૨૫૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં અત્યાર સુધી ૧.૭૬ કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે ૩,૧૬,૧૪૪ લોકોના મૃત્યુ થયા છે. પાકિસ્તાનમાં પણ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સંક્રમણની દષ્ટિએ બીજો સૌથી મોટો દેશ ભારત છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે. પરંતુ સારી વાત એ છે કે સાજા થઈ ચુકેલા દર્દીઓનો આંકડો ૯૬ લાખની નજીક પહોંચી ગયો છે. નવા કેસની તુલનામાં સાજા થનારાની સંખ્યા વધુ રહેવાથી સક્રિય કેસ ઘટીને ૩.૦૫ ટકા રહી ગયા છે. ભારતમાં મહામારીથી મૃત્યુ પામનારનો આંકડો ૧,૪૫,૪૭૭ થઈ ગયો છે. ભારતમાં દર્દીઓને સાજા થવાનો દર ૯૫.૫૧ ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર ૧.૪૫ ટકા છે. 

છેલ્લાં ૨૪ કલાકમાં પાકિસ્તાનમાં કોરોના મહામારીથી ૮૦ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃતકોનો આંકડો ૯૩૩૦ થઈ ગયો છે. સમાચાર એજન્સી ખ્ફ્ત્ના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૬૧૫ નવા કેસ સામે આવ્યા છે, આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા ૪૫૭,૨૮૮ થઈ ગઈ છે. પાકના રાષ્ટ્રીય કમાન અને ઓપરેશન સેન્ટર પ્રમાણે હાલના સમયમાં દેશમાં સંક્રમણ દર ૭.૦૨ ટકા છે. પાકિસ્તાનમાં સક્રિય કેસની સંખ્યા ૪૦,૫૫૩ છે. 

નેપાળમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. નેપાળમાં કોરોનાના ૭૧૦ નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ કુલ કેસોની સંખ્યા વધીને ૨,૫૩,૧૮૪ થઈ ગયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭૮૦ ટેસ્ટ થયા. અહીં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨ દર્દીના મૃત્યુ થયા આ સાથે કુલ મૃત્યુઆંકની સંખ્યા ૧૭૭૭ થઈ ગયા છે. નેપાળમાં ૮૮૪૦ દર્દીઓની સારવાર ચાલી રહી છે. નેપાળમાં અત્યાર સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા  ૨,૪૨,૫૬૭ થઈ ગઈ છે. તો બ્રાઝિલમાં સંક્રમિતોની સંખ્યા ૭૨.૧૩ લાખને પાર થઈ ગઈ છે. બ્રાઝિલમાં અત્યાર સુધી ૧.૮૬ લાખથી વધુ દર્દીઓના મોત થયા છે. રશિયામાં કોરોનાના મામલામાં ૨૭.૯૨ લાખને પાર થઈ ગયા છે, જ્યારે ૪૯,૧૭૦ લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં અત્યાર સુધી ૨૫.૧૬ લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે ૬૦૫૩૪ લોકોના મોત થયા છે. બ્રિટનમાં ૨૦.૧૦ લાખથી વધુ લોકો મહામારીની ઝપેટમાં આવ્યા છે, જ્યારે ૬૭,૧૭૭ લોકોના મૃત્યુ થયા છે. ઇટાલીમાં ૧૯.૩૮ લાખથી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે ૬૮,૪૪૭ના મોત થયા છે.