મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય-મંત્રી અને ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુંદરસિહ ચૌહાણનું નિધન

 

મહેમદાવાદઃ મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અદના નેતા સુંદરસિહ ચૌહાણનું વૃદ્ધાવસ્થાને કારણે બુધવારે અવસાન થયું છે. મહેમદાવાદના ખાત્રજ ગામના રહેવાસી સુંદરસિહ ચૌહાણ ચાર વખત ધારાસભ્ય, સંસદીય સચિવ, જુદા જુદા વિભાગમાં મંત્રી અને જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા હતા. મૂળ શિક્ષક એવા સુંદરસિહ ૧૯૮૫માં જનતાદળ સમયે પ્રથમવાર મહેમદાવાદ સીટ પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ભાજપમાં જોડાયા બાદ કેશુભાઇની સરકારમાં તેઓ ફરીવાર ધારાસભ્ય બન્યા અને સંસદીય સચિવનું પદ પણ મેળવ્યુ હતુ. ત્યારબાદ તેઓ ગુજરાત સરકારમાં શ્રમ-રોજગાર મંત્રી અને છેલ્લે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા હતા. સાફ છબી ધરાવતા સુંદરસિહને જનતાએ ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટ્યા હતા. પ્રજાલક્ષી કામગીરીને કારણે સરકારમાં બે વાર મંત્રી પદની જવાબદારી નિભાવી હતી.