ગુજરાતની આઠ પેટાચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજયઃ નવા પ્રદેશ પ્રમુખ ફળ્યા

 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં સર્વત્ર ભાજપનો ભગવો લહેરાયો છે, અને કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. તેમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જીતને ૨૦૨૨નું ટ્રેલર ગણાવ્યું છે. એટલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને ૨૦૨૨ની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર થશે તેવા સ્પષ્ટ સંકેતો તેમણે કોંગ્રેસને આપ્યા છે. તો બીજી તરફ મોરબી, ધારી જેવા પોતાના ગઢ પણ કોંગ્રેસે ગુમાવ્યા છે, જે બતાવે છે કે કોંગ્રેસનુ સુકાન નિષ્ફળ સાબિત થયું છે. જેના કારણે હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની પણ તૈયારી બતાવી છે. પરંતુ આ ચૂંટણીમાં સૌથી વધુ નિષ્ફળતા કોંગ્રેસના કાર્યકારી ઉપાધ્યક્ષ હાર્દિક પટેલને મળી છે. સી. આર. પાટીલ અને હાર્દિક પટેલની જવાબદારી આ ચૂંટણીમાં મહત્ત્વની બની રહી હતી, સાથે જ બંનેની આગેવાનીમાં આ પ્રથમ ચૂંટણી હતી. તેમાં પ્રજાએ સી. આર. પાટીલને ખોબલો ભરીને સફળતા આપી છે, તો કોંગ્રેસે ખેલેલો હાર્દિક પટેલ પરનો જુગાર ફેલ સાબિત થયો છે. એક તરફ હાર્દિક પટેલ અને બીજી તરફ સી. આર. પાટીલ, બંનેના કાર્યકાળમાં આ પહેલી ચૂંટણી હતી. બંનેએ ચૂંટણી માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. હાર્દિક પટેલની કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેને નિયુક્તિનો જાદુ પણ ન ચાલ્યો. મોરબી જેવી પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પણ હાર્દિક સફળ ન થયો, અને સરવાળે મોરબી જેવો ગઢ પણ કોંગ્રેસના હાથમાંથી ગયો. આઠેય બેઠકો પર કોંગ્રેસનો રકાસ થયો. જેમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ જેવા નેતાઓના નેતૃત્વ પર સવાલો ઉભા થયા છે. 

તો બીજી તરફ સી. આર. પાટીલનું પ્રદેશ પ્રમુખ પદનું નેતૃત્વ સફળ બન્યું છે. પાટીલની વ્યૂહરચના અને ટીમવર્કને કારણે ભાજપને મોટી સફળતા હાથ લાગી છે. આમ, નવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પહેલી જ પરીક્ષામાં પાસ થયા છે. ડાંગના ઈતિહાસમાં પણ પહેલીવાર આટલી સરસાઈ ભાજપને મળી છે. દક્ષિણ ગુજરાત સી. આર. પાટીલનો ગઢ છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)