140 કરોડ ભારતીય મારો પરિવારઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઇ સંતાન કે પરિવાર નથી એવો વ્યક્તિગત કટાક્ષ આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે પટણાના ગાંધી મેદાનની રેલીમાં ર્ક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીમાં એનો જવાબ આપતાં જણાવ્યું કે આખો દેશ, 140 કરોડ ભારતીય તેમનો પરિવાર છે. વડાપ્રધાને લાલુ પ્રસાદ યાદવના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યા બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પ્રધાનોએ પોતાના સોશિયલ મીડિયા યુઝરનેમ પાછળ ‘મોદી કા પરિવાર’ જોડી દીધું છે. ભાજપે ‘મોદી કા પરિવાર’ નામનું નવું અભિયાન શરૂ ર્ક્યું છે.
વડાપ્રધાન મોદીએ તેલંગાણાના પ્રવાસમાં આદિલાબાદમાં પ6 હજાર કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આ નિમિત્તે તેમણે કહ્યું હતું કે, આજ આદિલાબાદની ધરતી તેલંગાણા જ નહીં બલકે આખા દેશ માટે વિકાસની સાક્ષી બની રહી છે. આ પરિયોજનાઓ તેલંગાણા સહિત અનેક રાજ્યમાં વિકાસનો નવો અધ્યાય લખશે.
વડાપ્રધાને તેલંગાણાની રેલીમાં જણાવ્યું કે, આખો દેશ મારો પરિવાર છે. બધાં કહે છે કે તેઓ મોદી પરિવારનો હિસ્સો છે. જેનું કોઈ નથી, મોદી એની સાથે છે અને મોદી એના છે. સમસ્ત જીવન ગરીબો અને વંચિતોને સમર્પિત હોવાનું તેમણે કહ્યું. મોદીના આ નિવેદન પછી ભાજપના નેતાઓ અને પ્રધાનોએ સોશિયલ મીડિયા પર પોતાના યુઝરનેમની પાછળ ‘મોદી કા પરિવાર’ લખવાનું શરૂ ર્ક્યું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહથી માંડીને કેન્દ્રીય પ્રધાનો અનુરાગ ઠાકુર, નીતિન ગડકરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને એ સિવાય ઘણાં લોકોએ તેમના અધિકૃત એક્સ હેન્ડલ પર ‘મોદી કા પરિવાર’ લખ્યું છે.
લોકસભા ચૂંટણી પહેલાં લાલુ પ્રસાદ યાદવે ભાજપની થાળીમાં એક જોરદાર મુદ્દો પીરસી દીધો છે. આ ઘટના 2019ની લોકસભા ચૂંટણીની યાદ અપાવે છે. એ વખતે રાહુલ ગાંધીએ રાફેલ ફાઈટર વિમાનની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ કરી ‘ચૌકીદાર ચોર હૈ’ કહી મોદી પર કટાક્ષ ર્ક્યો હતો. ભાજપે ત્યારે પણ હોશિયારીથી સ્થિતિ પલટાવી દીધી હતી. નરેન્દ્ર મોદીએ ત્યારે ‘મૈં ભી ચૌકીદાર’ શબ્દપ્રયોગનો ઉપયોગ ર્ક્યો હતો અને પાર્ટીના તમામ નેતાઓએ એને અપનાવીને કોંગ્રેસ પર વળતો હુમલો ર્ક્યો હતો. ભાજપના નેતાઓ જણાવે છે કે વડાપ્રધાન મોદી સામેના વ્યક્તિગત હુમલા ક્યારેય સફળ થયા નથી અને વાસ્તવમાં રાજકીય વિરોધીઓ માટે બૂમરેંગ સાબીત થયા છે.
કોંગ્રેસને ભૂતકાળમાં એનો બહુ કડવો અનુભવ થયો છે, પછી એ મણિશંકર ઐય્યરની ‘ચાયવાલા’ ટિપ્પણી હોય કે સોનિયા ગાંધીની ‘મૌત કા સૌદાગર’ ટિપ્પણી હોય. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે મોદીએ હંમેશા દેશવાસીઓને ‘મેરે પરિવારજન’ કહીને સંબોધન ર્ક્યું છે. તેમણે દરેક તહેવાર લોકો સાથે અને સરહદે સૈનિકો સાથે ઉજવ્યા છે, મોદીજીનું જીવન દેશને સમર્પિત છે અને આ જ કારણે તેમણે વડાપ્રધાન તરીકે છેલ્લા દસ વર્ષમાં એક પણ રજા લીધી નથી. રાજદ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ એ તમામ વંશવાદી પાર્ટી છે, જેમની સામે ભાજપ 2024થી સતત લડી રહી છે કારણ કે એનું માનવું છે કે આવી પરિવાર સંચાલિત પાર્ટીઓ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને એમાં આંતરિક લોકશાહીનો અભાવ હોય છે, એવું તેમણે કહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here