ચિન્મય મિશનનો ગ્લોબલ ગુરુપૂર્ણિમા ઉત્સવઃ વંદે નિત્યમ્ ગુરુમ્ શિવમ્ ઉજવાયો

 

 

અમદાવાદઃ ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ મહત્ત્વ ધરાવતા ગુરુપૂર્ણિમા અને વ્યાસપૂર્ણિમા પર્વને વિશ્વભરમાં ૩૦૦થી વધુ આધ્યાત્મિક કેન્દ્રો ધરાવતા ચિન્મય મિશન દ્વારા ભાવપૂર્વક ઊજવવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખીને ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ‘વંદે નિત્યમ્ ગુરુમ્ શિવમ્ તરીકે ઓનલાઇન ઊજવવામાં આવ્યો હતો જેમાં આદિગુરુ ભગવાન શિવ, વેદ વ્યાસજી, આદિ શંકરાચાર્યજી અને સ્વામી ચિન્મયાનંદજીને વિવિધ કાર્યક્રમો દ્વારા અંજલિ આપવામાં આવી હતી. દુનિયાભરમાંથી હજારો ભાવિકોએ યુ-ટયૂબ પર ચિન્મય ચેનલના માધ્યમથી ગુરુપરંપરા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ ઓનલાઇન ઉત્સવમાં સવારે ૯થી ૧૨ વાગ્યા સુધીમાં ગુરુપાદુકા પૂજા અને સમગ્ર ગુરુગીતાનું પારાયણ કરવામાં આવ્યું હતું. ગુરુગીતામાં ભગવાન શંકર અને માતા પાર્વતી વચ્ચે ગુરુતત્ત્વ શું છે તે વિશેનો સંવાદ શ્લોકોના રૂપમાં છે અને તેનું પારાયણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. મિશનના અમદાવાદ ખાતેના પરમધામ મંદિરમાં સાંજે ગુરુપાદુકા પૂજા અને આરતી કરવામાં આવી હતી જેનો સૌએ સંસ્થાના ફેસબુક પેજ પર જીવંત પ્રસારણથી લાભ લીધો હતો. 

સાત દાયકા પહેલાં ચિન્મય મિશન જેમની પ્રેરણાથી શરૂ થયું હતું તે પ્રખર વેદાંતી સ્વામી ચિન્મયાનંદજી અને તેમના પ્રેરણાસ્રોત સમાન ત્રણ મહાન સંતો ચટમ્બી સ્વામીગલ, સ્વામી તપોવનજી, સ્વામી શિવાનંદજી વિશેના પુસ્તક એ સેજ ઇઝ બોર્નનું વિમોચન સ્વામી તેજોમયાનંદજીએ કર્યું હતું. આદિ શંકરાચાર્યજી રચિત તત્ત્વબોધ ગ્રંથના સ્વામી તેજોમયાનંદજીએ લખેલા ભાષ્યના ફ્રેન્ચ ભાષામાં અનુવાદનું પણ વિમોચન કરાયું હતું. આમ ગુરુપૂજા, ભક્તિસંગીત, પુસ્તકવિમોચન, પારાયણ જેવા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી ગુરુ પ્રત્યે અનન્ય પ્રેમ અને આદર વ્યક્ત કરીને ચિન્મય મિશન દ્વારા કોવિડ-૧૯ના કપરા સમયમાં સમગ્ર વિશ્વકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here