સૈનિકો શહીદ થતાં ગુજરાતમાં ચીનની વસ્તુઓનો વિરોધ શરૂ, ટીવી ફેંકી દેવાયા

 

અમદાવાદઃ ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિને લઈ સરકાર સહિત લોકો પણ માની રહ્યા છે કે, ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે. પરંતુ ભારતમાં ઘણા એવા ઉદ્યોગો છે જે ચાઈનીઝ માર્કેટ પર નભે છે. જેમાં મોબાઈલ ફોન એસેસરીઝના ઉદ્યોગનો સમાવેશ થાય છે. વેપારીઓ અને લોકો માની રહ્યા છે કે, આ ઉદ્યોગમાં ચાઈનીઝ વસ્તુ સિવાય વિકલ્પ જ નથી. સરકાર કોઈ નવો વિકલ્પ લાવે તો લોકો ચાઈનીઝ વસ્તુઓ ખરીદતા બંધ થાય. આવામાં દેશવાસીઓમાં ચીન સામે લડી લેવા ભભૂકતો અગ્નિ જેવા મળી રહ્યો છે. બુધવારે ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજ્યભરમાં ચીનનો વિરોધ નોંધાયો છે. તો વડોદરામાં યુથ કોંગ્રેસ દ્વારા આક્રમક દેખાવો કરવામાં આવ્યા છે. 

ચીન દ્વારા ભારતમા કેટલીક વસ્તુઓ નિકાસ કરવામાં આવે છે. જેને લીધે ચીનનો આર્થિક બહિષ્કાર શરૂ થયો છે. દેશના વેપારીઓની સંસ્થા કોન્ફિડેરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા પણ દેશવ્યાપી અભિયાન ચલાવી ચીનની વસ્તુઓની આયાત ઘટાડવા માટે પ્રયાસો શૂ કરવામાં આવ્યા છે.

સુરતની બોમ્બે માર્કેટ વિસ્તારની કેટલીક સોસાયટીમાં લોકો ઘરની બહાર આવીને ચીન વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. પંચરત્ન ગાર્ડન સોસાયટીમાં તો લોકોએ તેમની એલઇડી ટીવી સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પહેલા માળેથી નીચે ફેંકી દીધી હતી. આગામી દિવસોમાં પણ ચીનના ઉત્પાદનો સામેનો રોષ પ્રબળ બને તેવી સંભાવના જોવાઈ રહી છે.

વડોદરામાં બુધવારે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આક્રમક દેખાવો કરાયા હતા. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે દેખાવો કર્યા હતા. કાર્યકર્તાઓએ રોડ પર બેસી ચીનનો વિરોધ દર્શાવ્યો હતો. ચાઇનીઝ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવા યુથ કોંગ્રેસે માગ કરી હતી. જેથી પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી છે. વડોદરા પોલીસે ૧૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. સાથે જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પોસ્ટર પણ બાળ્યા હતા. 

તો બીજી તરફ, વડોદરાના વેપારીઓમાં ચીનને લઈ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વાસણ અને પ્લાસ્ટિકની હાઉસ હોલ્ડ ચીની વસ્તુ વેચતા વેપારીઓએ ચીની પ્રોડક્ટનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. વેપારીઓએ કહ્યું કે, ચીની પ્રોડક્ટ વેચવાની હવે ઈચ્છા નથી. ભારત સરકાર ચીનની સમકક્ષ લોકલ પ્રોડક્ટ મળે તેવી વ્યવસ્થા કરે. હિન્દી ચીની ભાઈ ભાઈના બદલે હિન્દી ચીની બાય બાય કરવાનો સમય હવે આવી ગયો છે. વડોદરામાં ચાઇનીઝ ફુડનો પણ વિરોધ કરાયો છે. લારીઓ પરથી ચાઇનીઝ નામ હટાવી લેવાયું છે. ચાઇનીઝને બદલે સાઇનીઝ’ નામ કરાયું છે. વડોદરામાં આવેલી તમામ લારીઓ પરથી ચાઇનીઝ નામ હટાવી દેવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. વડોદરામાં ચાઇનીઝની બે હજાર જેટલી લારીઓ ચાલે છે, જેથી ચાઇનાનાં નામને લઇને જ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે