વાત કરીએ રામાયણના એ કિસ્સાની, જેના પરથી ક્યારેય પડદો ઊંચકાયો નથી

 

આપણને સૌને આ ખબર છે કે, ભગવાન રામ સહિત ચાર ભાઈ હતા. પરંતુ શું તમે એ જાણો છો કે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને કોઈ બહેન હતી કે નહિ. તો આજે આપણે ભગવાન રામની બહેન વિશે જાણીએ. આચાર્ય મુદુલકાંત શાસ્ત્રીના માધ્યમથી આ વાત જાણીએ. વૃંદાવનના આચાર્ય મુદુલકાંત શાસ્ત્રી કહે છે કે, ભાગવત પુરાણમાં કથાની અંદર ભગવાન રામની બહેનનું વર્ણન છે. 

હિમાચલ પ્રદેશમાં કુલ્લુથી લગભગ ૫૦ કિલોમીટર દૂર દેવી શાંતાના મંદિરમાં તમે ક્યારેય ગયા છો. આ મંદિરમાં દેવી શાંતાની સાથે સાથે તેમના પતિ ઋષિ શ્રંગીની પ્રતિમા પણ છે. દેવી શાંતા ભગવાન રામના બહેન હતા. 

દેવી શાંતાની આ કહાની છે કે, ત્રેતા યુગમાં રાજા રોમપદ અને રાજા દશરથ સારા મિત્ર હતા. રાજા રોમપદ અંગ દેશના રાજા હતા, અને દશરથ અયોધ્યાના રાજા. રોમપદના પત્ની વર્ષિની હંમેશા સંતાન ન હોવાને કારણે દુખી રહેતા હતા. એકવાર રાજા રોમપદ, વર્ષિની અને દશરથ બેસ્યા હતા, ત્યારે રોમપદના મોઢામાંથી સંતાનની વાત સાંભળીને રાજા દશરથે તેમને વચન આપ્યું હતું કે, મારું જે પણ સંતાન થશે તેને હું તારા ખોળામાં મૂકી દઈશ. જ્યારે સંતાનનો સમય આવ્યો ત્યારે તેમનું પહેલુ સંતાન શાંતાના સ્વરૂપમાં આવ્યું. વચન અનુસાર રાજાએ શાંતાને રોમપદ અને વર્ષિનીને સોંપી દીધી હતી. 

શાંતા મોટી થઈ તો તેના લગ્નની ચિંતા થઈ આવી. અંગ દેશમાં તે સમયે દુકાળ પડ્યો હતો. વરસાદ માટે યજ્ઞ કરવાનો હતો, પરંતુ ત્યારે નક્કી થયું કે, યુવા ઋષિ શ્રંગ યજ્ઞ કરશે. ઋષિ શ્રંગ વિભંડક અને દેવી ઉર્વશીના પુત્ર હતા. દેવી ઉર્વશી સ્વર્ગની  અપ્સરા તરીકે પ્રખ્યાત હતા. ઋષિ શ્રંગમાં અથાગ આધ્યાત્મિકતાની ક્ષમતા હતી. યજ્ઞ થયો અને સફળ પણ થયો. વરસાદ પડ્યા બાદ ઋષિ શ્રંગ અને દેવી શાંતાના લગ્ન થયા હતા. 

તો બીજી તરફ રાવણને માલૂમ પડ્યું કે, તેનું મૃત્યુનું કારણ દશરથના પુત્ર બનશે. રાવણ જ્યોતિષ હતો. આધ્યાત્મક હતો, પરંતુ રાક્ષસ કુળનો હતો. રાવણે પોતાના તપોબળથી એવું વરદાન મેળવ્યું કે રાજા દશરથને કોઈ સંતાન નહિ થાય. તેના બાદ રાજા દશરથ ચિંતિત થવા લાગ્યા, કોઈ ઉપાય મળી રહ્યો ન હતો.

મહર્ષિ વશિષ્ઠે ત્યારે ઋષિ શ્રંગને બોલાવ્યા હતા. રાજા દશરથને સંતાન પ્રાપ્તિ માટે કામેષ્ટિ યજ્ઞ કરવાનો હતો. યજ્ઞ એવા ઋષિને કરવાનો હતો, જેને ક્યારેય બીજાના ઘરમાં ખાવાનું ખાધું ન હોય. ક્યારેય પાણી પીધું ન હોય. તેથી ઋષિ શ્રંગને બોલાવવામાં આવ્યા. ઋષિ શ્રંગે યજ્ઞ કર્યા બાદ ખીરનો પ્રસાદ રાજા દશરથને આપ્યો હતો. ખીર રાણીઓને પણ ખવડાવવામાં આવી હતી. 

યજ્ઞ અને ખીરના પ્રભાવથી રાવણના વરદાનને કારણે સંતાન  ઉત્પત્તિની જે સમસ્યા નડી રહી હતી, તે દૂર થઈ. તેના બાદ માતા કૌશલ્યાના ગર્ભથી પ્રભુ શ્રીરામનો જન્મ થયો. થોડા સમય બાદ માતા કૌશલ્યાએ તેમને જણાવ્યું હતું કે, તેઓને એક બહેન શાંતા પણ છે. 

આચાર્ય મુદુલકાંત શાસ્ત્રી જણાવે છે કે, સંસ્કૃતની અદ્ભુત રામાયણમાં શાંતા દેવીની વાત કરવામાં આવી છે. ઋષિ શ્રંગ વિશે પણ જણાવવામાં આવ્યું છે. 

તેમાં કહેવાયું છે કે….

અડગ રાજેન સખ્યમ્ ચ તસ્ય રાજો ભવિષ્યતિ ૤ 

કન્યા ચ અસ્ય મહાભાગા શાંતા નામ ભવિષ્યતિ ૤૤  

અન્તઃપુરં પ્રવિશ્યાસ્મૈ કન્યાં દત્ત્વા યથાવિધિ ૤ 

શાન્તાં શાન્તેન મનસા રાજા હર્ષભવાપ સઃ ૤