બીજા વિશ્વ યુદ્ધ પછી પહેલીવાર વિમ્બલડન રદ

લંડનઃ કોરોનાવાઇરસને કારણે ટેનિસની સૌથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડન પણ રદ થઇ છે. તેની સાથે જ બીજા વિશ્વયુદ્ધ પછી એવું પહેલીવાર બન્યું છે કે આ ગ્રાસકોર્ટ ટુર્નામેન્ટ રદ થઇ હોય. કોવિડ-૧૯ને કારણે વિશ્વભરની રમત સ્પર્ધાઓને અસર પહોંચી છે અને ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં યોજાનારી એકમાત્ર ગ્રાસકોર્ટ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ રદ થવાથી ટેનિસ સિઝન આખી અસ્તવ્યસ્ત થઇ જવાની અટકળો બંધાઇ રહી છે. ઓલ ઇંગ્લેન્ડ ક્લબે એક તાકીદની બેઠક પછી ઇવેન્ટનો ઉલ્લેખ માત્ર ચેમ્પિયનશિપ તરીકે કરીને ૨૦૨૦ની એ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. વિમ્બલ્ડન અહીંના ઓલ ઇંગ્લેન્ડ ક્લબના ગ્રાસકોર્ટ પર ૨૯ જૂનથી ૧૨ જુલાઇ દરમિયાન રમાવાની હતી. તેના બદલે હવે પછીની સિઝનમાં વિમ્બલ્ડન ટુર્નામેન્ટ ૨૮ જૂનથી ૧૧ જુલાઇ ૨૦૨૧ દરમિયાન રમાડવામાં આવશે. ૧૮૭૭માં પહેલીવાર યોજાયેલી આ ટુર્નામેન્ટ દર વર્ષે યોજાતી આવી છે. આ દરમિયાન ૧૯૧૫થી ૧૯૧૮ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ અને તે પછી ૧૯૪૦થી ૧૯૪૫ દરમિયાન બીજા વિશ્વયુદ્ધને કારણે તે રમાડી શકાય નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રેન્ચ ઓપન પહેલાથી જ આગળ સરકાવી દેવામાં આવી છે, જ્યારે ૭ જૂન સુધી તમામ સ્પર્ધાઓ રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ટોકયો ઓલિમ્પિક્સને પણ એક વર્ષ સ્થગિત કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here