કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં ૮૮,૫૨૬નો ભોગ લીધો

વોશિંગ્ટનઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની સૌથી વધુ અસર અમેરિકા અને યુરોપમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે કુલ ૮૮,૫૨૬ લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે ગુુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં કોરોનાના કુલ ૧૫,૧૯,૦૧૨ પોઝિટિવ દર્દીઓ સમગ્ર વિશ્વમાં નોંધાયા હતા. જે દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૪૮,૧૭૭ દર્દીઓનની પરિસ્થિતિ કટોકટ છે જ્યારે ૧,૫૧,૫૦૭ દર્દીઓ મીડ કન્ડિશનમાં છે. 

દરમિયાન બુધવારે અમેરિકાએ કોવિડ-૧૯ કેસનો ૪,૦૦,૦૦૦નો આંકડો પસાર કરી લીધો હતો. આ રોગચાળો અત્યાર સુધીમાં અમેરિકામાં ઓછામાં ઓછા ૧૨,૯૩૬ લોકોને ભરખી ગયો છે. બાલ્ટીમોર સ્થિત શાળાની ગણતરી અનુસાર પુષ્ટિ થયેલા ૪૦૧,૧૧૬ ચેપની સાથે તે વિશ્વમાં સૌથી આગળ પહોંચ્યું છે. 

આ પહેલા શનિવારે અમેરિકાએ ૩,૦૦,૦૦૦નો આંકડો વટાવી લીધો હતો. બીજી તરફ સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસને કારણે એકલા યુરોપમાં જ ૬૦,૦૦૦ લોકોનો ભોગ લેવાયો છે અને આ આંકડો વિશ્વભરના સત્તાવાર મરણાંકના ૭૦ ટકાથી વધુ છે. 

બુધવારે ન્યુ યોર્કમાં એક દિવસમાં સર્વાધિક મરણાંકનો વિક્રમ નોંધાયો હોવા છતાં ગવર્નર એન્ડ્રુ ક્યુઓમોએ કહ્યું હતું કે હવે આ રોગચાળો સ્થિર થઇ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૭૭૯ વ્યક્તિ મોતને ભેટ્યા છે. જે સોમવારના એક દિવસના મરણાંક ૭૩૧ કરતાં વધુ હતો. બુધવારે બ્રિટનમાં કોવિડ-૧૯ના કારણે વિક્રમી ૯૩૮ લોકોના મોત નોંધાયા હતા, જે તેના આગલા એક દિવસમાં સર્વાધિક મોતના આંકડા કરતાં ૧૫૨ વધુ હતો, તેની સાથે જ અહીં મરણાંક ૭૦૦૦ પાર થઇ ગયો છે. આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કર્યું હતું કે ૭મી એપ્રિલે સાંજે ૫ વાગ્યે યુકેની હોસ્પિટલમાં દાખલ કોરોના વાઇરસના ૭૦૯૭ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. મંગળવાર સુધીનો કુલ મરણાંક ૬૧૫૯ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here