12 વર્ષથી ઓછી વયની બાળકીઓના બળાત્કારીઓને ફાંસીની સજા અપાશે

તાજેતરમાં બળાત્કારની ઘટનાઓના વિરોધમાં અમદાવાદમાં 18મી એપ્રિલે યોજાયેલી રેલીમાં મહિલાઓએ સૂત્રોચ્ચારો કર્યા હતા અને બળાત્કારીઓને ફાંસીની સજાની માગણી કરી હતી. (ફોટોસૌજન્યઃ એપી)

નવી દિલ્હીઃ ભારતમાં માસૂમ બાળકીઓ, કિશોરીઓ અને મહિલાઓ પર થતી બળાત્કારની ઘટનાઓ રોકવા માટે અને હવસખોરોને કડક સજા કરવા માટે કેન્દ્ર સરકારે ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ 2018ને મંજૂરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ વટહુકમને બહાલી અપાઈ છે.
આ વટહુકમમાં 12 વર્ષથી ઓછી વયની બાળકીઓ પર બળાત્કાર કરનારને ફાંસીની સજા કરવાની જોગવાઈ કરાઈ છે. ઘટનાઓની ગંભીરતનાને ધ્યાનમાં રાખતાં વડા પ્રધાને વિદેશપ્રવાસેથી પાછા આવ્યા પછી તરત જ અઢી કલાક ચાલેલી કેબિનેટની બેઠકમાં આ વટહુકમને મંજૂરી આપી હતી.
જમ્મુના કથુઆકાંડ, ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ અને સુરત, ઇટા જેવાં શહેરોમાં તાજેતરમાં બળાત્કારનો ભોગ બનેલી અને હવસખોરોનો શિકાર બનેલી માસૂમ બાળકીઓ પર ગેન્ગરેપની ઘટનાઓ બહાર આવ્યા પછી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો હતો અને દેશવાસીઓમાં બળાત્કારીઓને આકરી સજા કરવાની માગણી ઊઠી હતી. કેબિનેટે મંજૂર કરેલા આ વટહુકમમાં 12 વર્ષથી ઓછી વયની બાળકી પર બળાત્કાર કરનારને ફાંસીની સજા કરવાની તેમ જ 12 વર્ષથી વધુ પણ 16 વર્ષથી ઓછી વયની કિશોરીઓ પર બળાત્કારના કિસ્સામાં ઓછામાં ઓછી 20 વર્ષ કે આજીવન કેદની જોગવાઈ કરાઈ છે. પુખ્ત વયની મહિલા સાથે બળાત્કારના કેસમાં હવે ઓછામાં ઓછી દસ વર્ષ કે આજીવન કેદની સજા થશે.
બળાત્કારના કેસોની તપાસ ફક્ત બે માસમાં કરી ફાસ્ટટ્રેક કોર્ટમાં તેની સુનાવણી કરવાની જોગવાઈ કરાઈ છે. આ માટે ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ 2018માં આઇપીસી, સીઆરપીસી, એવિડન્સ એકટ, પ્રોટક્શન ઓફ ચિલ્ડ્રન્સ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટમાં બળાત્કારના ગુના માટે ફાંસીની સજાની જોગવાઈ ઉમેરવા માટે સુધારા કરાશે. 16 વર્ષથી ઓછી વયની કિશોરીઓ પર બળાત્કાર કેસમાં આગોતરા જામીન અપાશે નહિ. બળાત્કારના કેસમાં પોલીસ સ્ટેશનો અને હોસ્પિટલોમાં મદદરૂપ ફોરેન્સિક કિટ આપવામાં આવશે.
હાલ દેશનાં ચાર રાજ્યો મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં 12 વર્ષ સુધીની બાળકીઓ પર બળાત્કાર કરનારને ફાંસીની સજાનો કાયદો અમલમાં છે.