12મા ધોરણની બોર્ડ પરીક્ષા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણયઃ 12 ધોરણની ફાયનલ એકઝામ રદ કરવામાં આવી હોવાની ઘોષણા ..

 

    તાજેતરમાં 12મા ધોરણની ફાયનલ એકઝામ- બોર્ડની અંતિમ પરીક્ષા બાબત અનેક પ્રકારના મત- મતાંતર તેમજ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. કોરોના સંક્રમણની બીજી ખતરનાક લહેરના માહોલમાં કિશોરવયના લાખો વિદ્યાર્થીઓને તેમની પરીક્ષા લેવા માટે શાળાઓમાં બોલાવવા – એ જોખમી પગલું પુરવાર થઈ શકે. સંસર્ગ ને સંક્રમણ- બન્નેથી વિદ્યાર્થીાઓને દૂર રાખવા, તેમના જીવનની સલામતી અને સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખવું એ ખૂબજ જરૂરી છે. આથી તાજેતરમાં મળેલી વડાપ્રધાનવની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ કક્ષાની બેઠકમાં ચર્ચા- વિચારણા બાદ 12મીની પરીક્ષા રદ કરવામાં આવી રહી હોવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સત્તાવાર સમાચાર સૂત્રોેના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સહિત શિક્ષણ મંત્રાલયના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 12મા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કરતી વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સલામતી તેમજ તેમના જીવનની સુરક્ષા અમારે માટે અત્યંત મહત્વપૂર્ણ છે. એ અંગે કશી બાંધછોડ નહિ કરવામાં આવે. તેમની સલામતી અને સુખાકારી – એ અમારી પ્રાથમિકતા છે. એ વિષે કોઈ જ પ્રકારની સમજૂતી કરવાની કોઈ સંભાવના નથી. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં કોઈ પ્રકારની ચિંતાની લાગણી ન પ્રસરવી જોઈએ. તેમની તમામ ચિંતાઓનું નિરાકરણ થવું જોઈએ. હાલના તણાવભર્યા સંજોગોમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે મજબૂર ન કરવા જોઈએ. તેમના પર પરીક્ષા આપવાનું દબાણ હરગિઝ ન કરવું જોઈએ.

          દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 12મા ધોરણની પરીક્ષાઓ રદ કરવાનું પગલું બિલકુલ યોગ્ય છે. આ ખૂબ જ મોટી રાહત છે. બધા લોકો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે બહુ ચિંતિત હતા. વિદ્યાર્થીઓના  જીવનની  સુરક્ષા  ને સલામતી અતિ જરૂરી છે. કોરોના ની બીજી લહેરના ભયાનક સંક્રમણને કારણે સમગ્ર લોકોમાં ભય, દહેશત અને ચિંતાનું વાતાવરણ હતું. આવી પરિસ્થિતિમાં જો પરીક્ષાઓ લેવાય તો વિદ્યાર્થીઓના જીવન માટે ચિંતા ને જોખમ ઊભું થવાની સંભાવના હતી. દિલ્હીના ઉપ-મુખ્યપ્રધાન તેમજ શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, દેશના આશરે દોઢ કરોડ ( 12મા ધોરણના ) વિદ્યાર્થીઓની ચિંતા હવે દૂર થઈ ગઈ છે. પરીક્ષા લેવાની જિદ વિદ્યાર્થીઓના જીવન માટે જોખમ ઊભું કરત. જે થયું તે બહુ જ યોગ્ય છે. 

   સેન્ટ્રલ બોર્ડ એફ સેકન્ડરી એજ્યુકેશન ( સીબીએસઈ) – 12મા ધોરણની પરીક્ષા  રદ કરવામાં આવ્યા બાદ હવે મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય છેકે, જ 12મા ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી હોય તો વિદ્યાર્થીને પરિણામ કયા અને શેના આધારે આપવામાં આવશે?? 

  શિક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીના ધોરણ 9, 10 અને 11ના ઈન્ટરનલ પરીક્ષાઓના પરિણામની ગુણવત્તાને આધારે – તેનું મૂલ્યાંકન કરીને તેનું પરિણામ આપવામાં આવશે. જોકે એ અંગે હજી કશી પણ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. 

 12મા ધોરણના પરિણામોને નિશ્ચિત સમય મર્યાદાની અંદર જ જાહેર કરવાની સૂચના- નિર્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ઉપરોક્ત બેઠકમાં આપ્યો હતો, પણ એ અંગે કોઈ ચોક્કસ તારીખની હજી જાહેરાત કરવામાં આવી નથી. આથી કોલેજમાં પ્રવેશ   બાબત કશી સ્પષ્ટતા કરાઈ નથી.12 ધોરણના  વિદ્યાર્થીઓના પરિણામ નું આકલન કરતાં સ્હેજે એકથી બે મહિનાનો સમય લાગી શકે્ એમ છે. વળી અપવાદરૂપે જો કોઈ કોઈ વિદ્યાર્થી પોતે પરીક્ષા આપવાનો આગ્રહ કરશે તો પરિસ્થિતિમાં સુધારો થયા બાદ યોગ્ય સમયે ને વાતાવરણમાં એને પરીક્ષા આપવાની તક આપવામાં આવશે.આથી ઓગસ્ટના અંત સુધીમાં જ ચિત્ર સ્પષ્ટ થશે. અર્થાત્ કોલેજમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા પણ લંબાવવામાં આવે એવી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here