12મા ‘ધર્મજ ડે’ ની ઉજવણીઃ વડીલો માટે ‘લાગણી કેર સેન્ટર’ શરૂ થશે

 

 

પેટલાદઃ પેટલાદ તાલુકાના ધર્મજ ગામનો 12મો ધર્મજોત્સવ (ધર્મજ ડે) ધર્મજિયન નરેન્દ્રભાઈ પટેલ (યુએસએ)ના અધ્યક્ષપદે જલારામ તીર્થ, ધર્મજમાં વિદેશમાં વસતા ધર્મજિયનો અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તાપદે જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ધર્મજરત્ન (મરણોત્તર) એવોર્ડ સ્વ. વી. વી. પટેલ (પૂર્વ જજ નૈરોબી-કેન્યા)ને અપાતાં તેમના પુત્રોએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
કાર્યક્રમર્ની પ્રારંભ ‘મારું ધર્મજ… ધન્ય ધન્ય હો ધર્મજ ગામ’ ગીત દ્વારા કરાયો હતો. સ્વાગત પ્રવચન અને ટૂંકી માહિતી ટીમ ધર્મજના રાજેશ પટેલે આપતાં જણાવ્યું હતું કે, ધર્મજિયનો ઈ. સ. 1895માં દરિયો ખેડીને સાત સમંદર પાર પહોંચેલા ધર્મજિયનોની શક્તિ અને એકતા બહાર જઈએ ત્યારે જ ખબર પડે છે. સતત 12 વર્ષથી ઊજવાતો આ ઉત્સવ હવે મહોત્સવ બની ગયો છે. ધર્મજ પીપલ્સ બેન્ક અને ધર્મજ કેળવણી મંડળ એ ધર્મજની આગવી ઓળખ બની છે. તેઓએ ધર્મજમાં ચાલતી સેવાઓની વિસ્તૃત માહિતી આપી હતી અને વધુ સેવાઓ આપવા પથારીવશ થતાં વડીલો માટે ‘લાગણી કેર સેન્ટર’ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
રાજેશ પટેલે જણાવ્યું હતું કે, છ ગામ પાટીદાર સમાજની વંશાવલી તૈયાર થયેલી છે. જ્યારે ટેક્નોલોજીના જમાનામાં જૂની 24,000 એન્ટ્રીઓ સાથે નવી 75,000 ઉમેરાતાં 90,000 સાથે ડિજિટલ વંશાવલી તૈયાર થઈ રહી છે.
સમાજની દીકરીઓમાં ઉત્તીર્ણ થયેલી તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરાયું હતું. જ્યારે પ્રગતિશીલ ઉદ્યોગપતિ આશિષ પટેલ, રમત-ગમત ક્ષેત્રે લાઇફ એચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરનાર મિતુલ પટેલ, કેન્સર જેવા મહારોગની ચિંતા કરનાર હિતાર્થ પટેલ સહિત સમાજ-ઉત્થાનનું કાર્ય કરતા અગ્રણીઓનું સન્માન કરાયું હતું.
સાહિત્યકાર કવિ ભાગ્યેશ જહાએ ‘ચાલો જીવનને રિચાર્જ કરીએ‘ વિષય પર સૌને હાસ્ય સાથે જીવનને કઈ રીતે ચાર્જ રાખવું તે સરળ શૈલીમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મોબાઇલ રિચાર્જ ગમે ત્યાં કરી શકાય, પણ?જીવનનું રિચાર્જ તો વતનમાં જ થાય અને તે રિચાર્જ કરવાનું કામ ટીમ ધર્મજ સરાહનીય રીતે કરી રહી છે. ધર્મજરત્ન એવોર્ડ સ્વીકાર્યા બાદ પ્રતિભાવમાં ભાવિનભાઈ પટેલે સ્વ. પિતાજીની યાદોને વાગોળી હતી. અને ટીમ ધર્મજને એવોર્ડ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમના મોટા ભાઈ કેતનભાઈ પટેલ નૈરોબી (કેન્યા)માં મોટા ગજાના ઉદ્યોગપતિ છે. અધ્યક્ષપદેથી અમેરિકાથી ખાસ ઉપસ્થિત રહેલા નરેન્દ્રભાઈ પટેલે સ્વામી વિવેકાનંદજીને યાદ કરી ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાર સુધી મંડ્યા રહેવાની વાત કરતાં ડિજિટલ યુગમાં ધર્મજ નવું શું કરી શકે તેની વાત તેમણે રજૂ કરી હતી.
સતત 12 વર્ષથી ઊજવાતા ધર્મજ ડેની અલગ-અલગ થીમ (કલર) પર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કેસરી-ઓરેન્જ થીમની પસંદગી થઈ હતી.
આ કાર્યક્રમમાં બિનનિવાસી ધર્મજ-વાસીઓ સહિત સ્થાનિક નિવાસીઓએ એકતા અને સંગઠનને ઉજાગર કરતી શક્તિનાં દર્શન કરાવ્યાં હતાં.