અમેરિકન આર્મીમાં જોડાનારી ઉત્તર ગુજરાતની પ્રથમ યુવતી નેવિયા પટેલ

 

મહેસાણાઃ મહેસાણાના કંથરાવી ગામના વતની રસિકભાઈ પટેલ વર્ષોથી અમેરિકાના અલબામા સ્ટેટના મોન્ટગોમેરી શહેરમાં રેસ્ટોરાંના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની દીકરી નેવિયા અમેરિકન આર્મીમાં પસંદગી પામી છે. તેની આ સફળતાથી મહેસાણાના સાત ગામ પાટીદાર સમાજ સહિત સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. નેવિયા પટેલે ધો. ૧થી ૭ સુધીનો અભ્યાસ મહારાષ્ટ્રના પંચગીનીમાં કર્યો, ત્યાર બાદ કોલેજ સુધીનો અભ્યાસ અમેરિકામાં કર્યો અને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ આર્મીની સઘન તાલીમ મેળવી અથાગ પરિશ્રમ કરી યુ.એસ. આર્મીમાં પસંદગી થતાં તેણે વિદેશમાં પણ ભારતનો ડંકો વગાડ્યો.  આ અંગે નેવિયાએ જણાવ્યું હતું કે તેનાં માતા-પિતા ઉપરાંત મામા હરેશભાઈ-પરેશભાઈએ મને સંપૂર્ણ સહયોગ પૂરો પાડી સતત હૂંફ આપી હતી.