આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનો વિજયઃ યુરોપિયન યુનિયનમાં CAA વિરુદ્ધ મતદાન નહિ થાય

 

નવી દિલ્હીઃ નાગરિકતા અંગેના નવા કાયદા (CAA)ના મુદ્દે ભારતને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક ઝળહળતી સફળતા મળી છે. યુરોપિયન યુનિયનમાં આ કાયદા વિરુદ્ધ રજૂ થયેલા પ્રસ્તાવ પર મતદાન નહિ થાય. યુરોપિયન યુનિયને ગયા અઠવાડિયાની આખરે ભારતમાં ઘડાયેલા CAA કાયદાની ટીકા કરી હતી અને એને ભેદભાવયુક્ત ગણાવ્યો હતો. એનો ભારતે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે આ અમારી અંગત અને આંતરિક બાબત છે. અમારી આ બાબત સાથે કશી લેવાદેવા નથી.

ભારત અને એના મિત્ર દેશોએ યુરોપિયન યુનિયન પર પ્રચંડ દબાણ સર્જ્યું હતું. એને પરિણામે ગુરુવારે CAA વિરુદ્ધના પ્રસ્તાવ પર થનારું મતદાન ટળી ગયું હતું. હવે આ મતદાન માર્ચમાં થશે એવી ઔપચારિક જાહેરાત યુનિયન તરફથી કરવામાં આવી હતી. 

યુરોપિયન યુનિયનના આ નિર્ણયને બિરદાવતાં ભારતે કહ્યું હતું કે ભારતના મિત્રો ખરે ટાણે કામ આવ્યા છે અને પાકિસ્તાનની મેલી મુરાદ ધૂળમાં મળી ગઈ છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ કાયદો લોકશાહી ઢબે સંસદનાં બંને ગૃહોએ મંજૂર કર્યા બાદ રાષ્ટ્રપતિની સહી દ્વારા બન્યો હતો અને એ સંપૂર્ણપણે ભારતીય બંધારણને અનુરૂપ હતો, એટલે યુરોપિયન યુનિયને એમાં માથું મારવાની કશી જરૂર નથી. આ પ્રસ્તાવ બ્રિટિશ સાંસદ શફ્ફાક મુહમ્મદ લાવ્યા હતા અને એના પર બુધવારે ચર્ચા થયા બાદ ગુરુવારે એના પર મતદાન થવાનું હતું.