ચીને વિશ્વની પ્રથમ સ્માર્ટ હાઇસ્પીડ ટ્રેન દોડાવી

બીજિંગઃ વિશ્વની સૌપ્રથમ સ્માર્ટ ટ્રેન ચીનમાં શરૂ થઈ ગઈ છે, જેની પહેલી ટ્રિપ બીજિંગથી ઝાન્ગજિયાકો સુધીની હતી. પ૬,૪૯૬ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ સ્માર્ટ અને હાઇસ્પીડ ટ્રેન ડ્રાઇવર વિના દોડે છે. ૧૭૪ કિલોમીટરની સફર આ ટ્રેને દસ સ્ટોપ સાથે ૪૭ મિનિટમાં પૂરી કરી છે. આ ટ્રેન ૩પ૦ કિલોમીટર પ્રતિ કલાકની મેક્સિમમ સ્પીડથી દોડી શકે છે. એની અંદર ચાર્જિંગ, જીપીએસ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ વાયરલેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી છે. આ ટ્રેન શરૂઆત ર૦રરની સાલમાં થનારા ઓલિમ્પિક રમતોત્સવને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સ્વચાલિત હોય એવી આ પહેલી સ્માર્ટ અને હાઇ સ્પીડ ટ્રેન હોવાનો ચીનનો દાવો છે. એને ચલાવવા માટે કોઈ જ ઓપરેટર નથી રાખવામાં આવ્યો. એક જ વ્યક્તિ ડ્રાઇવર બોર્ડ પર હશે, જે માત્ર કટોકટીભરી સ્થિતિ પર નજર રાખશે. આ ટ્રેનનું મેઇન્ટેનન્સ અને રિપેરિંગ પણ રોબો કરશે.