યુ.કે.ની ઐતિહાસિક ચૂંટણીમાં જોન્સનનો ભવ્ય વિજય
લંડનઃ સામાન્ય ચૂંટણી માટે અતિઉત્સાહી બનેલા બ્રિટિશરોએ વડા પ્રધાન બોરિસ જોન્સનને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. જાહેર થયેલાં પરિણામોમાંથી જાણવા મળ્યું હતું કે કન્ઝર્વેટિવ પાર્ટીને જંગી બહુમતી મળી હતી. આ જીત સાથે જ હવે જોન્સન આગામી મહિને યુકેના યુરોપિયન સંઘમાંથી નીકળવા સક્ષમ બની ગયા છે. ‘ગેટ બ્રેક્ઝિટ ડન’નો જોરદાર અને આક્રમક પ્રચાર કરનાર ૫૫ વર્ષના જોન્સને લોકોએ તેમની પર મૂકેલા વિશ્વાસનો યોગ્ય બદલો આપવા પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. ૧૯૮૦માં માર્ગરેટ થેચર પછી જંગી બહુમતીથી ચૂંટણી જીતનાર કન્ઝર્વેટિવ પાર્ટીને ૬૫૦ સભ્યોની આમ સભામાં ૩૬૪ બેઠક મળી હતી અને ૮૦ બેઠકની સરસાઈ મળી હતી. વિજયી સરઘસને સંબોધતાં જોન્સને નવી સવારને વધાવી લીધી હતી, જેણે બિનવિવાદાસ્પદ રીતે બ્રિક્ઝિટ ડેડલોકનો અંત કર્યો હતો અને મતદારોએ તેમની પર મૂકેલા વિશ્વાસનો ભંગ નહિ કરવા શપથ લીધા હતા. આ વખતની દાયકામાં પહેલીવાર ડિસેમ્બરની કડકડતી ઠંડીની ચૂંટણીમાં પણ ૬૭ ટકા મતદાન થયું હતું. લંડનની ઉક્સબીજની પોતાની અને સાઉથ રૂઇસ્લિપની બેઠક પર આસાનીથી ચૂંટાઈ આવેલા જોન્સને તેમના પક્ષના ભવ્ય વિજયને ૨૮ સભ્યોના આર્થિક બ્લોકમાંથી ડીલ કરીને ૩૧ જાન્યુઆરીના રોજ નીકળી જવા ‘શક્તિશાળી નવો જનાદેશ’ ગણાવ્યો હતો. બ્રેક્ઝિટની લંબાયેલી રાજકીય અચોક્કસતાથી કંટાળેલા મતદારોએ જોન્સનને જંગી બહુમતી આપી હતી, જેથી તેઓ બ્રિટનને માત્ર બ્રેક્ઝિટમાંથી બહાર જ ના કાઢે, પરંતુ દેશને સંગઠિત પણ કરી શકે અને આગળ લઈ જઈ શકે. ‘લેબર પાર્ટી માટે આ દેખાવ ખૂબ જ નિરાશાજનક હતો. ભવિષ્યની કોઈપણ ચૂંટણીમાં હું લેબર પાર્ટીનું નેતૃત્વ નહિ કરું,’ કોર્બિને કહ્યું હતું.