ગુજરાતમાંથી દર વર્ષે ૩૦૦૦થી વધુ બાળકો ગુમ થાય છે

અમદાવાદઃ ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ ત્રણ હજારથી વધુ બાળકો જુદાં જુદાં કારણોસર ગુમ થઈ રહ્યાં છે, જેમાં સુરત શહેરમાંથી ચાલુ વર્ષે જ સૌથી વધુ ૭૮૯ બાળકો ગુમ થયાં છે, જ્યારે ગત વર્ષે ૭૧૩ બાળકો ગુમ થયાં હતાં. અગાઉનાં ત્રણ વર્ષ દરમિયાન દર વર્ષે ૪૫૦થી વધુ બાળકો ગુમ થયાં હતાં.
સુરત શહેર પછી અમદાવાદ શહેરમાંથી વધુ બાળકો ગુમ થઈ રહ્યાં છે. ચાલુ વર્ષે ૪૧૯ બાળકો અને ગયા વર્ષે ૩૮૯ બાળકો ગુમ થયાં હતાં. જ્યારે અગાઉનાં ત્રણ વર્ષ દરમિયાન અમદાવાદમાંથી સરેરાશ ૪૫૦થી વધુ બાળકો ગુમ થયાં હતાં. અમદાવાદ પછી વડોદરાનો નંબર આવે છે. વડોદરામાંથી પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન સરેરાશ ૧૫૦ જેટલાં બાળકો ગુમ થયાં છે.
આંચકો આપે એવી બાબત એ છે કે પાટનગર ગાંધીનગરમાંથી પણ દર વર્ષે સરેરાશ ૧૦૦થી વધુ બાળકો ગુમ થઈ રહ્યાં છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતના વલસાડમાંથી પણ દર વર્ષે સરેરાશ ૧૦૦ જેટલાં બાળકો ગુમ થાય છે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠામાંથી પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન સરેરાશ ૧૦૦ જેટલાં બાળકો ગુમ થયાં છે.
અમદાવાદ ગ્રામ્યમાંથી પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન સરેરાશ ૭૦થી વધુ બાળકો ગુમ થયાં છે. રાજકોટ ગ્રામ્યમાંથી બાળકો ગુમ થવાની સંખ્યા અમદાવાદ કરતાં વધારે છે, છેલ્લાં બે વર્ષથી દર વર્ષે ૧૨૦ બાળકો ગુમ થઈ રહ્યાં છે. અગાઉનાં વર્ષોમાં પણ રાજકોટમાંથી બાળકો ગુમ થવાની દર વર્ષની સરેરાશ ૧૦૦ હતી.
આ સિવાય સુરત ગ્રામ્ય વડોદરા ગ્રામ્ય અને સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, કચ્છ, ગાંધીધામ તથા પાટણ, ખેડા, આણંદ, ગોધરા અને દાહોદ તથા ભરૂચ અને છોટાઉદેપુર જેવાં શહેરોમાંથી પણ દર વર્ષે સરસ ૫૦થી ૮૦ બાળકો ગુમ થાય છે. આ સિવાય બીજાં નાનાં-મોટાં અનેક શહેરોમાંથી દર વર્ષે ૩૦થી ૫૦ બાળકો ગુમ થઈ રહ્યાં છે.
૨૦૧૪ અને ૨૦૧૫ના વર્ષથી લઈને ૨૦૧૮ તથા ૨૦૧૯ના વર્ષ દરમિયાન દર વર્ષે સરેરાશ ગુજરાતમાંથી ત્રણ હજારથી વધારે બાળકો ગુમ થયાં છે. આટલી મોટી સંખ્યામાં બાળકો ગુમ થવા પાછળનાં મુખ્ય કારણોમાં સરકાર સત્તાવાર રીતે જણાવે છે કે મોટા ભાગના કિસ્સામાં પ્રેમપ્રકરણ અથવા માતા-પિતાના દબાણથી અથવા તો પરીક્ષામાં નાપાસ થવાના ડરથી તેમ જ મંદબુદ્ધિને કારણે બાળકો ગુમ થઈ રહ્યાં છે. મોટાં શહેરો અને નાનાં ગામડાંમાંથી બાળકો ગુમ ન થાય એ માટે સરકાર જાગૃતિ અભિયાન પણ ચલાવે છે. અવારનવાર શાળાઓ અને કોલેજોમાં વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે તેમજ બાળકો અને કિશોરોને સમજાવવામાં આવે છે કે કોઈપણ લાલચમાં આવવું નહિ અને જો કોઈ શંકાસ્પદ માણસ તમારો સંપર્ક કરે તો તરત જ પોલીસનો સંપર્ક કરવો.
ગુમ થયેલાં કે અપહરણ થયેલાં બાળકોને શોધી કાઢવા માટે પોલીસ જુદા જુદા વિસ્તારોમાં અભિયાન પણ ચલાવે છે. એટલું જ નહિ, આ અભિયાન દરમિયાન પોલીસ રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશન અને જાહેર સ્થળો પર બાળક ગુમ થયાનાં પોસ્ટર્સ પણ લગાવે છે. આ ઉપરાંત દૂરદર્શન અને રેડિયો પર તેમજ મોબાઇલ ફોન પર પણ અવારનવાર બાળક ગુમ થવાની સૂચનાઓ આપવામાં આવે છે.
આવી જાગૃતિ છતાં બાળકોના ગુમ થવાની સંખ્યામાં ઘટાડો થતો નથી અને માતા-પિતા હંમેશાં ટેન્શનમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here