11 મહિના કોમામા રહેલ ટીનેજરને કોરોના શું એ ખબર નથી

લંડનઃ આખી દુનિયા કોરોનાના કહેરની અસરમાંથી હજી બહાર નથી આવ્યું ત્યારે બ્રિટનના સ્ટેફોર્ડશર રાજ્યના બર્ટન ટાઉનમાં 19 વર્ષના જોસેફ ફ્લાવિલને કોરોના કઇ બલા છે એની ખબર જ નથી. વાત એમ છે કે ભાઈનો 11 મહિના પહેલા એક્સિડન્ટ થયો હતો. એક કારે ટક્કર મારતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે કોમામાં સરી પડ્યો હતો. આ દુર્ઘટના બ્રિટનમાં લોકડાઉન લાગુ થયાના લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં બની હતી. હાલમાં જ જોસેફ કોમામાંથી બહાર આવ્યો છે અને આ સમયગાળામાં વિશ્વમાં થયેલા ફેરફારથી તે તદ્દન અજાણ છે. જોસેફને કોમામાંથી બહાર આવેલો જોઇ આનંદિત થયેલા તેના પરિવારજનો તેનો કોવિડને કારણે વિશ્વમાં થયેલ ફેરફાર વિશે તેને કઇ રીતે જાણ કરવી, લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની આવશ્કયતા વિશે કેમ સમજાવવું તે માટે અવઢવમાં છે. કોરોના વાઈરસ પ્રતિબંધને કારણે તેના પરિવારજનો તેને મળવા જઈ શકતા નથી. જોસેફ કોરોના વાઈરસની મહામારીથી ભલે અજાણ હોય પરંતુ તે જ્યારે કોમામાં હતો ત્યારે તેને કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો તેમ જ કોમામાંથી બહાર આવ્યો પછી પણ તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.