૭૫મા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તાનારીરી સમાધિ સ્થળે અનોખો વિશ્વ રેકોર્ડ

0
707

વડનગરઃ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તાના-રીરી મહોત્સવમાં ગુજરાતનાં પરંપરાગત લોકવાદ્ય ભૂંગળનો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. તાના-રીરી સમાધિ સ્થળ ખાતે પાંચ મિનિટ સુધી ૧૧૦ ભૂંગળ વાદકોએ સમુહમાં વાદન કરી વિશ્વ રેકોર્ડ સર્જયો હતો.

લોકવાદ્યના કલાકારોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે, વિસરાતી જતી ભવાઇ કલાના ૧૧૦ તુરી-બારોટ અને નાયક સમાજના ભવાઇ કલાકારો, એક સાથે ૦૫ મિનિટ સુધી ભૂંગળ વગાડી તાના-રીરી સમાધિ સ્થળ ખાતે નવો વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. પારંપારિક લોકવાદ્ય ભૂંગળ અસાઇત ઠાકરે ૧૩મી સદીમાં ભવાઇ સાથે ભૂંગળ વગાડી મનોરંજન માટે પ્રચાર પ્રસાર કર્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છેકે, તાના-રીરી સમાધિ સ્થળ ખાતે આઠ વિવિધ વિશ્વ રેકોર્ડ સર્જાયા છે. તાના-રીરી મહોત્સવ ૨૦૨૧માં ભૂંગળ વાદનનો નવમો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. વડનગરના તાના-રીરી ગાર્ડનમાં આ ભવ્ય અને શાનદાર કાર્યક્રમ બળદેવભાઇ નાયક અને ગૌરવ પુરસ્કૃત મુગટરામના નેતૃત્વમાં યોજાયો હતો, જેના સાથે સહસંયોજક તરીકે ડાહ્યાભાઇ નાયકે કામગીરી કરી હતી.

તાના-રીરી મહોત્સવમાં પરંપરાગત ભૂંગળ કલાકારોએ સમૂહ લયમાં ભૂંગળથી શિવ શક્તિની સલામી, ગરજ સ્વરમાં રાગ આપી હતી. આ ઉપરાંત ભૂંગળથી ઊંચા સ્વરે તિહાઇ વગાડી હતી. એટલું જ નહિ, ચલતીના તબલામાં તાલ, હીંચનો તાલ અને પાધરુંના તાલમાં ભૂંગળ વગાડી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

આ વિશ્વ રેકોર્ડ પ્રસંગે સામાજિક અગ્રણી સોમભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પૌરાણિક લોકવાદ્ય સાથે આજે રચાયેલ વિશ્વ રેકોર્ડે નવી પરંપરા જીવીત રાખી છે. વિશ્વ રેકોર્ડના તમામ ભૂંગળ વાદકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સંગીત નાટક અકાદમીના પંકજ ભટ્ટ, વિશ્વ રેકોર્ડ ઇન્ડિયા અને જિનિયસ ફાઉન્ડેશના પ્રમુખ પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિંમતનગરના ગૌરવ પુરસ્કૃત ભરત વ્યાસે કર્યું હતું.

વડનગર ખાતે આયોજીત તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવને ખુલ્લો મુકતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડનગર સંગીત, કલા, ગાયન, વાદન, નૃત્યકલાના પ્રચાર પ્રસાર માટે સુવિખ્યાત પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ મુંબઇ અને ડો. વિરાજ અમર ભટ્ટ અમદાવાદ એવોર્ડને એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડોને રૂ. ૨,૫૦,૦૦૦નો ચેક, શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરાયું હતું. પશ્ચિમનું સંગીત તનને ડોલાવે છે, પણ આપણું સંગીત મનને ડોલાવે છે. ભારતીય સંગીતની સરવાણીનું મૂળ ભારતની સંસ્કૃતિ અને તેની આધ્યાત્મિક વિરાસતમાં રહેલું છે તેવું મુખ્યમંત્રી ભૂપેનદ્રભાઇ પટેલે તાના-રીરી કાર્યક્રમ ખુલ્લો મુકત જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here