૬ ડિગ્રી ઠંડીમાં ધ્રુજતું નલિયા, સુરતમાં ઠંડીએ બે વર્ષનો રેકોર્ડ તોડ્યો

 

ગાંધીનગરઃ ગુજરાતમાં હજુયે આગામી ત્રણ દિવસ કાતિલ ઠંડીનો દોર યથાવત રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક માટે કોલ્ડ વેવની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને કચ્છનું નલિયા તો કોલ્ડ વેવની ઝપટમાં આવી ગયું છે. જ્યારે અમદાવાદ  ગાંધીનગરમાં મોસમની સૌથી વધુ ગાત્રો થીજાવતી ઠડી પડી રહી છે. જેના પગલે જનજીવનને અસર થવા પામી છે. 

રાજ્યમાં કચ્છના નલિયામાં સૌથી વધુ ૬ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. નલિયાવાસીઓ રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા. આબુમાં પણ માઈનસ ૨ ડિગ્રી તથા આબુની નજીકમાં ગુરુશિખર પર માઈનસ ૪ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

અમદાવાદ તથા ગાંધીનગરમાં તો દિવસ દરમ્યાન પણ શીત લહેરની અસર જોવા મળી હતી. બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, કચ્છ, ભાવનગર, જુનાગઢ, અમરેલીમાં ૪૮ કલાક માટે કોલ્ડ વેવની ચેતવણી અપાઈ છે.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી નવસારીમાં ૭, અમદાવાદમાં ૯ ડિ.સે., ગાંધીનગરમાં ૭ ડિ.સે., ડીસામાં ૯ ડિ.સે., વડોદરામાં ૯ ડિ.સે., સુરતમાં ૧૨ ડિ.સે., વલસાડમાં ૧૭ ડિ.સે., ભૂજમાં ૧૦ ડિ.સે., નલિયામાં ૬ ડિ.સે., અમરેલીમાં ૧૦ ડિ.સે., ભાવનગરમાં ૧૧ ડિ.સે., રાજકોટમાં ૧૦ ડિ.સે., સુરેન્દ્રનગરમાં ૧૦ ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સુરત શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. સોમવારે શહેરમાં વર્ષની સૌથી ઠંડી રાત નોંધાવાની સાથે છેલ્લા બે વર્ષમાં જાન્યુઆરી મહિનામાં નોંધાયેલી ઠંડીનો રેકોર્ડ પણ બ્રેક થયો હતો. ઠંડીનો પારો ગગડીને ૧૨.૨ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાઇ ગયા હતાં.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ કશ્મીરમાં ગયા અઠવાડિયાથી સતત હિમવર્ષાને પગલે આબોહવાકીય ફેરફાર શરૂ થયા છે. કશ્મીર અને ઉત્તરભારતના રાજ્યો તો ઠંઠીથી થીજી ગયા છે. આબુમાં પણ તાપમાનનો પારો માઈનસમાં નોંધાયો છે. સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો સતત ગગડ્યો છે. ચોવીસ કલાકમાં જ રાતનું તાપમાન સાડા ત્રણ ડિગ્રી ગગડ્યું છે. લઘુત્તમ તાપમાન ઘટીને ૧૨.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન એક ડિગ્રી વધીને ૨૫.૮ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં વહેલી સવારમાં ૪ કિલોમીટરની ઝડપે ઉત્તર-પૂર્વનો પનન ફુંકાયો હતો.

બપોરે હવામાં ૩૪ ટકા ભેજની સાથે ૬ કિલોમીટરની ઝડપે ઉત્તર-પૂર્વનો પવન ફુંકાયો હતો. શહેરમાં આજે પારો ૧૨ ડિગ્રીએ પહોંચતા કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. શીતલહેર ફુંકાવાને કારણે લોકો રીતસરના ઠંડીથી ઠુંઠવાઇ રહ્યા છે. લોકોને દિવસભર ઘરમાં કે ઓફિસમાં પણ બારી બારણા બંધ રાખવાની નોબત આવી હતી. કાતિલ ઠંડીમાં વધારો થવાને લીધે શહેરીજનો ઠંડીથી તોબાતોબા પોકારી ઉઠ્યા છે. આગામી અઠવાડિયા સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here