૪૧૯૬ ગામોમાં હજુ અંધારપટઃ ૫૪૮૯ ગામોમાં ફરી વીજપુરવઠો કાર્યરત

 

ગાંધીનગરઃ તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યના વીજ પુરવઠાની વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા પવનના કારણે ૭૩૬૫૧ વીજ થાંભલા પડી ગયા હતા. તો ક્યાંક સબસ્ટેશનો વીજલાઇનનને મોટું નુકશાન પહોંચ્યું હતું. જેથી રાજ્યના ૯૬૮૫ ગામોમાં અંધારપટ છવાઇ ગયો હતો જે પૈકી બુધવારે ૧૨ કલાકની સ્થિતિએ ૫૪૮૯ ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. રાજ્યમાં ૭૬૦૪ ફીડરો ઠપ બન્યા હતા. તેમાંથી ૩૮૭૩ ચાલુ કરી દેવામાં આવ્યા છે. હજુ ૩૭૩૧બંધ છે.

ગાંધીનગરમાં રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ તૌકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા ભાવનગર, અમરેલી, જામનગર, ગીરસોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ઉર્જા વિભાગની ટીમ દ્વારા વીજ-પુરવઠો પુનઃસ્થાપિત કરવા કામગીરી હાથ ધરાઇ હતી. અમરેલીના ૬૯૯ પૈકી ૧૨૩, ભાવનગરના ૮૪૩ પૈકી ૧૨૩, જૂનાગઢના ૫૪૯ પૈકી ૪૧૨, ગીર સોમનાથમાં ૩૫૭ પૈકી ૧૨૩, બોટાદના ૨૭૭ પૈકી ૧૫૪ અને સુરેન્દ્રનગરના ૯૫૬ પૈકી ૭૦૫ ગામડાઓનો વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સાથે દ્વારકા, જામનગર, કચ્છ અને પોરબંદરના તમામ ગામોમાં વીજપુરવઠો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ વાવાઝોડાથી વીજપુરવઠાને ગંભીર અસર થઇ હતી. આણંદ, ખેડા, મહિસાગર અને વડોદરાના ગામડાઓમાં વીજળી પ્રભાવિત થઇ હતી.

આણંદના ૩૩૫ ગામડાઓમાં વીજળી પ્રભાવિત થઇ હતી જે પૈકી ૪૦ ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે ખેડાના ૩૦૮ ગામો પૈકી ૮, મહિસાગરના ૯૭ પૈકી ૪૯ અને વડોદરાના ૪૮૮ પૈકી ૩૭૮ ગામડામાં વીજપુરવઠો દૂરસ્ત કરાયો હતો. ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીનાં ગામોમાં વીજ સમસ્યા સર્જાઇ હતી. અમદાવાદ જિલ્લાના ૫૯૦ પૈકી ૨૯૮, ગાંધીનગરના ૨૨૨ પૈકી ૯૯, અરવલ્લીમાં ૪૮૭ પૈકી ૧૨૯, સાબરકાંઠામાં ૫૧૮ પૈકી ૨૦૨માં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. જ્યારે બનાસકાંઠા અને પાટણના તમામ અસરગ્રસ્ત ગામોમાં વીજપુરવઠો પુનઃશરૂ કરી દેવામાં આવ્યો છે.

રાજકોટ-સૌરાષ્ટ્રનાં સેંકડો ગામોમાં હજુ અંધારપટ

રાજ્યમાં ૭૩૬૫૧ વિજ થાંભલા જમીનદોસ્ત થયા હતા. તેમાંથી ૧૦૨૮ ઉભા કરાયા છે. ૪૧૮૫૪ ટ્રાન્સફોર્મર કેન્દ્રો ક્ષતિગ્રસ્ત થયા હતા તેમાંથી ૩૩ પૂર્વવત કરાયા છે. હજુ ૪૧૮૨૧ રીપેરીંગ બાકી છે. સૌરાષ્ટ્રમાં અમરેલીમાં ૬૯૯માંથી ૫૭૬ ગામોમાં વિજ પુરવઠો નોર્મલ કરવાનો બાકી છે. ભાવનગરમાં ૭૧૦, બોટાદમાં ૧૨૩, ગીર સોમનાથમાં ૨૩૪, જુનાગઢમાં ૧૪૦, કચ્છમાં ૨૦, રાજકોટમાં ૧૧૬, સુરેન્દ્રનગરના ૨૫૧ ગામોમાં હજુ અંધારપટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here