૨૭ વર્ષમાં ૨,૫૦૦ અઠ્ઠમની ઉગ્ર તપશ્ચર્યા

 

અમદાવાદ ઃ આજથી ૪૦૦ વર્ષ પહેલાં અકબર બાદશાહના રાજમાં ચંપા નામની શ્રાવિકાએ ૬ મહિનાના ઉપવાસ કરીને જૈન શાસનની પ્રભાવના કરી હતી. તેની યાદ અપાવે તેમ અમદાવાદમાં રહેતાં ૬૭ સુશ્રાવિકા દર્શનાબહેન નયનભાઈ શાહે ૨,૫૦૦ અઠ્ઠમ (મોંઢામાં અન્નનો એક પણ દાણો ન નાંખવાની પ્રતિજ્ઞા સાથે સળંગ ત્રણ ઉપવાસ; પછી પારણું, ત્યારબાદ તરત સળંગ ત્રણ ઉપવાસ)ની તપશ્ચર્યા પૂર્ણ કરીને આગળ વધવાનો સંકલ્પ કર્યો છે. કોરોનાની બીમારીને કારણે આઇ.સી.યુ.માં હોવા છતાં તેમણે અઠ્ઠમની આરાધના ચાલુ રાખી હતી. તેમણે શ્રી સમ્મેતશિખરજી તીર્થની રક્ષાના શુભ સંકલ્પ સાથે પોતાનું જીવન હોડમાં મૂકી દીધું છે. આ કલિકાળમાં દર્શનાબહેને દેવ-ગુરુ-ધર્મ અને તીર્થ પ્રત્યે સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક જૈન શ્રાવિકા પોતાના શરીરની પરવા કર્યા વિના તીર્થરક્ષા માટે કેવું પરાક્રમ કરી શકે છે, તેનું આ જ્વલંત ઉદાહરણ છે. ૨૭ વર્ષ પૂર્વે દર્શનાબહેને સુરતમાં બિરાજમાન ષડ્દર્શનવિશારદ પ્રાવચનિક પ્રભાવક, આદ્ય ગચ્છસ્થાપક મુનિરાજશ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત મ.સા.)ના પ્રેરણા અને આશીર્વાદ લઈને તા. ૧૪-૭-૧૯૯૪ના શુભ દિને શ્રી સમ્મેતશિખરજી તીર્થની રક્ષા કાજે અઠ્ઠમના પારણે અઠ્ઠમનો તપ કરવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે ગચ્છાધિપતિશ્રી વિજયયુગભૂષણસૂરિજી (નાના પંડિત મ.સા.)એ ટકોર કરી હતી કે સમ્મેતશિખરજી તીર્થની માલિકી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના હાથમાં  આવે તે કામ આસાન નથી. તમારે ખૂબ લાંબી તપશ્ચર્યા કરવાની તૈયારી રાખવી પડશે. ત્યારે દર્શનાબહેને પોતાની ભાવના વ્યક્ત કરતાં કહ્યું હતું કે સમ્મેતશિખરજી તીર્થની રક્ષા કાજે મારે આજીવન અઠ્ઠમનો તપ કરવો પડે તો પણ મારી તૈયારી છે. જયોતના મીડિયા ડિરેક્ટર હેમંત મ શાહ કહે છેઃ દર્શનાબહેન ગજબની સમતા સાથે આટલી ઉગ્ર તપશ્ચર્યા કરી શક્યા તે માટે તેઓ મોટા પંડિત મહારાજાની પ્રેરણા ઉપરાંત નાના પંડિત મહારાજાની નિશ્રા અને આશીર્વાદને પણ કારણરૂપ માને છે. પ્રારંભમાં તેઓ અઠ્ઠમનાં પારણે એકાસણાંનું તપ કરતા હતા. વચ્ચે સાડા ત્રણ વર્ષ તેમણે અઠ્ઠમનાં પારણે આયંબિલનો આશ્ચર્યકારક તપ કર્યો હતો. મૌન સાથે અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરતાં મહામંગળકારી ઉપધાન તપની તેમણે આરાધના કરી હતી. ૧૦ વર્ષે પૂરો કરી શકાય તેવો વીશસ્થાનક તપ તેમણે માત્ર ૨૫ મહિનામાં પૂર્ણ કર્યો હતો. દરમિયાન તેમણે સહસ્રકૂટનો તપ કર્યો હતો, જેમાં ચાર વર્ષ ને ત્રણ મહિનામાં ૧૦૨૪ ઉપવાસ કરવાના હોય છે. હેમંત શાહે ગુજરાત ટાઈમ્સ જોડે વાત કરતા કહ્યું, જૈન ધર્મ ઉપરાંત ષડ્દર્શન, રાજનીતિ, આયુર્વેદ, જ્યોતિષશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, આધુનિક વિજ્ઞાન, ભૂગોળ, ખગોળ વગેરે વિષયોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા, દર્શનાબહેનની ઉગ્ર તપશ્ચર્યાના નિશ્રાદાતા પૂજ્ય ગચ્છાધિપતિશ્રી વિજયયુગભૂષણસૂરિજી મહારાજા કહે છે કે આવી ભીષ્મ સાધના પ્રત્યક્ષ જોઈને પણ તીર્થરક્ષાની ક્ષમતા ધરાવતા શ્રીસંઘમાં રહેલા પુણ્યશાળી પુરુષો જાગ્રત ન થાય અને તેમના હૃદયમાં તીર્થરક્ષા માટે મરી ફીટવાની ભાવના પેદા ન થાય તો તેમની ધર્મશ્રદ્ધા બાબતમાં પ્રશ્નાર્થ ઊભો થાય તેમ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here