૨૦ એપ્રિલથી ગ્રામીણ ક્ષેત્રો ફરી ધમધમશે, શહેરોએ રાહ જોવી પડશે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું તેને ૧૪મી એપ્રીલે ૨૧ દિવસ પુરા થયા હતા. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને ફરી ત્રણ મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ પરિસ્થિતિ વચ્ચે ગૃહ મંત્રાલયે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે અને કેટલીક છુટછાટો આપી છે સાથે કેટલાક પ્રતિબંધો અંગે પણ સ્પષ્ટતા કરી છે. જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કર્યા છે ત્યાં કોઇ જ પ્રકારની છુટછાટ આપવામાં આવી નથી. જ્યારે ગ્રામીણ વિસ્તારોના મોટા ભાગના ક્ષેત્રો ૨૦ એપ્રિલથી ફરી ધમધમવા લાગશે.
લોકડાઉન ૨.૦ દરમિયાન દરેક પ્રકારના જાહેર વ્યવહાર અને અવર જવર પર રાબેતા મુજબ પ્રતિબંધો રહેશે. એટલે કે બસ, મેટ્રો, ટ્રેન, ફ્લાઇટ, ઓટો, કેબ, ટેક્સી વગેરે પર અગાઉની જેમ જ પ્રતિબંધો જારી રહેશે. આ સાથે જ ગૃહ મંત્રાલયે એક અન્ય જાહેરાત કરતા કહ્યું છે જાહેર સ્થળો પર થૂંકવું એક દંડનીય અપરાધ ગણાશે. તમાકુ, ગુટખા, દારૂ વગેરેના વેચાણ પર પણ આકરા પ્રતિબંધો જારી રહેશે.
આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, મોલ, થીયેટરો હોલ વગેરે પણ બંધ રહેશે. સ્વિમિંગ પુલ, બાર જેવા જાહેર સ્થળો પણ ત્રણ મે સુધી ખોલી નહિ શકાય. લગ્ન પ્રસંગો, કોઇ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો, પ્રાર્થના સ્થળો વગેરે પર એકઠા થવા પર પ્રતિબંધો જારી રહેશે. રાજકીય, ખેલ, ધાર્મિક સમારોહ, ધાર્મિક સ્થળો, પ્રાર્થના નમાઝ માટેના સ્થળો પણ ત્રણ મે સુધી ખોલી નહિ શકાય.
સરકારે ગ્રામીણ ક્ષેત્રોને વધુ છુટ આપી છે કેમ કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાઇરસના કેસો શહેરો કરતા ઓછા છે. શહેરોમાં પણ બાદમાં ધીરે ધીરે છુટ આપવામાં આવી શકે છે. બીજી તરફ જાહેરમાં થુકવાથી પણ વાઇરસ ફેલાતો હોવાથી હવે તેને એક અપરાધ ગણવામાં આવ્યું છે. સાથે જ જે છુટછાટો આપવામાં આવી છે તે એવા વિસ્તારોમાં છે કે જેને સરકારે હોટસ્પેટ જાહેર ન કર્યું હોય. જોકે અન્ય રાજ્યોના જે મજૂરો ફસાયા હોય તેમના માટે સરકારોએ પુરતી સુવિધાઓ કરવાની રહેશે અને લોકડાઉન પુરું થયા બાદ તેમના માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે.ગ્રામીણ ઇકોનોમીને ફરી ધમધમતી કરવા માટે મનરેગા પ્રવૃત્તિઓને છુટ આપવામાં આવી છે જોકે કામ કરનારાઓએ અને સ્ટાફે માસ્ક પહેરવાના રહેશે અને આ બધી જ છુટછાટો દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત છે. પશુપાલન, કૃષી ક્ષેત્રોને ખોલવા માટે રાજ્યોને આદેશ અપાયા છે. ગ્રામીણ વિસ્તારોના કોમન સર્વિસ સેન્ટરો કે જ્યાં બિલ વગેરેની ચૂકવણી કરી શકાશે. દેશમાં હાલ ૧૭૦ જિલ્લાઓમાં હોટસ્પોટ નક્કી કરાયા છે, જ્યાં આ છુટછાટો નહીં આપવામાં આવે અને લોકોનું ટેસ્ટિંગ પણ આ હોટસ્પોટ પર વધારવામાં આવશે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી ગાઇડલાઇન મુજબ ૨૦મી તારીખથી ગ્રામીણ વિસ્તારોમાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓને કેટલીક હળવી છૂટછાટ આપવામાં આવશે. ગ્રામિણ વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીને મુક્ત રાખવામાં આવી છે પણ શરત એટલી છે કે તે ઇન્ડસ્ટ્રી શહેરી એમસીડી ક્ષેત્રમાં ન આવવી જોઇએ. જે ક્ષેત્રોને છૂટછાટ આપવામાં આવી છે તેમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ સામેલ છે પણ આ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.
આ ઉપરાંત ખાદ્ય, આઇટી હાર્ડવેર, કોલસા ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ, તેલ રિફાઇનરી ઇન્ડસ્ટ્રી, પેકેજીંગ ઇન્ડસ્ટ્રી અને જૂટ ઉદ્યોગો ૨૦ એપ્રિલથી કામ શરી કરી શકશે. આ સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં ઇંટ ભઠ્ઠા ચલાવવા માટે પણ છૂટ આપી દેવામાં આવી છે. રોડ રસ્તા નિર્માણ, સિંચાઇ પ્રોજેક્ટ, બિલ્ડિંગ નિર્માણ કાર્યોને કેટલાક પ્રતિબંધો સાથે છૂટ આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રોને પણ લોકડાઉનના પ્રતિબંધોથી મુક્ત કરવામાં આવ્યા છે, જોકે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત છે. સાથે જ માછીમારી અને પશુપાલનને પણ છૂટ આપવાની જાહેરાત થઇ છે. કૃષિ સંલગ્ન દુકાનો, મશીન, મંડીઓ, દરેક પ્રકારની ખેતીવાડીને મુક્ત રખાઇ છે. દરેક પ્રકારની સ્વાસ્થ્ય સર્વિસને છૂટ અપાઇ છે. ગેસ, તેલ, એલપીજી, પીએનજીના ઉત્પાદનને છૂટ અપાઇ છે. પાવર સેક્ટરને પૂરી રીતે મુક્ત રખાયું છે.
પોસ્ટલ સેવાઓને પ્રતિબંધોથી મુક્ત રખાઇ છે. રેલવેના ટ્રાન્સપોર્ટેશન, રોડ ટ્રાન્સપોર્ટેશનને પણ છૂટ આપવામાં આવી છે પણ તેમાં શરતોનું પાલન કરવું જરૂરી છે. આ સાથે જ ઇલેક્ટ્રીક, આઇટી, મોટર મિકેનિક, પ્લમ્બર, કાર પેન્ટર વગેરેને પણ છૂટછાટ સાથે તેઓએ ૨૦મી એપ્રિલથી ડિસ્ટન્સ જાળવી કામ કરવાનું રહેશે.
હાઇવે પર ચાલી રહેલા વિવિધ ઢાબા ખુલા રહેશે, આ ઉપરાંત ટ્રક મરમ્મતની દુકાનો પણ ખુલી રહેશે, બંધ દરમિયાન કરિયાણાની દુકાનો, ઇંડા-માંસ-માછલીની દુકાનો, શાકભાજી, દુધના સ્ટોલને છૂટ અપાઇ છે. દવાઓ, મેડિકલ ડિવાઇસ બનાવનારા યુનિટને છૂટ આપવામાં આવી છે. સાથે જ એમ્બ્યુલન્સની ખરીદી, સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણકાર્ય વગેરેની છૂટ અપાઇ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here