ૐ હાસ્યમ્

0
1279

(1) કહું છું, સાંભળો છો!
એક વાર એક વર્તમાનપત્રની સાપ્તાહિક પૂર્તિની જીવનચિંતનની કોલમમાં નાટ્યકાર ઇસ્કીલસનું એક કથન ટાંકવામાં આવ્યું હતુંઃ ‘સ્ત્રીએ ઘરની ચાર દીવાલોની વચ્ચે જ પોતાની જિંદગીનો વ્યાપ સંકેલી લેવો જોઈએ અને શાંતિપૂર્વક મૌન રહીને જીવતાં શીખવું જોઈએ.’ અઢી હજાર વરસ પહેલાં સ્ત્રી વિશે પુરુષની અપેક્ષા આવી હતી. આજે પણ પુરુષોને ખાનગીમાં પૂછવામાં આવે અને એનો જવાબ એની પત્નીથી ખાનગી રાખવાની ખાતરી આપવામાં આવે તો આજે પણ પુરુષમાત્રની અપેક્ષા, કદાચ જ નહિ, ચોક્કસ આવી જ હશે, એવું પુરુષજાતિના પ્રતિનિધિ તરીકે હું કહી શકું તેમ છું. અલબત્ત, બે ટંક જમવું હોય અને બાળકોને ઇંગ્લિશ મિડિયમમાં ભણાવવાં હોય તો પત્નીને નોકરી કરવા જવા દીધા સિવાય પતિનો છૂટકો નથી, પણ સ્ત્રીએ શાંતિપૂર્વક મૌન પાળીને જીવતાં શીખવું જોઈએ એવી પુરુષની માન્યતામાં ઝાઝો ફેર પડ્યો નથી. અલબત્ત, ઇસ્કીલસની જેમ કોઈ પતિ જાહેરમાં હિંમતપૂર્વક આવું કહી ન શકે – આજે તો કદાચ ઇસ્કીલસ પોતે પણ જાહેરમાં આવું ન કહી શકે, પરંતુ પુરુષ માત્રને કહ્યાગરી પત્ની ગમે છે. (જોકે સ્ત્રી માત્રને કહ્યાગરો કંથ ગમે છે – એટલે એકબીજાને કહ્યાગરાં બનાવવાની માથાકૂટમાં જિંદગી પૂરી થઈ જાય છે!)

પણ મુશ્કેલી એ છે કે એકલદોકલ ભાગ્યશાળી પુરુષને બાદ કરતાં કોઈ પુરુષને જીભ હોય એવી – એટલે કે બોલી શકતી હોય તેવી – મૂંગી સ્ત્રી ભાગ્યે જ સાંપડે છે. જાહેરમાં પતિ સામે જીભાજોડી ન કરનારી સ્ત્રી પણ હોમગ્રાઉન્ડ પર વાચાળ હોય છે. (જાહેરમાં વાદવિવાદ થાય ત્યારે જીભાજોડી કર્યા વગર મૂંગા રહેવા માટે અમારા એક મિત્ર એમનાં પત્નીને વિવાદદીઠ એક સાડી લઈ આપે છે. વિવાદ જેટલો મોટો એટલી સાડી મોંઘી એવી પણ એમની સમજૂતી છે. આ ખર્ચને પહોંચી વળવા મિત્રને નોકરીમાં ઓવરટાઇમ કરવો પડે છે!) કેટલીક સ્ત્રીઓ વાચાળ પતિને મૂંગો બનાવવા સમર્થ હોય છે. આ અર્થમાં સ્ત્રી ઈશ્વરી શક્તિ ધરાવે છે એમ કહી શકાય. ‘મૂકમ કરોતિ વાચાલમ’ એમ ઈશ્વર વિશે કહેવાય છે તે સ્ત્રી વિશે પણ કહી શકાય. ફેર માત્ર એટલો છે કે ઈશ્વર મૂકમ (મૂંગાને) કરોતિ વાચાલમ (બોલતો કરે છે), જ્યારે સ્ત્રી વાચાલમ (બોલતા પતિને) કરોતિ મૂકમ (મૂંગો કરે છે.) બંધારણનું જ્ઞાન હોય કે ન હોય, ઘણાંખરાં ઘરોમાં પત્ની જ ‘સ્પીકર’ હોય છે. ‘જીભ’ નારીજાતિનો શબ્દ છે એટલે જીભનો ઉપયોગ પુરુષની સરખામણીમાં સ્ત્રી વધુ કુશળતાથી કરી શકે છે.

સતત બોલતી પત્ની રિસાય છે ત્યારે એકાએક મૌન ધારણ કરી લે છે. આવી રિસાયેલી સ્ત્રીના સૌંદર્ય વિશે કાવ્યો રચાતાં રહે છે. પુરુષ પણ ક્યારેક રિસાય, પણ રિસાયેલા પુરુષ વિશે કવિઓ કાવ્ય લખતા નથી. સ્ત્રીની રીસમાં કવિને કવિતા દેખાય છે – મોટા ભાગે કુંવારા કવિને. સ્ત્રી રિસાય અને મૌન ધારણ કરે ત્યારે કેવું મૌન ધારણ કરે એની એક સરસ રમૂજ છેઃ એક રિસાયેલી સ્ત્રીને પતિ સાથે અબોલા ચાલતા હતા. પતિને બહારગામ જવાનું આવ્યું. વહેલી સવારની ટ્રેનમાં જવાનું હતું, પણ પતિદેવની ઊંઘ એવી કે એલાર્મ વાગ્યા જ કરે તોય ઊંઘ ઊડે નહિ. પત્ની સાથે તો અબોલા ચાલતા હતા. કહેવું કેવી રીતે એટલે એણે એક યુક્તિ કરી. પત્નીના રૂમમાં ટેબલ પર ચિઠ્ઠી મૂકીઃ ‘કાલે સવારે પાંચ વાગ્યે ઉઠાડજો.’ બીજે દિવસે સવારે પતિદેવની ઊંઘ ઊડી ત્યારે સવારના સાત વાગી ગયા હતા! એ બિચારો હાંફળોફાંફળો થઈ ગયો. એકદમ એની નજર ટેબલ પરની ચિઠ્ઠી પર પડી. એણે ચિઠ્ઠી ઉપાડી. ચિઠ્ઠીમાં લખ્યું હતુંઃ ‘પાંચ વાગી ગયા; ઊઠો!’

ટેલિફોન એકાએક બંધ થઈ જાય ત્યારે પ્રારંભમાં ઘણું સારું લાગે છે, પણ પછી અકળાઈ જવાય છે. કેટલાક ટેલિફોનધારકો તો બાવરા બની જાય છે. પત્ની રિસાઈને અબોલા લે છે ત્યારે પણ પ્રારંભમાં પતિને ઘણી રાહત લાગે છે, પણ પછી અબોલા લંબાય છે ત્યારે પતિ અકળાઈ જાય છે. કેટલાક તો બાવરા બની જાય છે. પુરુષનું આવું છેઃ પત્ની બહુ બોલે છે તે એને સારું નથી લાગતું, પણ પત્ની બિલકુલ નથી બોલતી તે તો બિલકુલ સારું નથી લાગતું!

બોધઃ પત્ની બોલે ને પતિ સાંભળે કે બન્ને બોલે ને પડોશી સાંભળે એનાં કરતાં વારાફરતી બન્ને બોલે – એકબીજાને સાંભળે ને સમજે તો જ હવે બન્નેનું નભવાનું છે. દીવાલ પર લખાયેલું આ સત્ય સૌ સમજે – કમમાં કમ નવદંપતીઓ તો સમજે જ એવી ભાવના પ્રગટ કરી મૌન ધારણ કરું છું.

(2) સ્ત્રીપુરુષ-(વિ)સંવાદ
સ્ત્રીઃ ‘છાપામાં વાંચ્યું ને, સરકાર સ્ત્રીપુરુષ સમાન નીતિ તૈયાર કરી રહી છે.’
પુરુષઃ ‘તમારે માટે આ હરખાવાના સમાચાર ગણાય, પરંતુ…’
સ્ત્રીઃ ‘હું જાણું છું – મહિલાઓ ઉચ્ચ સ્થાને હોય એ તમને પુરુષોને ઘણું વસમું લાગે છે, પણ હવેના દિવસોમાં તમારે પુરુષોએ આ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.’
પુરુષઃ ‘આ પરિસ્થિતિ માટે મનને તૈયાર કરવાનું અઘરું છે અમારે માટે. મારા એક મિત્રે બોસ તરીકે એક મહિલા આવ્યાં એટલે વીઆરએસ લઈ લીધું.’
સ્ત્રીઃ ‘જેમ જેમ સમય જશે તેમ-તેમ અનેક જગ્યાએ મહિલા બોસ હશે. કેટલા લોકો વીઆરએસ લેશે?’
પુરુષઃ ‘એવી પરિસ્થિતિમાં પુરુષો વીઆરએસ તો શું સંન્યાસ પણ લઈ લેશે. આવતા દિવસોનાં એંધાણ જોઈને તો પુરુષ-અધિકાર સુરક્ષા-સંઘોની સ્થાપના થઈ રહી છે. પુરુષો જાગ્રત નહિ થાય તો એમના બધા અધિકારો ધીમે ધીમે છીનવાતા જશે.’
સ્ત્રીઃ ‘સ્ત્રીપુરુષ સમાન અધિકારની વાત છે એમાં તમારા અધિકારો છીનવાઈ જવાની વાત ક્યાં આવી? હા, ખોટા અધિકારો જશે એ વાત નક્કી!’

પુરુષઃ ‘તમે સ્ત્રીઓ જેને ખોટા અધિકાર કહો છો એ અમને સ્ત્રીઓએ જ આપ્યા છે! લગ્નજીવનની શરૂઆતમાં પતિને સરસ મજાની ચા બનાવી દેવી; ચા બનાવીને પતિને વહાલપૂર્વક ઉઠાડવા; પતિ બેડ-ટી લઈ લે પછી તેને બ્રશ-ઊલિયું શોધી દેવાં; નાહવાનું પાણી ગરમ કરી દેવું; ટુવાલ-કપડાં બાથરૂમમાં મૂકી દેવાં; પતિ શર્ટ પહેરી લે એટલે બટન ટાંકી આપવું; પતિ ડાઇનિંગ ટેબલ પર બેસે એટલે આગ્રહ કરી કરીને ગરમ ગરમ રસોઈ જમાડવી; પતિ જમતો હોય ત્યારે પહેલાંની સ્ત્રી વીંઝણો ઢોળતી, હવેની સ્ત્રી પંખાની કે કૂલરની સ્વિચ ઓન કરી આપે છે. લગ્નજીવનની શરૂઆતમાં આવું બધું કરવું તમને ગમે છે. પછી સમય જતાં આકરું પડે છે એટલે ધીમે ધીમે બધી સુવિધાઓ પાછી ખેંચી લો છો. પછી અમને આકરું પડે છે. અમે તો એ દિવસો યાદ કરતાં-કરતાં નિસાસા નાખીએ છીએ.’

સ્ત્રીઃ ‘અરે! અરે! તમારી આંખોમાં તો ઝળઝળિયાં આવી ગયાં!’
પુરુષઃ ‘તે આવી જ જાય ને!’
સ્ત્રીઃ ‘સ્ત્રી-પુરુષ પરસ્પર એકબીજાનાં કામ કરે એવું થશે પછી ઝળઝળિયાં નહિ આવે.’
પુરુષઃ ‘હા, ત્યારે ઝળઝળિયાં નહિ આવે, હીબકાં જ ભરવાનાં થશે.’
સ્ત્રીઃ ‘તમે સદીઓથી અમારા હાથમાં રસોડું પકડાવી દીધું છે એનો વિચાર તમને આવે છે ક્યારેય?’
પુરુષઃ ‘તમારા હાથમાં રસોડું પકડાવીને અમે શું ખાટી ગયા? આમાંય ચાર દિનની ચાંદનીવાળી વાત છે. સારું-સારું જમવાનો સુવર્ણયુગ તો લગ્નજીવનની શરૂઆતનાં ચાર-પાંચ વરસ ચાલે. પછી તો કાયમી ગુલામી! સ્ત્રી જેવું રાંધે, જે રાંધે, જેવી રીતે રાંધે એવું બિચારાને ખાઈ લેવાનું. ગીઝર આવતાં પાણી ગરમ કરી આપવાની વાત તો ગઈ, ઊલટું, ‘તમને ગીઝરની સ્વિચ બંધ કરવાનું યાદ આવતું જ નથી.’ એવો કકળાટ લગભગ રોજ સાંભળવો પડે છે. એટલે પુરુષોના વિશેષાધિકારો તો હવે નામના જ રહ્યા છે. ખરેખર તો, પુરુષસ્વાતંત્ર્યનો પ્રશ્ન ગંભીર બનતો જાય છે.’
સ્ત્રીઃ ‘તમે લોકોએ અમારા માનસને કેવું પ્રદૂષિત કરી દીધું છે એનો કંઈ અંદાજ છે તમને? સારો વર મળે એટલા માટે અમારે વ્રતો કરવાનાં, સૌભાગ્યવતી હોવા બદલ કપાળે ચાંદલો કરવાનો કે ચોંટાડવાનો, હાથમાં બંગડી પહેરવાની! તમારે કેમ વ્રતો નહિ કરવાનાં? સૌભાગ્યચિહ્નો શા માટે ધારણ નહિ કરવાનાં?’

પુરુષઃ ‘અન્યાય ખરો, પણ પુરુષોને, સ્ત્રીઓને નહિ. તમે ગણાવી એ બધી બાબતોમાં પુરુષોને સદીઓથી અન્યાય થતો આવ્યો છે. તમે વ્રતો કરીને સારો વર પામી શકો, પણ અમારે પુરુષોએ તો પત્ની જેવી મળી એવી ચલાવી લેવાની. અમારાં વ્રતો માટે શાસ્ત્રમાં કોઈ વિધિવિધાન જ નહિ. પુરુષોને સૌભાગ્યચિહ્ ધારણ કરવાનો અધિકાર શા માટે નહિ? મોટા ભાગના પુરુષો આજીવન અખંડ સૌભાગ્યવતા હોય છે. પત્ની મરી જાય તો ન્યૂનતમ સમયગાળામાં એ પુનઃ લગ્નજીવનનું સૌભાગ્ય પ્રાપ્ત કરી લે છે. છતાં ઘરના બજેટમાં પુરુષના સૌભાગ્ય-શણગાર માટે નવા પૈસાનીયે જોગવાઈ નહિ. તરુણી યુવતી અપરિણીત હોય ત્યાં સુધી કુમારી કહેવાય – કુ. ફલાણી ફલાણી ને બિચારો તરુણ? એ કુમાર ફલાણો ફલાણો ન કહેવાય. પુરુષ પિસ્તાલીસ વરસનો હોય ને અપરિણીત હોય તો ‘વાંઢો’ કહેવાય. સૌનો હાસ્યપાત્ર બને. પણ પિસ્તાલીસ વરસની અપરિણીત સ્ત્રી સુશ્રી ફલાણી ફલાણી કહેવાય. કુંવારા પુરુષ માટે એકલું શ્રી ને કુંવારી સ્ત્રી માટે સુ અને શ્રી બન્ને! આવું છે! આ બધા અન્યાયોનો તમે કદી વિચાર કર્યો છે?
સ્ત્રીઃ ‘અમને સ્ત્રીઓને તમે જીવનભર આર્થિક રીતે પરાધીન રાખો છો એ અન્યાય વિશે તમે કદી વિચાર કર્યો છે?’
પુરુષઃ ‘સ્ત્રીઓ આર્થિક રીતે પરાધીન છે એવું લાગે છે, પણ ખરેખર પરાધીન પુરુષો છે. પગારપત્રકમાં સહી કરી પતિ જે રકમ ઘેર લાવે છે તે પત્ની સાથે દષ્ટિ મળતાં જ બિચારો એના હાથમાં મૂકી દે છે. પછી પત્ની એને બસભાડાના, ટી-ક્લબના, પાન-સિગારેટના જે પૈસા આપે છે એમાંથી એ બિચારો ગુજરાન ચલાવે છે.’
સ્ત્રીઃ ‘જો આ સાચું હોત તો મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામતની વાત સ્વીકારવામાં આટલા અખાડા ન થયા હોત! છેવટે તો તમારે તેત્રીસ ટકાની વાત સ્વીકારવી પડી ને!’
પુરુષઃ ‘તમે સ્ત્રીઓએ આ પ્રશ્ને એટલો બધો કકળાટ કરી મૂક્યો કે રાજકારણીઓ બિચારા ગભરાઈ ગયા. એમને થયું કે સ્ત્રીઓ માટે અનામતની જોગાવાઈ નહિ કરીએ તો એ લોકો રિસાઈ જશે ને મત નહિ આપે તો આપણે રખડી પડીશું. એનાં કરતાં બાળો તેત્રીસ ટકા!’
સ્ત્રીઃ ‘આ વાક્ય અનપાર્લમેન્ટરી – બિનસંસદીય છે.’
પુરુષઃ ‘હશે, પણ પુરુષહૃદયનો ભાવ સચોટ રીતે વ્યક્ત કરવો હોય તો આમ જ કહેવું પડે.’
સ્ત્રીઃ ‘તમને ઈર્ષા થાય છે ને!’
પુરુષઃ ‘ના, મને ચિંતા થાય છે. એકવીસમી સદીમાં પુરુષજાતનું શું થશે?…’

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here