હોળી પહેલા આવી જશે કોરોના વેક્સિનઃ સ્વાસ્થ્ય મંત્રી 

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ગુરુવારે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે કોરોના વાઇરસ વેક્સિન  આગામી ત્રણ-ચાર મહિનામાં તૈયાર થઈ જશે. તેમણે તે પણ કહ્યું કે, ૧૩૫ કરોડ ભારતીયોને તેને ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિકતા વૈજ્ઞાનિક મૂલ્યાંકન પર આધારિત હશે. સ્વાસ્થ્ય મંત્રીએ આ વાત ફિક્કી એફએલઓના એક વેબિનારને સંબોધિત કરતા કહી હતી. 

આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, મને વિશ્વાસ છે કે આગામી ત્રણ-ચાર મહિનામાં કોરોના વેક્સિન તૈયાર થઈ જશે. વેક્સિનની પ્રાથમિકતા વૈજ્ઞાનિક ડેટાના આધાર પર નક્કી કરવામાં આવશે. સ્વાસ્થ્ય કર્મચારી અને કોરોના વોરિયર્સને સ્વાભાવિક રૂપથી પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ વૃદ્ધો અને રોગ-ગ્રસ્ત લોકોને રસી આપવામાં આવશે. રસીકરણ માટે ખુબ વિસ્તૃત યોજના પર કામ ચાલી રહ્યું છે. તેની બ્લૂપ્રિન્ટ પર ચર્ચા કરવા માટે એક ઈ-વેક્સિન ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આશા છે કે ૨૦૨૧ આપણા બધા માટે એક સારું વર્ષ હશે. 

કોરોના નિવારણને લઈને કેન્દ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા, સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, પાછલા કેટલાક મહિનામાં મહામારી સામે લડવા માટે ખુબ સાહસિક પગલા ભર્યા છે. જનતા કર્ફ્યૂ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક અનોખો પ્રયોગ હતો. તેમાં નાગરિકોની રાષ્ટ્રવ્યાપી ભાગીદારી હતી. લોકડાઉન અને અનલોક લાગુ કરવાનો નિર્ણય મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કેટલાક સાહસિક નિર્ણય હતા. અમે ઘણું સારું કામ કર્યું છે. 

ડો. હર્ષવર્ધને કહ્યુ કે, સરકાર આ લડાઈ દરમિયાન ખુબ સક્રિય રહી. કોરોનાને ધ્યાનમાં રાખી યોગ્ય સમય પર એરપોર્ટ, બંદર અને જમીન સરહદો પર સર્વેલાન્સ શરૂ કરવામાં આવ્યું. છેલ્લા ૧૧ મહિનાનો હિસાબ આપતા સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ઓછા સમયમાં મહામારીના પ્રકોપને નિયંત્રિત કરનારા ટોચના દેશોમાં ભારત સામેલ છે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં આપણે પીપીઈ કિટ, વેન્ટિલેટર અને એન-૯૫ માસ્કની કમીનો સામનો કરવો પડ્યો, પરંતુ થોડા મહિનામાં આપણે આ વસ્તુને દુનિયાના વિવિધ ભાગમાં નિકાસ કરવામાં સક્ષમ થઈ ગયા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here