હોળીનું પર્વઃ પ્રસન્નતાનો માઈલસ્ટોન

0
1136

માનવજીવનને મેઘધનુષી મેક-અપ કરનાર ઉત્સવ છે રંગોત્સવ, એટલે કે હોળી-ધુળેટીનો ઉત્સવ. આ ઉત્સવ ભારતદેશમાં વિવિધ પ્રાંતોમાં અલગ અલગ નામથી અને અલગ અલગ પરંપરાથી ઊજવાય છે તેમ વિદેશોમાં પણ આ પર્વ અલગ અલગ નામ, સ્વરૂપ અને પરંપરાથી ઊજવાય છે. માણસને રંગ અને ઉત્સવ સિવાય ક્યારેય ચાલ્યું નથી – ચાલવાનું નથી!
હોળી-ધુળેટીના ઉત્સવ વખતે વસંત ઋતુ પુરબહારમાં ખીલે છે અને કુદરત પણ નવાં નવાં રંગરૂપની સજાવટ પામે છે. વૃક્ષો નવપલ્લવિત થાય છે. વિન્ટરને ‘ગુડબાય’ કહીને સમરને ‘વેલકમ’ કહેવા સૌ માનવહૈયાં થનગનતાં હોય છે. બદલાતી મોસમ માનવીના મિજાજને પણ નવો પરિવેશ ધારણ કરવા પ્રેરે છે.

આપણે ત્યાં હોળી-ધુળેટીના ઉત્સવ પાછળ એક ઐતિહાસિક ઘટનાનો સંદર્ભ જોડાયેલો છે. હિરણ્યકશ્યપ નામનો એક તામસી રાજા ઈશ્વરનું અસ્તિત્વ છે જ નહિ એવું માનતો હતો. એટલું જ નહિ, પોતાની એ માન્યતાને એણે સાર્વત્રિક કરવાનો પ્રયત્ન કર્યો. પોતાના રાજ્યમાં કોઈએ ઈશ્વરને માનવો નહિ કે એની પૂજા-ભક્તિ-અર્ચના વગેરે કરવાં નહિ એવી જાહેરાત કરી. ત્યારે ખુદ તેના જ પુત્ર પ્રહ્લાદે એનો પ્રબળ વિરોધ કર્યો હતો. આ કારણે હિરણ્યકશ્યપ પુત્ર પ્રહ્લાદ સામે રોષે ભરાય તે સ્વાભાવિક હતું. તેણે પ્રહ્લાદને મારી નાખવા માટેના અનેક પ્રકારના પ્રયત્નો કર્યા, પરંતુ એકેય પ્રયત્નમાં તેને સફળતા ન મળી. એમ કહેવાય છે કે પ્રહ્લાદને કોઈ રીતે ઈશ્વરની પરોક્ષ હેલ્પ મળતી રહી અને તે દરેક વખતે સુરક્ષિત જ રહ્યો!
પુત્ર પ્રહ્લાદની હત્યાના એક પ્રયોગરૂપે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકાની હેલ્પ લીધી. હોળિકાને એવું વરદાન હતું કે તેને અગ્નિ બાળી ન શકે! હિરણ્યકશ્યપે માણસો દ્વારા વિશાળ ચિતા ખડકાવી અને એમાં બહેન હોળિકાના ખોળામાં પુત્ર પ્રહ્લાદને બેસાડ્યો. અહીં પણ હિરણ્યકશ્યપને નિષ્ફળતા જ મળી. બહેન હોળિકાને અગ્નિ ન બાળી શકે એવું વરદાન હોવા છતાં તે ભસ્મીભૂત થઈ ગઈ અને પ્રહ્લાદ હંમેશની જેમ બચી ગયો. હિરણ્યકશ્યપ આથી વધારે રોષે ભરાયો અને પછી તો પ્રહ્લાદને મારી નાખવા માટેના વધારે હિંસક અને ખતરનાક પ્રયોગો કર્યા. અલ્ટિમેટલી હિરણ્યકશ્યપ સ્વયં ઈશ્વરના નરસિંહ સ્વરૂપ દ્વારા નાશ પામ્યો!

અહીં આપણને બહુ સ્વાભાવિક સવાલ જાગે કે પ્રહ્લાદ સાચો હતો, સાતિ્ત્વક હતો અને એનો પ્રભાવ પુરવાર થયો હતો ત્યારે પર્વનું નામ હોળિકાના નામ પરથી ‘હોળી’ શા માટે રાખવામાં આવ્યું હશે? ખરેખર તો પર્વનું નામ પ્રહ્લાદના નામને અમર કરે એ રીતે પ્રહ્લાદના નામ પરથી રાખવું જોઈતું હતું, પરંતુ અહીં તો હોળિકાના નામને અમર કરવાનો પ્રયત્ન થયો હોય એમ લાગે છે એનું કારણ સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવે છે કે હોળિકા પાસે અગ્નિમાં ન બળવાનું વરદાન હોવા છતાં ભાઈની આજ્ઞાથી એ પોતાના ભત્રીજાની હિંસામાં સહભાગી બની. અનિષ્ટને સાથ આપનાર પોતે પણ અનિષ્ટ જ કહેવાય અને અનિષ્ટનો નાશ થવો અનિવાર્ય હોય છે. માણસને પોતાની ભીતરનાં અનિષ્ટોને ખતમ કરવાની લાઇફટાઇમ પ્રેરણા મળે એ માટે આ પર્વનું નામ હોળિકાના નામ પરથી રાખવામાં આવ્યું હોવું જોઈએ. ઇષ્ટમાંથી તો સૌકોઈ પ્રેરણા લેતા જ હોય છે, પણ અનિષ્ટ પણ ક્યારેક આપણા માટે પ્રેરક બની શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. હોળીના દિવસે હોળી પ્રગટાવવાનો અર્થ એ છે કે આપણે ભીતરનાં દૂષણ-પ્રદૂષણ અને તમામ અનિષ્ટોને ખતમ કરવાં.

અનિષ્ટનો નાશ થાય એ પણ આનંદનો વિષય બની શકે. એ કારણે હોળિકાના અવસાન પછી બીજા દિવસે ધુળેટીનો ઉત્સવ ઊજવવાનું આયોજન થયું આ ઉત્સવ વિવિધ રીતે લોકોએ ઊજવ્યો.

આપણને નવાઈ લાગે કે ધુળેટીના દિવસે એક તરફ અબીલ-ગુલાલ ઉડાડવામાં આવે છે, તો બીજી તરફ ધૂળ અને કાદવ-કીચડથી પણ ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા આપણને કોઈ રીતે સુસંગત લાગતી નથી એક તરફ રંગ ગુલાલ હોય અને બીજી તરફ ધૂળ -કાદવ હોય, એ બન્ને વચ્ચે કોમ્બિનેશન કઈ રીતે થઈ શકે? આ મુદ્દો પણ સમજવા જેવો છે. જે વખતે હોળિકાનો નાશ થયો હશે એ દિવસે અમીર અને શ્રીમંત લોકોએ તો અબીલ-ગુલાલ ઉડાડ્યા હશે, પણ ગરીબ લોકોએ કદાચ ધૂળ અને કાદવ કીચડથી રમીને પોતાનો આનંદ-ઉલ્લાસ વ્યક્ત કર્યો હશે. આ દ્વારા સમજવાનું એ છે કે જ્યારે કોઈ પણ અનિષ્ટનો નાશ થાય છે ત્યારે વ્યક્તિ શ્રીમંત હોય કે ગરીબ, સૌને આનંદ થાય છે અને સૌ પોતાનો આનંદ પોતાની પાત્રતા તેમ જ ક્ષમતા મુજબ વ્યક્ત કરે છે.

ખેર, આ તો થઈ ભારતમાં હોળી-ધુળેટી પર્વની પરંપરા વિશે જુદી વાત પરંતુ એવું નથી કે આ પર્વ માત્ર ભારતમાં જ ઊજવાય છે, વિદેશોમાં પણ જુદી જુદી રીતે તે ઊજવાય છે. ત્યાં કદાચ પ્રહ્લાદ અને હોળિકાનો પ્રસંગ પ્રસ્તુત નહિ હોય, પરંતુ એથી શો ફરક પડે છે? મૂળ વાત તો છે આનંદપ્રમોદ અને થનગનાટ અનુભવવાની, ઊજવવાની. એ અધિકાર દરેક માણસને છે.
કોઈ માણસ કલ્પના કરી શકે ખરો કે જીવનમાં રંગ ન હોય, ઉમંગ ન હોય, મોજ ન હોય, મસ્તી ન હોય તો જીવન કેવું નીરસ અને બોજરૂપ બની જાય! પરંપરા ભલે જે હોય તે, ઉજવણીની રીત ભલે સૌની જુદી હોય; પણ દરેક વ્યક્તિ જીવનમાં થોડો થનગનાટ ભોગવે તો એના જીવનના તાપ-પરિતાપ ઓગળી જાય. આપણને લાઇફ માત્ર વૈતરું કૂટવા માટે નથી મળી. લાઇફમાં વચ્ચે વચ્ચે થોડાં વિસ્મય અને થોડાં મોજમસ્તી અને થોડાં તોફાન પણ એન્જોય કરી લેવાં જોઈએ.

હોળી-ધુળેટીના પર્વની વાત આવે અને શ્રીકૃષ્ણનું સ્મરણ ન થાય એ તો પોસિબલ જ નથી. શ્રીકૃષ્ણ રાધા સાથે અને ગોપીઓ સાથે હોળી-ધુળેટીનું પર્વ ઊજવતા હતા એ વિશેનાં અનેક ગીતો અને કાવ્યો આપણને મળે છે. એ ગીતોનો લય જીવનમાં પણ લય પ્રગટાવે છે. શ્રીકૃષ્ણની લાઇફસ્ટાઇલ સમગ્ર જગતને એક સત્ય બતાવે છે કે લાઇફમાં એન્જોયમેન્ટ પણ જરૂરી છે. એકધારી લાઇફસ્ટાઇલ હંમેશાં માણસને થકવી નાખે છે. જે શ્રીકૃષ્ણ માત્ર ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકતા હતા તેઓ વાંસળી તો બે હાથે જ પકડતા હતા. એમાં સામર્થ્યની સાથે સમજણનો અને ઐશ્વર્યની સાથે આદરનો સમન્વય જોવા મળે છે. પરાક્રમની સાથે પ્રસન્નતા પણ હોવી અનિવાર્ય છે. પ્રસન્નતા વગરનું પરાક્રમ આખરે તો વૈતરું જ બની જતું હોય છે!
ભારતમાં હોળી-ધુળેટીનું પર્વ સૌથી વિશેષ વૃંદાવન અને મથુરામાં ઊજવાય છે. મથુરા એટલે શ્રીકૃષ્ણની જન્મભૂમિ તો ખરી જ, સાથેસાથે લીલાભૂમિ પણ ખરી! મથુરા અને વૃંદાવનમાં બાળકૃષ્ણએ જે લીલાઓ કરી છે તે અનન્ય છે, અદ્ભુત છે, અનુમોદનીય છે અને અનુકરણીય પણ છે. શ્રીકૃષ્ણને આપણે એમની લીલાઓ અને માત્ર પરાક્રમને કારણે જ યાદ કરીએ તો શ્રીકૃષ્ણ સાથે આપણે અન્યાય કર્યો ગણાશે. હું તો શ્રીકૃષ્ણને પ્રસન્નતાનો પર્યાય જ કહું છું, કારણ કે એવી કોઈ ઘટના ઇતિહાસમાં નોંધાઈ નથી કે જેમાં શ્રીકૃષ્ણ રડ્યા હોય! સંકટમાં સારથિ બનવાનું આપણને શ્રીકૃષ્ણ સિવાય બીજું કોણ શીખવી શકે? સુદામા જેવી વ્યક્તિ સાથે મિત્રતા નિભાવવાની બહુ મોટી વાત આપણને શ્રીકૃષ્ણ સિવાય બીજું કોણ સમજાવી શકે? ગોપીઓ સાથે રાસલીલા કરવા છતાં મનથી નિર્મોહી રહેવાની સચોટ વાત આપણને શ્રીકૃષ્ણ સિવાય બીજું કોણ શીખવી શકે?

હોળી-્રધુળેટી જેવા પર્વની પ્રેરણા હોય અને શ્રીકૃષ્ણ જેવા પ્રતિભાશાળી પરમાત્માનું આપણને ભરપૂર માર્ગદર્શન મળે ત્યારે ક્ષણભર એમ જ લાગે કે હવે જીવતર સફળ થઈ ગયું!

હોળી-ધુળેટીનું પર્વ સ્ત્રી અને પુરુષના ભેદ પણ ભુલાવી દે છે! કેટલાક વિસ્તારોમાં તો લઠ્ઠમાર હોળી રમાય છે. ત્યાં મહિલાઓ દ્વારા પુરુષોને લાઠી મારીને ઉજવણી કરવાની ટ્રેડિશન છે. કેટલીક જગ્યાએ પરણાવેલી દીકરીના સાસરે પિયર પક્ષ તરફથી કેટલાક વ્યવહારો કરવામાં આવતા હોય છે ઇનશોર્ટ, હોળી-ધુળેટીનું પર્વ આપણી લાઇફમાં પ્રસન્નતાના માઈલસ્ટોનનું કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here