હવે હિન્દુ લઘુમતીવાદઃ કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા લિંગાયતકાર્ડ-

0
910

(ડાબે) કર્ણાટકના કોંગ્રેસી મુખ્ય મંત્રી સિદ્ધારામૈયા. (જમણે) ભાજપના નેતા અને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર યેદુરપ્પા. (ફાઇલ ફોટો)

ભાગલા પાડો અને રાજ કરોની રાજનીતિ આપણને અંગ્રેજોએ શીખવી, પણ આપણા નેતાઓ તો ઘણા આગળ નીકળી ગયા છે! અંગ્રેજોએ હિન્દુ-મુસ્લિમના ભાગલા પડાવ્યા – ધર્મના ધોરણે. આપણા સ્વદેશી નેતાઓ તો ધર્મમાં જ ભાગલા પડાવી રહ્યા છે! અલબત્ત, આવા ભાગલા પડાવ્યા પછી કર્ણાટકમાં સત્તા કોને મળશે તે જોવાનું છે, પણ અત્યારે સત્તા માટે આપણી રાષ્ટ્રભાવનાના મૂળમાં પ્રહાર થઈ રહ્યા છે તે ચિંતાનો વિષય હોવો જોઈએ. સત્તાના રાજકારણે રાષ્ટ્રવાદ, વિકાસવાદ, સેક્યુલરવાદ-સમાજવાદ બધું જ ભુલાવી દીધું છે અને ‘હિન્દુ લઘુમતીવાદ’ શરૂ થયો છે. રાજકારણમાં વાદ અને વાડા હોય, પણ હવે સમાજ, શાસન અને ન્યાયતંત્રમાં પણ વિખવાદ જગાવાઈ રહ્યા છે. આ નકારાત્મક અને રાષ્ટ્રહિતવિરોધી રાજકારણે કર્ણાટકમાં તમામ મર્યાદાઓ વટાવી છે.
તાજેતરમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો કે 2019માં અમે બતાવી આપીશું કે ચૂંટણી કેવી રીતે જિતાય છે! શરૂઆત ગુજરાતમાં થઈ. લોકશાહીમાં ચૂંટણી લડવા અને જીતવાનો અધિકાર સૌને છે. રાહુલ ગાંધીએ ભાજપ-મોદીને હરાવવા માટે હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીનો સાથ લીધો. અનામત – અધિકારના મુદ્દે પટેલ સમાજ અને ‘ગૌરક્ષકો’ના કારણે દલિત સમાજે ભાજપવિરોધી મત આપ્યા. રાહુલ ગાંધીએ દેવદર્શન શરૂ કર્યાં – જનોઈધારી બ્રાહ્મણની જાહેરાતો થઈ તેનો કેટલો લાભ મળ્યો તે કહી શકાય નહિ – પણ કોંગ્રેસનો જૂનો સેક્યુલરવાદ ભુલાયો અને દેશભરમાં કોંગ્રેસી અને અન્ય પક્ષના નેતાઓ રામનું નામ ભજવા લાગ્યા! પશ્ચિમ બંગાળમાં તો મમતાદીદી – ‘હીજબ’ – બુરખો પહેરીને સભાઓમાં જતાં હતાં અને માત્ર એક જ સમાજના સમર્થનથી સત્તા મળે છે એમ માનતાં હતાં – પણ હવે તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ યજ્ઞ-યાગ અને ગીતાપાઠ શરૂ કરાવ્યા! રામનવમીનો ઉત્સવ ઊજવાયો અને તેમાં હિંસા ફાટી નીકળતાં ત્રણ નાગરિકોના જાન ગયા. દુર્ગાવિસર્જનના સમય ઉપર નિયંત્રણ મુકાયાં ત્યારે હાઈ કોર્ટે રાજ્ય સરકારનો કાન આમળ્યો!
હવે કર્ણાટક ઉપર સૌની નજર અને ભાવિ રાજકારણનો આધાર છે. કોંગ્રેસ માટે આ છેલ્લું મહત્ત્વનું રાજ્ય છે. સત્તા ટકાવી શકાય તો ભાજપ સામેના મોરચા-યુપીએની નેતાગીરી રાહુલ ગાંધીના ‘હાથ’માં હશે. ભાજપ માટે પણ કર્ણાટકનું મહત્ત્વ વિશેષ છે કારણ કે કર્ણાટકના પરિણામની અસર રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણી ઉપર પડશે. આ દષ્ટિએ 2019ની લોકસભાની ચૂંટણીના ટ્રેલર જેવી આ ચૂંટણી છે. દક્ષિણનાં રાજ્યોમાં ભાજપ માટે દ્વાર ખૂલી શકશે. લોકસભાની ચૂંટણીમાં તો ભાજપનો જયજયકાર થયો હતો – હવે રાજ્યોની ચૂંટણીમાં ખરી કસોટી છે.
અત્યારે કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષો ભાજપ – અર્થાત્ નરેન્દ્ર મોદીને હરાવવા માગે છે. પ્રાદેશિક પક્ષોનો ભાજપ વિરોધ છે – કારણ કે એમને ભવિષ્યની ચિંતા છે. લોકસભામાં બહુમતી મળ્યા પછી ભાજપના પ્રમુખ અમિત શાહે વારંવાર કહ્યું હતું કે 2019માં ભાજપની બહુમતીમાં વધારો થશે. આ ‘વધારો’ કોના ભોગે થાય? કોંગ્રેસની 44 બેઠકોમાં ઘટાડો થઈ શકે? કોંગ્રેસમુક્ત ભારતનું લક્ષ્ય હોવા છતાં આસાન નથી તે સૌ જાણે છે. તેથી ભાજપની વધારાની બેઠકો પ્રાદેશિક પક્ષોમાંથી જ મળી શકે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે સમજૂતી કરીને દરેક રાજ્યમાં પ્રાદેશિક પક્ષની બેઠકો પણ વધી હતી. હવે આવા પક્ષો શા માટે બેઠકો ગુમાવે? અલબત્ત, ભાજપે કહ્યું નથી કે અમે કોઈ પક્ષ સાથે સમજૂતી નહિ કરીએ, પણ બેઠકોની વહેંચણીમાં ભાજપ મોટો ભાગ માગે જ. શિવસેનાનો વિરોધ આ કારણે શરૂ થયો. ભાજપના ઝડપી વિકાસથી ચિંતા થાય જ. આવી જ રીતે આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઓડિશા, કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં સમસ્યા છે. બંગાળમાં મમતાદીદી જાણે છે કે રાજ્યમાં ઝડપથી ભાજપ આગળ વધીને વિકલ્પ બને છે!
આ સંજોગોમાં તેલંગણા અને બંગાળનાં મુખ્યમંત્રીઓએ કેન્દ્રમાં સત્તા મેળવવાનાં સ્વપ્ન જોવાની શરૂઆત કરી. પ્રાદેશિક પક્ષોને ભેગા કરીને યુનાઇટેડ ફ્રન્ટ (સંયુક્ત મોરચો) ઊભો કરવાના પ્રયાસ શરૂ કર્યા. કોંગ્રેસ પણ ‘યુપીએ’ યુનાઇટેડ પ્રોગ્રેસિવ ફ્રન્ટ જાગૃત કરવા માગે છે. રાહુલ ગાંધી સામે ચાલીને શરદ પવારને મળવા ગયા તે પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં આશા જાગી છે કે આખરે શરદ પવારનું નેતૃત્વ સ્વીકારાશે.
સોનિયાજીને પવાર ઉપર લેશમાત્ર વિશ્વાસ નહોતો, પણ સમય બદલાયો છે. ભૂતકાળમાં સંજય ગાંધીએ ચૌધરી ચરણ સિંહને કોણીએ ગોળ ચોંટાડીને – જનતા સરકાર તોડી હતી! અત્યારે મમતાદીદી શરદ પવારને મળ્યાં ત્યારે જવાબ મળ્યો – ત્રીજો વિકલ્પ નહિ, એક જ વિકલ્પ – ભાજપ સામે એકતા, અર્થાત્ કોંગ્રેસને સાથે રાખવાની અનિવાર્યતા. અલબત્ત, આ માટે કેટલા પ્રાદેશિક પક્ષો સહમત થાય તે જોવાનું છે. મમતાની ફોર્મ્યુલા એવી છે કે જે રાજ્યમાં પ્રાદેશિક પક્ષ શક્તિશાળી હોય તેને વધુ બેઠકો ફાળવાય! આ ફોર્મ્યુલા કોંગ્રેસ સ્વીકારે?
આ સંજોગોમાં કોંગ્રેસ માટે કર્ણાટકનું વિશેષ મહત્ત્વ છે. કર્ણાટક અને કેરળમાં શક્તિ બતાવી શકાય – આંધ્ર, તેલંગણ અને તામિલનાડુમાં પ્રાદેશિક પક્ષો સાથે સહકાર કરી શકાય. મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં સત્તા – ધજાપતાકા ફરકે તો નવી દિલ્હીમાં નેતૃત્વ મળી શકે.
કર્ણાટકમાં તમામ તાકાત અને યુક્તિ લગાડાઈ રહી છે. રાહુલ ગાંધીએ અમર-અકબર-એન્થનીની ભૂમિકા ભજવી છે. અને હળવા હિન્દુત્વના બદલે હિન્દુ ધર્મથી લિંગાયત સમાજને અલગ – લઘુમતી તરીકે સ્વીકૃતિ આપી છે (કેન્દ્ર સરકારની મંજૂરી બાકી છે). આ અગાઉ યુપીએ સરકારનું નેતૃત્વ હતું ત્યારે કોંગ્રેસે લિંગાયત સમાજને હિન્દુ ધર્મમાં ગણીને વસતિપત્રકમાં સમાવેશ કર્યો હતો – અલગ લઘુમતી તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો! આ ઉપરાંત ટીપુ સુલતાનની જયંતી ઊજવીને મુસ્લિમ સમાજને ખુશ રાખવાના પ્રયાસ થયા અને લિંગાયત સમાજની શિક્ષણ-નોકરીમાં અનામતનો લાભ – અધિકારની માગણીનો સ્વીકાર થયો છે. રાજ્યમાં લિંગાયતની વસતિ 14 ટકા છે – કુલ 6.5 કરોડની વસતિ અને પાંચ કરોડ મતદારો છે!
વાચકોને ભૂતકાળમાં સંસ્થા કોંગ્રેસના નેતા એસ. નિજલિંગપ્પાનું નામ યાદ હશે. તેઓ લિંગાયત હતા અને અત્યારે ભાજપના નેતા મુખ્ય મંત્રીપદના ઉમેદવાર યેદુરપ્પા પણ લિંગાયત છે. કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધારામૈયા તો કુરૂબા – (યાદવ-ભરવાડ) જાતિના છે. રાજ્યમાં લિંગાયત સામે ‘વોક્કાલીગા’ જાતિની ટકાવારી મહત્ત્વની છે, પણ છેલ્લાં 30 વર્ષ દરમિયાન લિંગાયત સમાજે ભાજપને સમર્થન આપ્યું છે – હવે ભાજપની અગ્નિપરીક્ષા છે – હિન્દુત્વ કે જાતિવાદ? હિન્દુત્વને છોડી શકાય? હિન્દુ ધર્મથી અલગ પડવા માગતા સમાજને ખુશ રાખી શકાય?
દક્ષિણ ભારતનાં રાજ્યોએ પ્રદેશવાદ ઉપરાંત નાણાકીય અન્યાયની ફરિયાદ ઉઠાવી છે. કેન્દ્ર સરકાર હવે તે વિશે 15મા નાણાપંચને મળીને કોઈ રસ્તો કાઢવાના પ્રયાસ કરે છે. કોંગ્રેસે સંસદમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે મહાભિયોગ- ઇમ્પીચમેન્ટનો ઠરાવ લાવવાનો નિર્ણય લીધો. તેની પાછળનો વ્યૂહ પણ સ્પષ્ટ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તીન તલાક અને મુસ્લિમ મહિલાઓના રક્ષણ માટે પગલાં લીધાં પછી સુપ્રીમ કોર્ટે રક્ષણ આપ્યું છે. અયોધ્યાના વિવાદમાં શિયા મુસ્લિમ સમાજનો મોટો વર્ગ અદાલતની બહાર ભાઈચારાથી સમાધાનની તરફેણ કરે છે. આમ મુસ્લિમ સમાજમાં ‘મતભેદ’ છે ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા ઓક્ટોબરમાં નિવૃત્ત થવા પહેલાં રામમંદિરની તરફેણમાં ચુકાદો આપશે અને તે પછી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી તરત કરાવશે – રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢને સાથે રાખશે – એવી ભીતિ કોંગ્રેસ અને અન્ય વિપક્ષોને છે. તેથી જ આવો ઠરાવ લાવવાનો વ્યૂહ વિચારાયો. આ અગાઉ ચાર ન્યાયાધીશોએ નામદાર દીપક મિશ્રા સામે ફરિયાદ – આક્ષેપ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તે પણ વ્યૂહનો જ એક ભાગ હતો. સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયમૂર્તિઓ આ રીતે જાહેરમાં આવ્યા તે પાછળ રાજકીય હાથ હતો? સંસદમાં ઠરાવ પસાર થાય જ નહિ તે જાણવા છતાં પણ ચર્ચા દરમિયાન આક્ષેપો કરી શકાય. ગમે તેમ કરીને મોદી સરકારને કઠેડામાં ઊભી કરવાનો આ પ્લાન છે. કોંગ્રેસના વકીલોએ આ પ્લાન કર્યો પણ હળવા હિન્દુત્વના વ્યૂહ સાથે અયોધ્યાના સંભવિત ચુકાદાનો વિરોધ યથાર્થ ઠરી શકે?
1975ની ઇમરજન્સી પહેલાં કમિટેડ જ્યુડિશ્યરીની ચર્ચા ચાલી હતી અને વરિષ્ઠ ન્યાયમૂર્તિઓને બાજુએ રાખીને ‘વફાદાર’ ન્યાયાધીશને મુખ્ય ન્યાયમૂર્તિપદે બેસાડવામાં આવ્યા હતા તે હજી ભુલાયું નથી. ન્યાયતંત્રને રાજકીય શતરંજમાં પ્યાદાંની જેમ ગણવામાં આવે છે!

લેખક ‘જન્મભૂમિ’ જૂથના તંત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here