હથિયારોની રેસમાં અમેરિકાથી રશિયા આગળઃ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું

મોસ્કોઃ અમેરિકા અને રશિયા વચ્ચેની શસ્ત્ર સ્પર્ધા જગવિખ્યાત છે અને બંને દેશો એકબીજાને પાછળ પાડી દેવા સતત પ્રયત્નશીલ હોય જ છે. રશિયાએ દાવો કર્યો છે કે જગતનું પ્રથમ હાઇપરસોનિક મિસાઇલ તેમણે તૈયાર કરી લીધું છે. આ મિસાઇલ કલાકના ૧૧,૦૦૦ કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે ત્રાટકી શકે છે. આ દાવો રશિયાના પ્રમુખ પુતિને બુધવારે એક લશ્કરી બેઠકમાં કર્યો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે શસ્ત્રોની બાબતમાં અમેરિકા અમારાથી આગળ હતું, પરંતુ હવે પહેલીવાર એવી સ્થિતિ આવી છે કે રશિયા આખા જગતથી આગળ નીકળી ગયું છે, માટે અમેરિકાએ અમારી પાછળ દોડવું પડશે.
રશિયાના પાટનગર મોસ્કોથી અમેરિકાનાં અગ્રણી શહેરો ન્યુ યોર્ક-વોશિંગ્ટનનું હવાઈ અંતર ૭,૦૦૦ કિલોમીટર જેટલું છે. આ બંને શહેરો અમેરિકાના પૂર્વ કાંઠે એટલે કે રશિયા તરફ આવેલાં છે.
અમેરિકાના પશ્ચિમ છેડે આવેલાં શહેરો લોસ એન્જેલસ અને સાન ફ્રાન્સિસ્કો પણ મોસ્કોથી ૧૦,૦૦૦ કિલોમીટરથી દૂર નથી, એટલે કે આ મિસાઇલની રેન્જમાં સમગ્ર અમેરિકા આવી જાય છે. રશિયાના પડોશમાં જ આવેલું ચીન, નજીક આવેલું ભારત વગેરે તો સ્વાભાવિક રીતે એની રેન્જમાં જ છે.
પ્રમુખ પુતિને પોતાના લશ્કરી અધિકારીઓ સાથેની વાતમાં કહ્યું હતું કે ઇતિહાસમાં પ્રથમવાર એવો પ્રસંગ આવ્યો છે, જ્યારે આપણે સંપૂર્ણ નવા પ્રકારનું શસ્ત્ર વિકસાવી લીધું છે. આ શસ્ત્ર અગાઉ કોઈએ જોયું નહિ હોય કે ન તો એના વિશેની કલ્પના કરી હશે. જાણકારોના મતે આ ઝિક્રોન મિસાઇલ છે.
૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધના અંત પછી રશિયા (સોવિયેત સંઘ)-અમેરિકા વચ્ચે કોલ્ડવોર નામે છૂપી સ્પર્ધા શરૂ થઈ હતી. એ વખતે બંને દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રો તૈયાર કરવાની હરીફાઈ હતી. રશિયા ત્યારે અમેરિકા કરતાં પાછળ રહી ગયું હતું. અમેરિકાએ પહેલાં ડિઝાઇન તૈયાર કરી બોમ્બ બનાવી લીધો હતો. એ વાતનો રશિયાને આજ સુધી વસવસો રહ્યો છે. જોકે પ્રમુખ પુતિને કહ્યું હતું કે હવે અફસોસ કરવાનો વારો દુનિયાનો છે.
હાઇપરસોનિક શસ્ત્રનું પરીક્ષણ અમેરિકાએ ૨૦૧૧માં જ કર્યું હતું, પરંતુ એને સફળતા મળી ન હતી. એ પછી અમેરિકાનો પ્રોજેક્ટ ચાલુ જ છે. અમેરિકા અને ચીન વર્ષોથી હાઇપરસોનિક શસ્ત્રો માટે પ્રયાસ કરે છે. હજુ સુધી તેમને સફળતા મળી નથી. થોડા વખત પહેલાં જ અમેરિકાએ કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં જ હાઇપરસોનિક હથિયાર વિકસાવી લઈશું, પરંતુ એ પહેલાં રશિયાએ નવી જાહેરાત કરી સંરક્ષણજગતમાં સોંપો પાડી દીધો છે.
આ વર્ષે રશિયાએ ૧૪૩ ફાઇટર વિમાન અને હેલિકોપ્ટર, ૬૨૪ આર્મ્ડ વેહિકલ (શસ્ત્રસજ્જ વાહનો), એક સબમરીન અને આઠ દરિયાઈયુદ્ધ જહાજો તેમની સેનામાં સામેલ કર્યાં છે. આવતા વર્ષે આ સિલસિલો ચાલુ જ રહેશે. આગામી વર્ષે રશિયાનું આયોજન સૈન્યમાં ૨૨ આંતરખંડિય મિસાઇલ્સ, ૧૦૬ નવાં ફાઇટર વિમાનો, ૫૬૫ આર્મ્ડ વેહિકલ, ત્રણ સબમરીન અને ૧૪ યુદ્ધજહાજો સામેલ કરવાનું છે. રશિયાએ સુપરપાવર બનવા માટે દેશને લશ્કરી રીતે મજબૂત કરવાની શરૂઆત છેલ્લાં કેટલાંક વર્ષોથી કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here